મેગન ફ્રોગમોર કોટેજમાં જ બાળકને જન્મ આપે તેવી શક્યતા

ક્વીન એલિઝાબેથ દ્વિતીયે બકિંગહામ પેલેસ અથવા ક્લેરેન્સ હાઉસમાં જ બાળકોને જન્મ આપ્યો હતો

Wednesday 17th April 2019 02:36 EDT
 
 

લંડનઃ ડચેસ ઓફ સસેક્સ, મેગન મર્કલે શાહી પરિવારના ડોક્ટર્સના હાથે પ્રસૂતિ કરાવવાનો ઈનકાર કર્યા પછી તેઓ હવે હોસ્પિટલના વોર્ડમાં નહિ પરંતુ, બર્કશાયર એસ્ટેટના નવા ઘર ફ્રોગમોર કોટેજમાં જ મીડવાઈફના હાથે પ્રસૂતિ કરાવી ક્વીન એલિઝાબેથ દ્વિતીયને અનુસરે તેવા રિપોર્ટ્સ છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયે તેમના બાળકોને બકિંગહામ પેલેસ અથવા ક્લેરેન્સ હાઉસમાં જ જન્મ આપ્યો હતો. ક્વીનનો જન્મ પણ તેમના ગ્રાન્ડપેરન્ટ્સના મેફેર હોમમાં થયો હતો. ૩૭ વર્ષીય મેગન આ મહિનાના અંત અથવા મે મહિનાની શરૂઆતમાં પ્રથમ બાળકને જન્મ આપે તેવી શક્યતા છે.

જોકે, સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે ૩૫ વર્ષથી વધુ વયે બાળકને જન્મ આપવામાં પ્રીમેચ્યોર જન્મ, સિઝેરિયન સહિત અન્ય ગંભીર જોખમ સર્જાઈ શકે છે તેને ધ્યાનમાં લઈ હોસ્પિટલમાં ડિલિવરીની શક્યતા પણ પ્રિન્સ હેરી કે મેગને નકારી નથી. બીજી તરફ, મેગન રોજ યોગ કરે છે અને અત્યાર સુધી કોઈ તકલીફ થઈ નથી ત્યારે કોટેજની અંગતતામાં સલામત પ્રસૂતિનો આનંદ ન લેવાને કોઈ કારણ નથી. ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટના બાળકો- જ્યોર્જ, શાર્લોટ અને ૧૧ માસના લૂઈને સેન્ટ મેરી‘ઝ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. મેગન તેનું બાળક સીધા શાહી વારસદાર તરીકે લાઈનમાં ન હોવાથી બાળકને જન્મ આપ્યાના ગણતરીના કલાકોમાં મેટરનિટી હોમના પગથિયા પર જનતા અને મીડિયા સમક્ષ ઉભા રહેવાની તરફેણમાં પણ નથી.

ઈંગ્લેન્ડમાં ૪૦માંથી એક અથવા આશરે ૨.૩ ટકા બાળજન્મ ઘરમાં સ્થાનિક દાયણ કે મિડવાઈફના હાથે કરાવાય છે. NHSમાં કોમ્યુનિીટી મિડવાઈવ્ઝ મળે છે પરંતુ, આશરે ૨,૦૦૦થી ૫,૦૦૦ પાઉન્ડના ખર્ચે સ્વતંત્ર મિડવાઈફની સેવા પણ મેળવી શકાય છે. પ્રથમ વખતની પ્રસૂતિ હોય ત્યારે ઘરમાં પ્રસૂતિ કરાવવાથી બાળક માટે ગંભીર સમસ્યાનું જોખમ વધી જાય છે. હોસ્પિટલમાં ૧૦૦૦માં પાંચ બાળકને આવી સમસ્યા નડે છે જે પ્રમાણ ઘરમાં જન્મ માટે ૧૦૦૦માં નવ બાળકનું હોઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter