માસ્ક નહિ પહેરો તો £૩૨૦૦ સુધીનો જંગી દંડ

ગેરકાયદે નૃત્યગાન-રેવ પાર્ટીઝના આયોજકોને ૧૦,૦૦૦ પાઉન્ડનો ભારે દંડ

Wednesday 19th August 2020 03:26 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ફેસ માસ્ક નહિ પહેરનારા લોકો સામે કડક પગલાંરૂપે ૩૨૦૦ પાઉન્ડ સુધીના દંડની જાહેરાત કરી છે. અત્યારે દુકાનો અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફેસ માસ્ક કે ચહેરા પર આવરણ નહિ રાખનારાને ૧૦૦ પાઉન્ડનો દંડ કરવામાં આવે છે. હવે બીજા નિયમભંગ માટે બમણો ૨૦૦ પાઉન્ડનો દંડ કરાયો છે અને વારંવાર માસ્કના નિયમનો ભંગ કરનારાને દર વખતે દંડની રકમ બમણી થતી રહેશે અને મહત્તમ ૩,૨૦૦ પાઉન્ડ સુધીનો દંડ ભરવાનો થશે. આ ઉપરાંત, ગેરકાયદે નૃત્યગાન-રેવ પાર્ટીઝના આયોજકોને ૧૦,૦૦૦ પાઉન્ડના ભારે દંડની જાહેરાત પણ કરાઈ છે.

દુકાનો અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરજિયાત ફેસ માસ્ક કે ચહેરા પર આવરણ લગાવવાના નિયમને લોકો ગંભીરતાથી પાળતા નથી. અત્યારે માસ્કના નિયમભંગ માટે ૧૦૦ પાઉન્ડનો દંડ કરાય છે અને પખવાડિયામાં દંડ ભરી દેવાય તો 50 પાઉન્ડ ભરવા પડે છે. વડા પ્રધાન જ્હોન્સને નિયમભંગ માટે વધુ કડકાઈ દર્શાવતા જાહેર કર્યું છે કે માસ્ક પહેરવાના નિયમના બીજી વખતના ભંગ બદલ ૨૦૦ પાઉન્ડની પેનલ્ટી લાગશે. અને દર નિયમભંગ બદલ રકમ બમણી થતી રહેશે અને મહત્તમ ૩,૨૦૦ પાઉન્ડ સુધી પહોંચી શકશે.

કોરોના વાઈરસના બીજા ફેલાવાને ખાળવા માટે કડક નિયમોના ભાગરુપે ગેરકાયદે રેવ પાર્ટીઝના આયોજકોને ૧૦,૦૦૦ પાઉન્ડ સુધીના ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ દંડ ૩૦થી વધુ લોકોને ગેરકાયદે એકત્ર કરતા કોઈ પણ આયોજકોને કરાશે. વડા પ્રધાને કહ્યું હતું કે મોટા ભાગના લોકો નિયમોનું પાલન કરે છે અને વાઈરસ પર નિયંત્રણ લાવવામાં મદદ કરે છે પરંતુ, આપણે સંતોષ માની લઈએ નહિ તે જરુરી છે.

પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક ફરજિયાત બનાવાયા છે પરંતુ, ૧૫ જૂન સુધી માત્ર ૩૩ને જ પેનલ્ટી લગાવાઈ છે. પોલીસે લગભગ ૩૩,૦૦૦ લોકોને અટકાવી માસ્ક નહિ પહેરવા બદલ ચેતવણીઓ આપેલી છે. ૧૧ વર્ષથી નીચેના બાળકો, શ્વાસોચ્છવાસની તકલીફ ધરાવતા લોકો તેમજ માસ્ક પહેરી કે ઉતારી ન શકાય તેવી અક્ષમતા તેમજ લીપ રીડિંગ પર આધાર રાખનારાને મદદ કરનારાઓ માટે માસ્ક ફરજિયાત નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter