લંડનઃ મુસ્લિમ પેરન્ટ્સ પાસેથી લઈને કાઉન્સિલ કેરમાં મૂકાયેલા ૨૧ મહિનાના બાળકની સુન્નતવિધિ હાલ નહિ કરવા અને તે સમજણો થાય ત્યારે તેની ઈચ્છાનુસાર કરવાનો ચુકાદો લીડ્ઝ હાઈ કોર્ટના ફેમિલી ડિવિઝનના જસ્ટિસ કોબે ખાનગી સુનાવણી દરમિયાન આપ્યો છે.
મુસ્લિમ પેરન્ટ્સના ૨૧ મહિનાના બાળકને જન્મના થોડા સમય પછી કાઉન્સની સંભાળ હેઠળ લેવાયો હતો. તેને મુસ્લિમ ન હોય તેવા સગાં પાસે રાખવામાં આવ્યો હતો. બાળકને અકસ્માતે ન થઈ હોય તેવી ઈજા પહોંચ્યા પછી કાઉન્સિલ સોશિયલ સર્વિસના વડાઓએ ચિંતા વ્યક્ત કરી હતી. બાળકની માતાએ જસ્ટિસ કોબને મુસ્લિમ રીતરિવાજ અનુસાર બાળકની સુન્નતવિધિ કરાવાય તેવો આદેશ આપવા વિનંતી કરી હતી. તેણે કહ્યું હતું કે આ વિધિ બાળક બે વર્ષનું થાય તે પહેલા કરાવી જોઈએ. બાળકના પિતા આ મુદ્દે સહમત હતા.
જોકે, કાઉન્સિલ સોશિયલ સર્વિસના વડાઓએ જણાવ્યું હતું કે સુન્નતવિધિ બાળકની જિંદગીના પાછલા હિસ્સા સુધી મુલતવી રખાવી જોઈએ. સોશિયલ વર્કરે જજને જણાવ્યું હતું કે બાળક મોટો થયા પછી કદાચ મુસ્લિમ આસ્થા સાથે પોતાને સાંકળે પણ નહિ અને સુન્નતને નકારાત્મક રીતે પણ ગણી શકે છે. બાળકને જેમની પાસે રખાયો છે તે દંપતીએ પણ બાળક મોટો થાય ત્યાં સુધી સુન્નતવિધિનો નિર્ણય મુલતવી રાખવા કહ્યું હતું.
જસ્ટિસ કોબે ખાનગી સુનાવણીમાં બંને પક્ષોની દલીલો પર વિચાર કરી સુન્નત બાળક સમજણો થાય ત્યાં સુધી મુલતવી રાખવા આદેશ કર્યો હતો. તેમણે બાળકની ઓળખ મીડિયામાં જાહેર નહિ કરવાનું પણ જણાવ્યું હતું.