મારે પણ કંઈક કહેવું છે ; સીગારેટની લત

- રમણીકભાઈ ગણાત્રા, બેકનહામ, સાઉથ લંડન Wednesday 18th April 2018 10:48 EDT
 

૧૯૪૬ની સાલમાં મારી દશ વર્ષની ઉમરે અમારા પરિવાર, મા-બાપ, ભાઈ-બહેનો સહિત છ જણાએ ભારતના પ્રવાસે યુગાન્ડા છોડ્યું. કાઠીયાવાડી ધોરાજીમાં અમારા દાદા,દાદી અને ફઈબા સાથે બે મહિના રહી અમો વેસ્ટ બંગાળમાં મુર્શીદાબાદ જિલ્લામાં ખગરા નામનું ગામડુ હતું. ત્યાં મારા ફઈબા અને ફુવા રહેતા હતા અને પરીવાર સાથે તમાકુ બીડના ધંધો કરતા હતા. ત્યાં તેમની સાથે બાકીનો સમય પૂરો કરવા ગયા. તેમનું મોટું કુટુંબ. હજુ તેમાં સૌથી મોટાભાઈ જેઠુભાઈ મારા ફુવાને ધંધામાં મદદ કરતા હતા. એક વખત સંધ્યા સમયે જેઠુભાઈ ફીલ્મ જોવા જવાની તૈયારી કરતા હતા. ત્યારે મારા ફઇબાએ તેમને મને સાથે લઈ જવાનું કહ્યું. તેમણે હા તો પાડી પણ મોઢા પરથી નારાજ લાગ્યા. પરંતુ અમે ફિલ્મ જોવા ગયા. ફિલ્મના મધ્યાંતરમાં તે બહાર નીકળ્યા અને જણાવતા ગયા કે તે હમણાં પાછા આવે છે. થોડી વાર પછી મને થયું કે લાવ હું દરવાજા સુધી આટો મારી આવું. દરવાજાની બહાર આવ્યો તો મને નવાઈ લાગી કે તે ઊભા ઊભા સિગારેટ ફૂંકતા હતા અને પરિવારમાં બીડીનો ધંધો હોવા છતાં પીતા પકડાય તો મારકૂટ થાય. તે બીકે તેમણે મને ધરાર તમાચા મારીને બીડીપીવડાવી પછી ધીમે ધીમે દોસ્તી થઈ ગઈ અને રોજ સાંજે સાથે બહાર જતા. થોડા વખત બાદ મ્બાલે યુગાન્ડામાં પાછા આવ્યા ત્યાં મારા બધા મિત્રો મારી માફક સિગારેટની ટેવમાં ફસાઈ ગયા હતા. મને દિવસે દિવસે, પરિવારની મરજી વિરુદ્ધ ટેવ પડતી ગઈ. ૧૯૭૨ના ઓક્ટોબર મહિનામાં યુગાન્ડામાં હકાલપટ્ટીમાં લંડન આવ્યો ત્યારે વિન્ટર ચાલુ થઈ ગયો હતો અને સિગારેટ એનું કામ કરતી ગઈ કે ત્યાં સુધીમાં મારા ફેફસા ડેમેજ કરી નાખ્યા. તેના કારણે કફ ભરાઈ રહે અને જામી જાય પછી શ્વાસમાં તકલીફ પડતી રહે.

દર વરસે ખાસ કરીને વિન્ટરમાં તકલીફ ઊભી થાય અને હોસ્પિટલના ધક્કા ચાલુ રહે અને આમ ચાલતું રહ્યું.

તે દરમિયાન ૧૯૮૬ના એપ્રિલ મહિનામાં પીનરવ્યૂ હેરોમાં એક સ્કૂલમાં મોબાતેના રહેવાસીનું સંમેલન હતું. રાબેતા મુજબ મારા પિતાશ્રીને સેટલ કરીને હું મારા મિત્રમંડળમાં જોડાઈ ગયો. તેમાં મારા પિતાશ્રી મને સિગારેટ પીતા જોઈ ગયા. વળતા રસ્તામાં હું કાર ચલાવતો હતો. મારી બાજુમાં મારા પિતાશ્રીએ સિગારેટ માટે ઠપકો આપવાનું શરૂ કર્યું તો આખી સફર પૂરી ક્યાં કરી પણ તેમણે ચાલુ જ રાખ્યું. મારી સાથે કારમાં પાછળ મારો પરિવાર હતો અને એ બધા સાંભળે. મારા પિતાશ્રી અને મારી વચ્ચે ઘણી વાર મતભેદ થાય, પણ તેનું નિવારણ અમે બે જણા હોય ત્યારે જ થાય. પણ આ તો બધાની વચ્ચે બોલ્યા તે ખૂબ જ વસમું લાગ્યું. અને આઘાત જીરવી ન શક્યો.

ત્યારબાદ એકાદ દિવસમાં હું બેન્કમાં ગયો અને સિગારેટ સળગાવી ત્યારે એકદમ ઉધરસ આવી અને અડધી સિગારેટ કાઢીનેફ્લોર ઉપર ફેંકી દીધી અને ઘરે જઈને બીજા કામ પડતા મૂકી છાતીમાં ઘણો દુઃખાવો હતોએટલે સૂઈ ગયો. હું પંદર દિવસ સુધી ઘરમાં બંધાઈ ગયો અને એકલો હતો સીગારેટ માટે ચાલવું પડે તેવી પરિસ્થિતિ હોવાથી પંદર દિવસ સિગારેટ વગર કાઢવા પડ્યા.

જ્યારે ઘરની બહારની લાઈનમાં બેઠો અને પહેલા યાદ આવ્યું કે બાજુની દુકાનમાંથી સિગારેટનું પેકેટ લઈ લઉં. હું ગાડી પાર્ક કરીને ઉતરવા જતો હતોને વિચાર આવ્યો કે પંદર દિવસ સિગારેટ વગર કાઢ્યા તો હવે શું જરૂર છે ? તો બીજા દિવસો ખેંચી કાઢીએ. ત્યારથી મેં સિગારેટ નથી પીધી. પરંતુ દર વર્ષે વિન્ટરમાં મને તકલીફ રહેતી જ હોય છે. હું વિચાર કરતો હોઉં છું. સિગારેટ મૂકે આજે પૂરા બત્રીસ વર્ષ થયા. પરંતુ ડેમેજ થયેલા ફેફસામાં કશો જ ફેર ન પડ્યો, તો સિગારેટ કેટલું નુકસાન કરતી હશે ?

આ લખુ છું ત્યાં ૯-૪-૧૮ છે અને સિગારેટ ૯-૪-૧૯૮૬માં મૂકી. જે ભાઈઓ સિગારેટના બંધાણી હોય તેમણે મારો દાખલો લઈને વિચાર કરવો જોઈએ.

મેં સિગારેટને વિદાય આપી તે સમાચાર મેં મારા પિતાશ્રીને આપ્યા, પણ તે માનવા તૈયાર ન હતા.પરંતુ તુરત જ ૨-૫-૧૯૮૬ના રોજ અમારાથી વિદાય લીધી. તે દિવસે ઠપકો ન આપ્યો હોત તો હજુ ચાલુ હોત તો કદાચ તબિયત વધુ ખરાબ હોત. આજે મને બીજી કોઈ બિમારી નથી આયર્નની ગોળી સિવાય બીજી કોઈ ગોળી નથી લેતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter