લંડનઃ મસ્જિદોમાં થતાં મુસ્લિમ યુગલોના નિકાહનું યોગ્ય રજિસ્ટ્રેશન થાય તે સુનિશ્ચિત કરવા માટે મિનિસ્ટર્સ શરિયા મેરેજ લોને અમલી બનાવાશે. હજારો મુસ્લિમ મહિલાઓના નિકાહને કોઈ સત્તાવાર દરજ્જો પ્રાપ્ત નથી. લગ્નજીવનમાં ભંગાણ પડે તેવા સંજોગોમાં ડાઈવોર્સ ન મળે અથવા બધુ ગુમાવવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. મિનિસ્ટર્સ આવી મહિલાઓને કાનૂની રક્ષણ પૂરું પાડવા માગે છે.
ઈસ્લામ એક્સપર્ટ મોના સિદ્દીકીએ ગયા વર્ષે હાથ ધરેલી તપાસમાં જણાયું હતું કે મસ્જિદમાં યોજાતી નિકાહ વિધિમાં લગ્ન કરતી મહિલાઓને ભેદભાવયુક્ત રીતરસમનો સામનો કરવો પડે છે. કેટલીક મહિલાઓ તેના પતિને છોડવા માગતી હોય તો તેઓ તેમને હજારો પાઉન્ડનું બિલ પકડાવી દેતા હોય છે. ઈસ્લામિક નિકાહની નોંધણીને ફરજિયાત બનાવતા નિયમને લીધે આતંકવાદી ઘટનાઓની તપાસમાં પણ મદદ મળી શકે, કારણ કે તેના લીધે જે વ્યક્તિનું નામ તપાસમાં બહાર આવે તેના નિકાહની વિગતો મળી શકે.
કોમ્યુનિટીઝ સેક્રેટરી જેમ્સ બ્રોકનશાયરે જણાવ્યું હતું કે નવા કાયદાની વિગતો આ સ્પ્રિંગમાં જાહેર કરાશે. મુસ્લિમ નિકાહના નિયંત્રણથી ફેઈથ ગ્રૂપ્સના અધિકારોનું ઉલ્લંઘન થવાનો વાંધો કન્સલ્ટેશન દરમિયાન રજૂ થવાં છતાં નવા કાયદા માટેની કાર્યવાહી આગળ વધશે.
નવા કાયદામાં મસ્જિદોને ઈસ્લામિક નિકાહની સાથે સિવિલ મેરેજ સેરિમની યોજવાનું સુનિશ્ચિત થાય તે માટે આગ્રહ કરાય તેવી શક્યતા છે. કેટલીક મસ્જિદો રજિસ્ટર્ડ થયેલી હોવાથી યુગલને લાઈસન્સ ઈસ્યૂ કરાય તે પછી ત્યાં સત્તાવાર માન્યતા સાથે નિકાહ કરી શકાય છે. પરંતુ, અન્ય મસ્જિદો રજિસ્ટર્ડ નથી અને ત્યાં પઢેલાં નિકાહ બિનસત્તાવાર ગણાઈ શકે છે.


