લંડનઃ ગુજરાતના દંપતી હેમાંગ ઠક્કર અને પ્રીતિ ઠક્કર 22 દેશમાં પસાર થઈને હેમખેમ લંડન પહોંચી ગયા છે. 60 વર્ષના હેમાંગભાઈએ વિવિધ દેશોમાં થઈ ૫૫ દિવસ વાહન હંકારવાની ચેલેન્જ ઉપાડી લીધી હતી. આ પડકાર સહેલો ન હતો પરંતુ, તુર્કી, મધ્ય યુરોપ, સ્કેન્ડેનેવિયા અને પશ્ચિમ યુરોપમાંથી પસાર થયા પછી 8 ઓક્ટોબરે પ્રવાસ પૂર્ણ થયો ત્યારે હેમાંગ અને તેમના પત્ની પ્રીતિબહેનને લાગ્યું કે તેમના જીવનમાં આ પ્રવાસ સૌથી રોમાંચક અને ઉત્તેજનાપૂર્ણ હતો.
આ પ્રવાસ પડકારમાં કુલ 23 લોકો સામેલ થયા હતા જેમાં મુંબઈથી હેમાંગ અને પ્રીતિ ઠક્કર, ઈન્દોરપ અને ટાન્ઝાનિયાના અન્ય બે મદંપતી, બેંગલુરૂ અને શિલોંગના પરિવારો, યુકેના એક મહિલા તથા નાસિક, ગોવા અને અન્ય સ્થળોના કેટલાક વ્યક્તિઓનો સમાવેશ થયો હતો. આ પ્રવાસ મૂળતો ભારતથી રસ્તામાર્ગે લંડન જવાનો હતો પરંતુ, મ્યાંમારથી શરૂ થતો એક રૂટ રશિયામાં યુદ્ધની પરિસ્થિતિ અને ચીનમાં વિઝાની સમસ્યાના કારણે યોગ્ય જણાયો ન હતો. પાકિસ્તાન અને અફઘાનિસ્તામાંથી પસાર થતો બીજો રૂટ પણ સલાહભર્યો લાગ્યો ન હતો. આથી, આ સાહસિકોએ તેમની કાર ઈરાન રવાના કરી હતી અને ઈરાનથી લંડન સુધીનો પ્રવાસ 55 દિવસમાં પૂર્ણ કરવાનું સાહસ આરંભાયું હતું.
હેમાંગભાઈ 10 કારના ગ્રૂપમાં હતા જેનો 16011 કિલોમીટરનો પ્રવાસ 22 દેશમાં પસાર થઈને કેડાયો હતો. આ પ્રવાસમાં તેઓ 174 ટનલ્સમાંથી પસાર થયા હતા, 31 હોટેલ્સમાં રાત્રિરોકાણ કર્યું હતું, બે ક્રોસ કન્ટ્રી ફેરી અને 6 ક્રોસિંગનો લાભ લીધો હતો. તેમણે પ્રવાસમાં 34 પેટ્રોલ સ્ટેશનોએથી પ્રતિ લિટર 1.30 પાઉન્ડથી 2.25 પાઉન્ડના ભાવે કુલ 1320 લિટર પેટ્રોલની ખરીદી કરી હતી.
સામાન્યપણે દિવસના 10થી 12 કલાક ડ્રાઈવિંગ કરતા હેમાંગભાઈએ એક દિવસમાં સૌથી વધુ 930 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. હેમાંગભાઈ કહે છે કે,‘આ શારીરિક રીતે થકવી નાખનારો પ્રવાસ હતો કારણકે તમારે નીચા અને ઊંચા તાપમાનમાંથી પસાર થવું પડે છે. તેમણે નોર્ડકેપ થઈને પ્રવાસ કર્યો જ્યાંનું તાપમાન 3 ડીગ્રી સેલ્સિયસ હતું જ્યારે બાન્ડાર અબ્બાસમાં તાપમાન 45 ડીગ્રી હતું. આ પ્રવાસમાં સંખ્યાબંધ સ્થાનિક લોકો સાથે મુલાકાતો કરી અને તેમની પાસે કહેવાની સેંકડો કથાઓ છે. નોર્વેમાં ભારતીય રાજદૂત સાથે પણ મુલાકાત થઈ જેમણે તેમને હાઈ ટી માટે આમંત્રિત કર્યા હતા.
તેમની યાત્રામાં માત્ર આનંદદાયક દિવસો જ ન હતા. કેટલાક ખરાબ દિવસો પણ હતા જેમાં એક દિવસે તેમની કારને અકસ્માત નડ્યો હતો પરંતુ, સદ્ભાગ્યે કોઈને ઈજા થઈ ન હતી. જોકે, કાર ચલાવવા યોગ્ય રહી ન હોવાથી તેને ટ્રાન્સપોર્ટ કરાવવી પડી હતી. પોલેન્ડમાં પણ સમસ્યા સર્જાઈ હતી જ્યારે ટાન્ઝાનિયાના ભારતીય દંપતીને પત્નીની માતાના દેહાંતના સમાચાર મળ્યા હતાં. આ દુઃખદ સમાચારથી સમગ્ર ગ્રૂપને ભારે આઘાત લાગ્યો હતો. ટાન્ઝાનિયાના આ દંપતીએ પોલેન્ડથી પ્રવાસ અધૂરો છોડવો પડ્યો હતો.
સરહદ પાર કરવાની સૌથી મુશ્કેલી ઈરાનથી તુર્કીમાં પ્રવેશની રહી હતી. જેમાં 6 કલાક લાગ્યા હતા. હેમાંગભાઈનું કહેવું છે કે,‘ ઈરાનમાં સૌથી વધુ આવકાર મળ્યો હતો અને લોકો સાથે મળવામાં અને તેમની સાથે તસવીરો પડાવવાનો લહાવો અનોખો રહ્યો હતો. આ પ્રકારના પ્રવાસોમાં ખોરાકની હંમેશાં સમસ્યા રહે છે અને હેમાંગ-પ્રીતિબહેન જેવા શાકાહારી લોકોને આ મુશ્કેલી વધુ નડે છે. આમ છતાં, ઘણા સ્થળોએ તેમને ભારતીય રેસ્ટોરાંમાં ભોજનનો સ્વાદ માણવા મળ્યો હતો. પોલેન્ડમાં તેમને ખોરાક સૌથી વધુ સારો લાગ્યો હતો. જોકે, દરેક ગુજરાતીઓ કરે છે તેમ હેમાંગભાઈના સામાનમાં ખાખરા, થેપલા અને પૂરીનો પૂરતો સ્ટોક હતો પરંતુ, સમગ્ર પ્રવાસ સુધી ચાલી શક્યો નહિ. હેમાંગભાઈએ તેમની કાર ભારત મોકલાવી દીધી છે અને 4-6 સપ્તાહમાં તો મુંબઈ પરત થઈ જવાના છે.


