લંડનઃ કોર્ટ ઓફ અપીલે મિશ્ર શાળામાં છોકરા અને છોકરીઓને અલગ બેસાડવાની મુસ્લિમ સ્કૂલ્સની નીતિને ગેરકાયદે અને જાતીય ભેદભાવપૂર્ણ ગણાવતો સીમાચિહ્નરુપ ચુકાદો આપ્યો છે. આ નીતિ ૨૦૧૦ના સમાનતાના કાયદાથી વિરુદ્ધ છે અને પુરુષ અને સ્ત્રી વિદ્યાર્થીમાં ભેદભાવ સર્જે છે. બર્મિંગહામની અલ-હિજરાહ સ્કૂલના ઈન્સ્પેક્શન દરમિયાન અધિકારીઓએ નોંધ્યું હતું કે વિદ્યાર્થીઓને અલગ બેસાડવાથી તેમનું જીવન આધુનિક બ્રિટનની શૈલીને અનુકૂળ બનતું નથી. અપીલ કોર્ટે આપેલા ચુકાદા પછી ઈસ્લામિક અને અન્ય ફેઈથ સ્કૂલ્સમાં છોકરા-છોકરી સાથે વર્ગમાં બેસે તેનો અમલ ઓફસ્ટેડ કરાવી શકશે.
લંડનમાં ત્રણ જજની અપીલ કોર્ટે છોકરા-છોકરીને વર્ગમાં અલગ બેસાડવાની ઈસ્લામિક સ્કૂલની નીતિ ગેરકાયદે જાતીય ભેદભાવપૂર્ણ હોવાનો ચુકાદો આપ્યો હતો. જજીસે જણાવ્યું હતું કે ઈસ્લામિક ઉપરાંત, ઓર્થોડોક્સ જ્યુઈશ અને કેટલીક ક્રિશ્ચિયન સ્કૂલ્સમાં પણ આવી નીતિ અપનાવાય છે, જે અયોગ્ય છે. અપીલ કોર્ટે બર્મિંગહામની અલ-હિજરાહ સહશિક્ષણની સ્કૂલને દંડિત કરવામાં ઓફસ્ટેડનું કાર્ય ખોટું ગણાવતા હાઈ કોર્ટના સિંગલ જજના ગયા વર્ષના ચુકાદાને ઉલટાવી નાખ્યો હતો. ઓફસ્ટેડના ઈન્સ્પેક્ટરોએ નોંધ્યું હતું કે વિદ્યાર્થીઓને એ હદે અલગ રખાતાં હતાં કે તેમને અલગ અલગ કોરિડોર્સમાં ચાલવાની ફરજ પડાતી હતી. શાળાની લાઈબ્રેરીમાં પત્નીને મારવી તેમજ બળપૂર્વકના સેક્સની હિમાયત કરતાં પુસ્તકો રખાયાં હતાં.
આવી સ્કૂલો ધાર્મિક માન્યતા ધરાવે છે કે પાંચ વર્ષની વય પછી છોકરા અને છોકરીઓને અલગ બેસાડવાં ફરજિયાત છે. નવથી ૧૬ વર્ષના વિદ્યાર્થીઓમાં વર્ગખંડો, શાળાના વિરામ, સ્કૂલ ક્લબ્સ અને પ્રવાસોમાં પણ છોકરા અને છોકરીઓને અલગ રખાતાં હતાં.

