લંડનઃ એસેક્સના સાઉથએન્ડ-ઓન-સીમાં રજીસ્ટર્ડ સર્જરી ધરાવતા મૂળ ગુજરાતના ૪૭ વર્ષીય ડોક્ટર મનીષ શાહ સામે ફેમિલી પ્લાનિંગની પ્રેક્ટિસ દરમિયાન મહિલા દર્દીઓ પર જાતીય દુષ્કર્મ આચરવાના ૧૧૮ આરોપ મૂકાયા હતા. તેમની હાવરિંગની સર્જરીમાં મેડિકલ પ્રેક્ટિસ દરમિયાન જૂન-૨૦૦૪થી જુલાઈ-૨૦૧૩ વચ્ચે તેમણે આ ગુના આચર્યા હતા. એક કિસ્સામાં તો માત્ર ૧૩ વર્ષથી નાની બાળકી સાથે જાતીય ચેડાં કર્યા હોવાનો તેમના પર આક્ષેપ છે.
૨૦૧૩માં ડો. શાહની પહેલી વખત ધરપકડ કરાઈ હતી તે પછી તેમને કેટલીક વખત જામીન પર મુક્ત કરાયા હતા. હાલ પણ તે જામીન પર મુક્ત છે અને આગામી ૩૧ ઓગસ્ટે બાર્કિંગસાઈડ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થશે.૨૦૧૪માં તેમને રજીસ્ટરમાંથી સસ્પેન્ડ કરાયા હતા. જોકે, તેમને મહિલા દર્દીઓને એકાંતમાં નહીં તપાસવાની શરત સાથે મર્યાદિત પ્રેક્ટિસ કરવાની પરવાનગી અપાઈ હતી.તેમનું સસ્પેન્શન દર વર્ષે લંબાવવામાં આવે છે.
પોલીસના જણાવ્યા અનુસાર લંડનના રોમફર્ડ વિસ્તારમાં ૪૧ વર્ષીય પત્ની નેહલ સાથે રહેતા છેલ્લા નવ વર્ષમાં મહિલા દર્દીઓ સાથે દુષ્કર્મ આચરવાના ૬૫ આરોપમાં તેઓ ગુનેગાર ઠર્યા હતા.આ ઉપરાંત, તેમના પર જાતીય છેડછાડના બીજા ત્રેપન આરોપ મૂકાયા હતા. ફેમિલી પ્લાનિંગના સ્પેશિયાલિસ્ટ ડો. શાહ પર ઈસ્ટ લંડનમાં હાવરિંગ ખાતે સર્જરીમાં પ્રેક્ટિસ દરમિયાન પણ મહિલા દર્દીઓ પર જાતીય દુષ્કર્મ ગુજારવાના આરોપ છે. મેટ્રોપોલિટન પોલીસના ચાઈલ્ડ એબ્યુઝ એન્ડ સેક્સ્યુઅલ ઓફેન્સના કોમ્પ્લેક્સ કેસ યુનિટના અધિકારીઓના નેતૃત્વમાં વિસ્તૃત તપાસ હાથ ધરાઈ છે.
જનરલ મેડિકલ કાઉન્સિલના રજીસ્ટર મુજબ ડો. શાહ માઈનોર સર્જરી કરે છે અને મહિલા દર્દીના ગુપ્તભાગમાંથી કોન્ટ્રાસેપ્ટિવ કોઈલ કાઢવાની સર્જરી કરે છે. તેઓ તેમની હાલની સર્જરીમાં અઠવાડિયામાં એક વખત બુધવારે એક સેશનમાં કામ કરે છે.
ઈંગ્લિશ, હિંદી અને ગુજરાતી બોલી શકતા ડો. શાહે ૧૯૯૩માં સેન્ટ્રલ લંડનમાં સેન્ટ બાર્થોલોમ્યૂ હોસ્પિટલના ક્વોલિફાઈડ થયા હતા અને ત્યાં જ ટ્રેનિંગ લીધી હતી.


