લંડનઃ પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ વચ્ચે પ્રેમકહાણી ચાલતી હોવાના સમાચારો મીડિયામાં વહેતા થવા લાગ્યા ત્યારથી હેરીની સ્વીટહાર્ટ વિશે જાણવાની લોકોની ઈન્તજારી વધી હતી. જોકે, તેમની સગાઈ પછી તો લોકો પ્રથમ નજરે જ પ્રિન્સનું દિલ ચોરી લેનારી અમેરિકન અભિનેત્રીની સ્ટાઈલથી માંડી તેના પ્રભાવ વિશે વધુ અને વધુ જાણવા તત્પર છે. આ સાથે જ મેગન ગ્લોબલ ફેશનનિસ્ટો માટે હોટ ફેવરિટ બની ગઈ છે.
વ્યવસાયે અભિનેત્રી હોવાથી મેગન કેવાં વસ્ત્રો પહેરવાં, કેવી રીતે બોલવું અને લોકો સમક્ષ પોતાને રજૂ કરવા સહિત જાહેરમાં પોતાનો પ્રભાવ કેવી રીતે પાથરવો તે સુપેરે જાણે છે. અન્ય કોઈ સામાન્ય ઘરની યુવતી શાહી પરિવાર સાથે સંબંધના કારણે તેના તરફ અપાતાં ધ્યાન અને લોકનજરમાં ભારે ચકાસણીથી ગભરાઈ જ જાય પરંતુ, લાઈલાઈટમાં રહેવાનો અનુભવ તેની મદદે આવ્યો છે અને તેથી તેના વર્તનમાં ગભરાટ જણાતો નથી.
આશરે ૧૩ મહિના અગાઉ, મેગને ઈન્સ્ટાગ્રામ પર બે કેળાના ‘આલિંગન’ની સામાન્ય જણાતી નિર્દોષ પોસ્ટ કરવા સાથે પ્રિન્સ હેરી સાથે તેના સંબંધો વિશે લોકોએ અટકળો શરુ કરી હતી. તેના ઈન્સ્ટાગ્રામ ચાહકો તો બે ચુંબન સાથે ‘સ્લીપ ટાઈટ’ કેપ્શનવાળા આ ચિત્રથી ગાંડા જેવા થઈ ગયા હતા.
કોઈને કદાચ એમ લાગે કે આ સંબંધ શાહી પરિવારના ઈતિહાસમાં ક્રાંતિના મંડાણ સમાન છે, જે વંશીય દૃષ્ટિએ વધુ વૈવિધ્યપૂર્ણ થઈ રહ્યો છે. જોકે, શાહી પરિવારનો ૨૦૦થી વધુ વર્ષનો ઈતિહાસ વિવિધ જાતિઓનો સમૃદ્ધ સમન્વય છે. એમ કહેવાય છે કે પ્રિન્સ હેરી તેમના પરિવારના બંને પક્ષથી એશિયન અને આફ્રિકન લોહીનું મિશ્રણ ધરાવે છે. એમ પણ કહેવાય છે કે હેરીની માતા પ્રિન્સેસ ડાયેનાનાં મહા-પરદાદી અર્ધ ભારતીય હતાં. ક્વીન પોતે અને તેમના પરદાદી ક્વીન વિક્ટોરિયા પણ મિશ્ર જાતિઓનું લાઈનેજ ધરાવતાં હોવાનું મનાય છે. આથી, મેગન શાહી પરિવારમાં પ્રથમ મિશ્ર જાતિનું લોહી લાવશે તેમ કહેવું સત્ય નથી.
પ્રિન્સ હેરીના દિલમાં સ્થાન જમાવવાની વાત છે તો મેગન શાહી પરિવારનો પણ હિસ્સો બની ગઈ છે અને ક્રિસમસમાં સેન્ડ્રીઘામ ખાતે શાહી પરિવાર સાથે જોડાવાની પણ છે. ૧૬ મહિનાના રોમાન્સ પછી, શાહી કુટુંબના સત્તાવાર સભ્ય બન્યાં પહેલા જ ક્રિસમસની પૂર્વસંધ્યાએ ક્વીન સાથે ગિફ્ટ્સ ખોલનારી તે પ્રથમ શાહી વાગ્દત્તા બનશે. શાહી પરિવાર ૨૪ ડિસેમ્બરે ક્વીન એલિઝાબેથ દ્વિતીય સાથે ચા માટે એકઠાં થવાની પરંપરા ધરાવે છે.આ સમયે પરિવારના યુવાન સભ્યો વ્હાઈટ ડ્રોઈંગ રુમમાં ક્રિસમસ ટ્રીને આખરી ઓપ આપે છે.
આગામી શાહી લગ્ન અને તેમાં મેગનનું વસ્ત્ર પરિધાન શું હશે તેની અટકળોની ભરમાર મધ્યે માહિતગાર સૂત્રો કહે છે કે શાહી યુગલ ખરેખર કેળામાંથી બનાવાયેલી વેડિંગ કેકનું આયોજન કરી રહ્યું છે. ‘શાહી પરિવારમાં કેળામાંથી તૈયાર થનારી આ પ્રથમ કેક હશે.’ પરંપરાગત ફ્રૂટકેકથી અલગ પડીને તેઓ આ નવતર પસંદગી તરફ ઢળી રહ્યાં છે કારણકે પ્રિન્સ હેરીને કેળાં હોય તેવી કોઈ પણ વાનગી ભાવે છે. પૂર્વ રોયલ શેફ ડેરેન મેક્ગ્રેડીએ પ્રિન્સેસ ડાયેનાનું મૃત્યુ થયું તે અગાઉ પ્રિન્સને કેરેમલ અને બનાના કેક રોજ બનાવી આપવા વિશે વાત કરી હતી.
મેગન મર્કેલ કોણ છે અને તેની પારિવારિક પશ્ચાદભૂ શું છે તે જાણવાની સાહજિક જિજ્ઞાસાના પરિણામે તેની વંશાવળી શોધવામાં આવે તે પણ સ્વાભાવિક છે. મેગનની વંશાવળી અનુસાર વાસ્તવમાં કિંગ હેન્રી આઠમાની આજ્ઞાથી મેગનનાં એક પૂર્વજનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો. એમ પણ કહેવાય છે કે તેમની સંપત્તિ અને જમીન જપ્ત કરી લેવાઈ હતી. આંખની સામે જે આવે છે અને તેનો શું વારસો છે તેને ધ્યાનમાં લેતાં મેગન ચોક્કસપણે આપણા ઘરની પડોશમાં રહેતી કોઈ યુવતી નથી.


