લંડનઃ ભારતીય મૂળના ૨૮ વર્ષીય ફાઈનાન્સ કન્સલ્ટન્ટ સંજય નાકેરને લંડનમાં ૧૮ વર્ષની તરુણી પર બળાત્કાર કરવાના આરોપમાં આઠ વર્ષ જેલની સજા ફરમાવાઈ છે. તેણે બારમાં પોતાના સાથીઓ સાથે શરાબપાન કર્યા પછી આ તરુણી પર બળાત્કાર કર્યો હોવાનો આરોપ સંજયે નકાર્યો હતો. જોકે, ઈનર લંડન ક્રાઉન કોર્ટની જ્યૂરીએ તેને દોષિત માન્યો હતો.
નાકેરને સજા સંભળાવતા જજ ફ્રેયા ન્યૂબેરીએ જણાવ્યું હતું કે,‘તે યુવતી તારી સાથે સેક્સ માણવા ઈચ્છતી હતી તેમ તે ધારી લીધું તે તારી ભૂલ હતી. તેની સાથે સેક્સ માણવાનો નિર્ણય તેં કરી લીધો હતો. તેને તો શું થયું તે જ યાદ નથી.’
ગયા વર્ષની ૧૧ માર્ચની રાત્રે આ તરુણી શરાબના નશામાં હોવાથી તેને સેન્ટ્રલ લંડનની નાઈટ ક્લબમાં પ્રવેશ અપાયો ન હતો. આ પછી, બારની બહાર ઉભેલા નાકેરે તેની સાથે વાતચીત કરી હોવાનું સીસીટીવી કેમેરામાં જોવા મળ્યું હતું. તરુણી નીચે પડી જવાથી નાકેર ચિંતા દર્શાવી તેને ખભા પર ઉચકીને લઈ ગયો હતો અને અવાવરુ જગ્યાએ તેના પર બળાત્કાર કર્યો હતો.
નાકેરે પોલીસની તપાસમાં જણાવ્યું હતું કે તરુણી સાથે સંમતિથી શારીરિક સમાગમ થયો હતો અને તે શરાબના નશામાં ન હતી. તરુણીએ સામેથી તેને સેક્સ માટે ઓફર કરી હોવાનો દાવો પણ સંજયે કર્યો હતો. તેણે બળાત્કારની વ્યાખ્યા શોધવા ઓનલાઈન તપાસ કરી હોવાનું પણ સ્વીકાર્યું હતું, જેનાથી તેણે કશું ખોટું નહિ કર્યાનો સંતોષ થયો હતો. જોકે, ગત વર્ષે નવેમ્બરમાં તેની સામે બળાત્કારનો આરોપ લગાવાયો હતો.