મેજિસ્ટ્રેટ્સે કોમ્યુનિટીના પ્રતિનિધિ બનવું જોઈએ

શેફાલી સક્સેના Tuesday 01st March 2022 13:22 EST
 
 

યુકેમાં મહામારી દરમિયાન વધી ગયેલા પડતર ક્રિમિનલ કેસીસનો નિકાલ કરવા મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ (MoJ) દ્વારા 1 મિલિયન પાઉન્ડના ભંડોળ સાથે સમગ્ર યુકેમાં 4,000થી વધુ મેજિસ્ટ્રેટ્સનું ભરતી અભિયાન લોન્ચ કરાનાર છે. MoJ આ કામગીરીમાં આગળ આવનારા લોકોનો સમૂહ તૈયાર કરવા માગે છે એટલું જ નહિ, મેજિસ્ટ્રેસીનું વૈવિધ્યીકરણ કરવા માગે છે જેથી મેજિસ્ટ્રેટ્સ તેઓ જે કોમ્યુનિટીની સેવા કરતા હોય તેમના પ્રતિનિધિ બની રહે. એપ્રિલ 2021 સુધીમાં માત્ર 13 ટકા વર્તમાન મેજિસ્ટ્રેટ અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) પશ્ચાદભૂના છે.

બર્મિંગહામના ૨૪ વર્ષીય મૂળ પાકિસ્તાની ઈબ્રાહીમ ઈલ્યાસ માત્ર ૧૯ વર્ષની વયે જ જસ્ટિસ ઓફ પીસ તરીકે નિયુક્ત થયા હતા. તેઓ હાલ યુનિવર્સિટી ઓફ લો (બર્મિંગહામ) ખાતે બાર-BARનો કોર્સ કરી રહ્યા છે. તેઓ કહે છે કે મેજિસ્ટ્રેટ બનવા માટે ડીગ્રી કે કાનૂની અનુભવ આવશ્યક નથી.

સાઉથ ડર્બીશાયરના ભારતવંશી બલજિત અટવાલ પાંચ વર્ષથી મેજિસ્ટ્રેટ છે. તેઓ પોતાની સ્થાનિક કોમ્યુનિટીનું ઋણ ઉતારવા અને લોકોને પોતાના જ્ઞાનનો લાભ આપવા મેજિસ્ટ્રેટ બન્યાં છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે ખાસ મુલાકાતમાં આ પદ સુધી પહોંચવાની યાત્રા અને સ્ત્રી સશક્તિકરણના પડકારો વિશે જણાવ્યું હતું. બલજિત અટવાલ કહે છે કે મેજિસ્ટ્રેટ્સ બ્રિટિશ જસ્ટિસ સિસ્ટમનો કાયમી હિસ્સો છે. મેજિસ્ટ્રેટ્સ તેમની સ્થાનિક કોમ્યુનિટીઝને શું યોગદાન આપે છે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે પરંતુ, તેઓ જે કોમ્યુનિટીની સેવા કરતા હોય તેમને વધુ સલામત અને સુરક્ષિત તથા દેશને સમૃદ્ધ-સુરક્ષિત બનાવવાની ફરજ બજાવે છે. ઘણાં ક્ષેત્રોમાં સુધારાને અવકાશ છે ત્યારે આ યાત્રામાં અન્ય લોકો પણ સામેલ થાય તેમ તેઓ ઈચ્છે છે.

મેજિસ્ટ્રેટ તરીકે સત્તા ધરાવતી મહિલા સામે પડકારો અંગે બલજિત કહે છે કે માનવી લૈંગિક આધારે કશું હાંસલ કરી શકે તેમ તેઓ માનતાં નથી. દરેક માટે અસીમ તક રહેલી છે. જોકે, પરીણિત સ્ત્રી અને માતાની જવાબદારી ધરાવતી ધરાવતાં મેજિસ્ટ્રેટ સામે પડકારો તો રહે જ છે. તેમની પાંચ વર્ષની કામગીરીમાં પ્રીસાઈડિંગ જસ્ટિસથી માંડી ડેપ્યુટી ચેરમેન સુધીની ભૂમિકામાં તેમને સપોર્ટ અને સમર્થન મળ્યાં છે.

તેમણે કહ્યું હતું કે ન્યાયતંત્રમાં મહિલાઓનું સારું પ્રતિનિધિત્વ છે. સપ્ટેમ્બર 2020ના આંકડા મુજબ સીટિંગ મેજિસ્ટ્રેટ્સના 56 ટકા મહિલાઓ હતી. વધુ મહિલાઓએ ન્યાયસેવાઓમાં સામેલ થવું જોઈએ જેનાથી, ન્યાયતંત્ર જેના માટે અવાજ બને છે તે સમાવેશિતા, વાજબીપણા, પારદર્શિતા અને લોકોના પ્રતિનિધિત્વનું નિર્માણ થશે. વિવિધ વિચારો ધરાવતા લોકો સાથે બેસવાથી વ્યક્તિ તરીકે તમારો વિકાસ થાય છે અને તાર્કિકપણે વિચારવાની તાલીમ મળે છે. દરેક વ્યક્તિ અલગ રીતે જીવન જીવે છે. તમને સૌથી સારા, મધ્યમ અને ખરાબ જીવનમાર્ગને નિહાળવાની તક મળે છે.

યુકેમાં ભારતીય મૂળની મહિલા તરીકે ન્યાય આપવાનો અર્થ તમારા માટે શું છે તે પ્રશ્નના ઉત્તરમાં બલજિત અટવાલે કહ્યું હતું કે ‘મેજિસ્ટ્રેટ્સ જે નિર્ણય આપે છે તેનાથી વ્યક્તિના જીવન વર્ષો સુધી બદલાઈ જાય છે. હું મારી સ્થાનિક કોમ્યુનિટીનું ઋણ ઉતારવાં મેજિસ્ટ્રેટ બની છું અને મારી ભારતીય મૂળની પશ્ચાદભૂ અને જ્ઞાનને તમામ કોમ્યુનિટીઓને વહેંચવા સાથે જ્યુડિશિયલ સિસ્ટમમાં મૂલ્યવર્ધન કરું છું તેનાથી મારાં પરિવારને અવશ્ય ગર્વ થાય છે.

જો તમને મેજિસ્ટ્રેટની ભૂમિકામાં રસ હોય તો તમે આ વિશે વધુ માહિતી અને અરજી કેવી રીતે કરવી તેના વિશે વેબસાઈટ icanbeamagistrate.co.uk ની મુલાકાત લઈ શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter