માસ્ક વિના ખરીદી કરનારા સામે પોલીસ કાર્યવાહી નહિ

Thursday 23rd July 2020 01:03 EDT
 
 

લંડનઃ બ્રિટિશ પોલીસે સ્ટોર્સમાં માસ્ક પહેર્યા વિના ખરીદી કરતાં લોકો સામે કોઈ કાર્યવાહી નહિ કરવાની જાહેરાત કરી છે. અગાઉ રિટેલરોએ જણાવ્યું હતું કે તેમનો સ્ટાફ માસ્ક પહેરવાની બાબતે દખલગીરી કરશે નહિ. ડેવોન અને કોર્નવોલ પોલીસે જણાવ્યું હતું કે જાહેર વ્યવસ્થાને લગતો ગુનો ન બનતો હોય તો માસ્ક વિશેના કોલ્સને પ્રતિભાવ આપવાનો અધિકારીઓ પાસે સમય નથી. ૨૪ જુલાઈને શુક્રવારથી ઈંગ્લેન્ડમાં શોપ્સ અને અન્ય સંલગ્ન સ્થળોએ જતા લોકોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનશે. તેનું પાલન ન કરનારને £૧૦૦નો દંડ થશે.

સ્કોટલેન્ડમાં શોપ્સમાં ખરીદી કરવા જતા લોકો માટે માસ્ક પહેરવાનો નિયમ ગઈ ૧૦ જુલાઈએ લાગુ કરાયો હતો. જ્યારે નોર્ધર્ન આયર્લેન્ડ અને વેલ્સની સરકારો હજુ પણ આ મામલે સમીક્ષા કરી રહી છે. કોરોના વિશે સરકારનું હાલનું આ પગલું ગુંચવણભર્યું હોવાથી પોલીસે આ પગલું લીધું છે, વળી શોપનો સ્ટાફ તેનો અમલ કરાવે તેવી અપેક્ષા રાખી શકાય નહિ. બ્રિટિશ ઈન્ડિપેન્ડન્ટ રિટેલર્સ એસોસિએશનના સીઈઓ એન્ડ્રયુ ગુડેકરે જણાવ્યું હતું કે આ કામગીરી રિટેલરોની નથી.

ડેવોન અને કોર્નવોલના પોલીસ અને ક્રાઈમ કમિશનર એલિસન હર્નાન્ડિઝે જણાવ્યું હતું કે અવ્યવસ્થા અથવા હિંસા અથવા તેને સંબંધિત કંઈ થશે તો પોલીસ અધિકારી ત્યાં પહોંચશે, બાકી કોઈએ માસ્ક પહેર્યું નથી તેવા ફોન કોલ પર પોલીસ ત્યાં જશે નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter