સમગ્ર વિશ્વમાં હિન્દુઓ ‘નવરાત્રિ’નો તહેવાર ઉજવે છે જેમાં બાવિકો મા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરે છે. અન્ય કથાઓ અનુસાર એમ પણ મનાય છે કે ભગવાન રામે લંકાપતિ અસુરરાજા રાવણ સામે યુદ્ધ પહેલા નવ દિવસ સુધી માતા દુર્ગાની પૂજા કરી હતી. ભગવાન રામની સમર્પિત ભક્તિથી ખુશ થઈ મા દુર્ગાએ તેમને વિજયના આશીર્વાદ આપ્યાં હતાં અને અશુભ પર શુભનો વિજય થયો હતો.
નવરાત્રિના બીજા દિવસ 16 ઓક્ટોબર, 2023ની સવારે કેનેડાના ઓન્ટારીઓના મારખમ ખાતેનો દિવસ ઠંડો, વાદળઘેરો અને પવનના સૂસવાટાથી ભરેલો હતો પરંતુ, અમારા દીર્ઘકાલીન (અમારી 48 વર્ષની મિત્રતા છે) મિત્ર શ્રી અનિલ પટેલના પત્ની શ્રીમતી સુધાબહેન પટેલે (થોર્નહિલ્સ, ઓન્ટારીઓ) મને નવરાત્રિનો સાચો અર્થ સમજાવતો સંદેશો મોકલ્યો હતો. આ સંદેશો વાંચીને અમારી સવાર પવિત્ર અને ખુશનુમા બની ગઈ હતી તેમજ દિલ અને દિમાગમાં આનંદ છવાયો હતો. હું ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના મારા વાચકમિત્રો સાથે આ સંદેશો વહેંચવા ઈચ્છું છું. અમને લેખક વિશે તો જાણ નથી પરંતુ, તેમનો હું સાચા મનથી આભાર માનું છું.
નવરાત્રિનો સાચો અર્થ પોતાને પવિત્ર-સ્વચ્છ બનાવવાનો છે.
1. હું ગુસ્સા પર નિયંત્રણ રાખીશ. 2. હું લોકોનું મૂલ્યાંકન નહિ કરું 3. હું બધાં જ પૂર્વગ્રહો છોડી દઈશ 4. હું બધાને ક્ષમા આપીશ 5. હું દરેકનો તેઓ જેવા હશે તેવો તેમનો સ્વીકાર કરીશ 6. હું બધાને કોઈ શરત વિના પ્રેમ કરીશ 7. હું ઈર્ષા અને અપરાધથી દૂર રહીશ 8. હું મારા તમામ ડરનો ત્યાગ કરીશ. 9. મારી પાસે જે છે અને મને જે પણ મળશે તે બધા માટે આભાર વ્યક્ત કરીશ 10. આ બ્રહ્માંડમાં બધા માટે વિપુલતા છે અને તેમાં બધાને સહભાગી બનાવવા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ.
અત્યારે વિશ્વમાં જે યુદ્ધો ચાલી રહ્યા છે તે તમામનો અંત આવે અને નિર્દોષ લોકોનો નરસંહાર અટકે તેના માટે હું મા દુર્ગા અને મા અંબાને સાચા દિલથી પ્રાર્થના કરીશ.
નવરાત્રિ અને શરદ પૂર્ણિમા આનંદપૂર્ણ અને શુભ બની રહે તેવી તમામને શુભેચ્છા. સુરક્ષિત અને નિરોગી રહેશો.
સુરેશ અને ભાવના પટેલ
મારખમ, કેનેડા


