મારે કંઈક કહેવું છે - કેનેડાની TD Bank ગ્રૂપના સીઈઓ ભરત મસરાણી

- સુરેશ અને ભાવના પટેલ મારખમ કેનેડા Wednesday 08th December 2021 06:03 EST
 
 

૧ ડિસેમ્બરે અહીં મારખમ, કેનેડાની ઠંડી અને ભારે પવન સાથેની સવારે હું ગુજરાત સમાચાર અને એશિયન વોઈસની ૪ ડિસેમ્બરની ઓનલાઈન એડિશન વાંચતો હતો. તેમાં ભારતીય મૂળના આઈઆઈટી મુંબઈ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણેલા ૩૭ વર્ષીય પરાગ અગ્રવાલને ટ્વીટરના CEO બનાવાયા તે વાંચીને ખૂબ આનંદ થયો. તે ઉપરાંત અંદરના પાને ભારતીય મૂળના સીઈઓની લાંબી યાદી પણ વાંચી. તે બધું ભારતનું શિક્ષણ કેટલું ઉચ્ચ કોટિનું છે તે દર્શાવે છે. આ શિક્ષણ માર્ગમાં આડે આવતા એક પછી એક તમામ અવરોધોને હટાવીને સફળતાની સીડી ચડવા તેમના માટે કરોડરજ્જૂ સમાન છે. તેમની નીતિ સારું શિક્ષણ મેળવવાની હોય છે અને તેમાં તેમના માતાપિતાનો સંપૂર્ણ સહકાર પણ હોય છે.        

અત્રે હું ઉમેરીશ કે ૧ નવેમ્બર, ૨૦૧૪ના રોજ ભરત મસરાણીની કેનેડાની બીજા ક્રમની સૌથી મોટી બેંક TD Bank ગ્રૂપના સીઈઓ તરીકે નિમણુંક થઈ હતી. તે અગાઉ તેમણે અમેરિકાની મોસ્ટ કન્વિનિયન્ટ બેંક,TD Bankના પ્રેસિડેન્ટ અને સીઈઓ તરીકે ફરજ બજાવી હતી. તેમનો જન્મ યુગાન્ડામાં થયો હતો. તેઓ મૂળ ભારતીય છે અને તેમનો ઉછેર ગુજરાતી પરિવારમાં થયો હતો. ૧૯૭૨માં તેઓ ત્યાંથી તેમના પરિવાર સાથે ભાગી આવ્યા હતા અને મુંબઈમાં સ્થાયી થયા હતા અને ભારતમાં TD ની પ્રથમ ઓફિસ સ્થાપી હતી. યુકેમાં TD ડિસ્કાઉન્ટ બ્રોકરેજ TD વોટરહાઉસમાં સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે તેનું સુકાન સંભાળવા ૧૯૯૯માં તેઓ ઈંગ્લેન્ડના લંડન ગયા હતા. તે પછી તો તેમની સફળતાની યાદી લાંબી છે.  
સદનસીબે, હું રીટાયર થયો તેના દસ વર્ષ અગાઉ મને ટોરોન્ટોના સ્કારબરોમાં TD  વોટરહાઉસના WDC ડિપાર્ટમેન્ટમાં કામ કરવાની તક મળી હતી. ૧૯૭૮માં ભરત મસરાણી યોર્ક યુનિવર્સિટીમાંથી ઓનર્સ સાથે ગ્રેજ્યુએટ થયા હતા અને ૧૯૭૯માં યોર્ક યુનિવર્સિટીની અતિ પ્રતિષ્ઠિત શુલીચ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેટિવની ડિગ્રી મેળવી હતી. યોગાનુયોગે તે જ વર્ષે હું બેંક ઓફ નોવા સ્કોટિયામાં કામ કરવાની સાથે યોર્ક યુનિવર્સિટીમાં એસોસિએટ ઓફ ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ કેનેડિયન બેંકર્સનો કોર્સ કરતો હતો. મેં કદી વિચાર્યું ન હતું કે રિટાયરમેન્ટ પહેલા મેં જે જગ્યાએ કામ કર્યું તે TD Bank ગ્રૂપના તેઓ એક દિવસ સીઈઓ બનશે. આ ગ્રૂપનું હેડક્વાર્ટર ટોરોન્ટો છે અને તેની સ્થાપના ૧૮૮૫માં ટોરોન્ટોમાં થઈ હતી. તેમાં ૯૦,૦૦૦ કર્મચારીઓ કામ કરે છે.      
તાજેતરમાં અથવા સેંકડો વર્ષો પહેલા ઘણાં કષ્ટ વેઠીને આપણે ભારતીય મૂળના તમામ ઈમિગ્રન્ટ્સ દુનિયાના જુદા જુદા ભાગોમાં સ્થાયી થયા. સૌએ પોતાના માટે નહીં પણ પોતાની ભાવિ પેઢીઓ માટે અને તેઓ તેમના જીવનમાં ખૂબ સફળ બને તે માટે જીવનના દરેક પડાવ પર ચડાવ ઉતાર જોયા, જીવનને બહેતર બનાવવા માટે સંઘર્ષ કર્યો.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter