લંડનઃ પ્રેમમાં ગળાડૂબ ૩૩ વર્ષીય પ્રિન્સ હેરી અને ૩૬ વર્ષીય અભિનેત્રી મેઘન માર્કેલના લગ્નની શરણાઈઓ ૨૦૧૮ના મે મહિનામાં વાગશે. દાદીમા ક્વીન એલિઝાબેથ દ્વિતીયે પોતાનાં લગ્નની ૭૦મી વર્ષગાંઠના એક સપ્તાહ પછી હેરીના લગ્નને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. મેઘનના માતાપિતા થોમસ માર્કેલ અને ડોરીઆ રાગલેન્ડની પણ મંજૂરી મળી ગઈ છે. નવેમ્બર મહિનાની શરુઆતમાં લંડનમાં તેમના એન્ગેજમેન્ટ થઈ ગયાં હોવાનું કેન્સિંગ્ટન પેલેસે જણાવ્યું છે. કેન્સિંગ્ટન પેલેસના પ્રવક્તાએ જણાવ્યા અનુસાર લગ્ન વિન્ડસર કેસલમાં યોજાશે.
બ્રિટિશ ગાદીનાં પાંચમા ક્રમના વારસદાર હેરી સાથે લગ્ન થયા પછી શાહી પરિવારમાં સામેલ મેઘનને પ્રિન્સેસ અથવા ડચેસ ઓફ સસેક્સનું ટાઈટલ મળી શકે છે. એપ્રિલ મહિનામાં પ્રિન્સ વિલિયમ અને કેટના ત્રીજા સંતાનનો જન્મ થવાનો છે ત્યાં સુધી તેમણે રાહ જોવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. મિસ મેઘન યુકેની નાગરિક બનવાનો ઈરાદો ધરાવે છે અને આ પ્રક્રિયાના વર્ષો દરમિયાન તે યુએસનું નાગરિકત્વ જાળવી રાખશે. તેઓ બેવડી નાગરિકતા રાખશે કે કેમ તે કહેવું વહેલું ગણાશે તેમ પ્રવક્તાએ જણાવ્યું હતું.
હેરી અને મેઘન પોતાની પ્રથમ સત્તાવાર ક્રિસમસની યોગ્ય ઉજવણી કરી શકે તે માટે જ તેમણે લગ્નની જાહેરાત કરવાનું પસંદ કર્યું છે. તેઓએ ઓક્ટોબરમાં જ ક્વીન સાથે બકિંગહામ પેલેસમાં ચા માટે મુલાકાત કરી હતી. ક્વીન સાથે મેઘનની આ પ્રથમ મુલાકાત હતી. ડાઈવોર્સી મેઘન સાથે ક્વીનની મુલાકાત માટે હેરીને ઉતાવળ હતી અને આ મુલાકાતને પેલેસમાં પણ ખાસ જાહેર કરવામાં આવી ન હતી. રોયલ પ્રોટોકલ અનુસાર ગાદીના પાંચમા ક્રમના વારસદાર હોવાથી પ્રિન્સ હેરીએ દાદીમાં પાસે લગ્નની મંજૂરી લેવાની હોય છે.
કેન્સિંગ્ટન પેલેસના પ્રવક્તાએ જણાવ્યા અનુસાર પ્રિન્સ ઓફ વેલ્સે પ્રિન્સ હેરી અને મિસ મેઘન માર્કેલની સગાઈની જાહેરાત કરી હતી. પ્રિન્સ હેરીએ ક્વીન અને શાહી પરિવારના નિકટના સભ્યોને તેની જાણ કરી હતી. લગ્ન થયા પછી નવદંપતી કેન્સિંગ્ટન પેલેસના નોટિંગહામ કોટેજમાં રહેશે. પ્રિન્સ વિલિયમ, કેટ, પ્રિન્સ જ્યોર્જ અને પ્રિન્સેસ શાર્લોટ તેમના પડોશી હશે.
મેઘનનો સામાન અને શ્વાનો યુકે આવ્યા
મેઘનનું તાજેતરમાં જ યુકેમાં આગમન થયું હતુ. તેણે પોતાનાં બે શ્વાન અને સરસામાન યુકે ફેરવવાની શરૂઆત કરી દીધી હતી. યુએસ લીગલ ડ્રામા ‘ધ સ્યૂટ્સ’ની સ્ટાર મેઘને લંડનમાં સ્થાયી થવાં માટે આ શો અને ટોરોન્ટોમાં તેનું એપાર્ટમેન્ટ છોડી દીધા છે. જેના પરિણામે સગાઈ ટુંક સમયમાં થશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. કેનેડિયન એક્ટ્રેસ અને મોડેલ મેઘને ક્વીન અને પ્રિન્સ ફિલિપના લગ્નની ૭૦મી વર્ષગાંઠની ઉજવણીમાં હાજરી આપી ન હતી. પ્રિન્સ હેરીએ ૨૦૧૬ના ઉનાળામાં ટોરોન્ટોની મુલાકાત લીધી ત્યારે ૩૬ વર્ષીય અભિનેત્રીએ તેનું મન મોહી લીધું હતું. તેઓ પોતાની એફેર આખા વિશ્વથી છાની રાખવામાં સફળ થયાં હતાં. જોકે, વિલિમય અને કેટ સાથે મેઘનની મુલાકાત અને તે પછી કેલિફોર્નિયામાં મેઘનના પરિવાર સાથે હેરીની મુલાકાતના પગલે આ સંબંધ જાહેર થઈ ગયો હતો. આ વર્ષે હેરી લંડનમાં જ હતો ત્યારે મેઘન વિમ્બલ્ડન અને બકિંગહામ પેલેસ ગઈ હતી પરંતુ, તેઓ જાહેરમાં સાથે દેખાયાં ન હતાં.
સિનેમેટોગ્રાફર પિતા અને સામાજિક કાર્યકર માતા
મેઘન આફ્રિકન-અમેરિકન મૂળની સામાજિક કાર્યકર અને યોગ થેરાપિસ્ટ માતા ડોરીઆ રાગલેન્ડ અને ડચ-આઈરિશ મૂળના સિનેમેટોગ્રાફર પિતા થોમસ માર્કેલનું સંતાન છે. બંનેના લગ્ન ૧૯૭૯માં થયાં અને મેઘનનો જન્મ ૧૯૮૧માં થયો હતો. મેઘન છ વર્ષની હતી ત્યારે માતાપિતાના ડાઈવોર્સ થયા હતા. મેઘન તેની માતાની ઘણી નિકટ છે.
થીએટર અને આંતરરાષ્ટ્રીય સંબંધોના અભ્યાસ સાથે નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ મેઘને બ્યુનેસ ઐરિસમાં યુએસ એમ્બેસીમાં પણ કામ કર્યું છે. અભિનેત્રી મેઘન વર્ષો સુધી ટોરોન્ટોમાં રહી હતી. તેણે લાંબા સમયના ૪૦ વર્ષીય ફિલ્મ પ્રોડ્યુસર બોયફ્રેન્ડ ટ્રેવર ઈંગલસન સાથે ૨૦૧૧માં જમૈકામાં લગ્ન કર્યાં હતાં. તેઓ બે વર્ષ પછી છૂટાં પડી ગયાં અને ડાઈવોર્સ લીધાં હતાં.


