લંડનઃ બ્રિટનની ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસમાં એશિયા અને પાસિફિક વિસ્તારો માટે વહીવટી અધિકારીની ફરજ બજાવતા મિનિસ્ટર માર્ક ફિલ્ડ રાજકીય કાર્યક્રમમાં ગ્રીનપીસની ૩૮ વર્ષીય મહિલા દેખાવકાર જેનેટ બાર્કર સાથે ગેરવર્તન બદલ સસ્પેન્ડ કરી દેવાયા છે. મિનિસ્ટર ફિલ્ડે બચાવમાં કહ્યું હતું કે દેખાવકારો પાસે હથિયાર હોવાની આશંકાને કારણે તેને અટકાવી હતી. તેમણે પાછળથી તે મહિલાની માફી માગી હોવાનું કહેવાય છે. જોકે, મહિલા કાર્યકરે તેમના વિરુદ્ધ કામૂની કાર્યવાહી કરવાનું નકાર્યું છે.
યુકેના ચાન્સેલર ફિલિપ હેમન્ડની બ્રિટિશ અર્થવ્યવસ્થા અંગે રાજકારણીઓ અને બેન્કર્સ સાથેની વાર્ષિક મીટિંગ બાદના ડિનર કાર્યક્રમ વખતે આ ઘટના બની હતી. ડિનર વખતે ગ્રીનપીસના ૪૦ જેટલા કાર્યકરો શાંતિપૂર્ણ વિરોધ માટે ત્યાં પહોંચ્યા હતા. એક કાર્યકર ચાન્સેલર હેમન્ડ તરફ આગળ વધી ત્યારે લંડન અને વેસ્ટમિનિસ્ટર નગરો માટેના સાંસદ માર્ક ફિલ્ડ તે મહિલાને ધક્કો મારીને દૂર કર્યા પછી ગરદનથી પકડીને બહાર સુધી ખેંચી ગયા હતા.
વડા પ્રધાન થેરેસા મેએ પણ આ ઘટનાનો વીડિયો જોયા પછી તેની ટીકા કરી હતી. માર્ક ફિલ્ડે ખુદ આ ઘટના અંગે શરમ અનુભવતા હોવાનું જાહેર કર્યું હતું. તેમણે કેબિનેટ ઓફિસ અને કન્ઝર્વેટિવ પાર્ટી સમક્ષ ઘટનાની રજૂઆત કરી આચારસંહિતા અન્વયે તપાસની માગણી કરી હતી. ટોરી પાર્ટી માર્ક ફિલ્ડની પક્ષમાંથી હકાલપટ્ટી પણ કરી શકે છે. તેમણે પ્રદર્શનકારીઓ પાસે હથિયાર હોવાની અને તેઓ હિંસા કરી શકે છે તેવી શંકાને કારણે આ પ્રકારનો વર્તાવ કર્યો હોવાની પણ સ્પષ્ટતા કરી હતી.


