લંડનઃ મેટ્રોપોલીટન પોલીસ બાબતે બેરોનેસ ડેમ લૂઈસ કેસી દ્વારા સ્વતંત્ર સમીક્ષાના લેન્ડમાર્ક રિપોર્ટમાં લંડન મેટ્રોપોલિટન પોલીસ સંસ્થાગત જાતિવાદી, સેક્સીસ્ટ અને હોમોફોબિક-સજાતીયતા સામે પૂર્વગ્રહિત હોવાનું તેમજ તે તદ્દન નિષ્ફળ રહેવાથી પોલીસીંગ કરવામાં અસમર્થ હોવાનું જાહેર કરાતા સનસનાટી વ્યાપી ગઈ છે. બેરોનેસ કેસી રિપોર્ટ સંદર્ભે વડા પ્રધાન રિશિ સુનાકે ટીપ્પણી કરી હતી કે પોલીસની વિશ્વસનીયતાને ભારે નુકસાન થયું છે.
વર્ષ 2021માં સેવારત પોલીસ અધિકારી વાયને કૌઝેન્સને સારાહ એવરાર્ડનાં અપહરણ, બળાત્કાર અને હત્યા માટે દોષિત ઠરાવાયાના પગલે મેટ્રોપોલીટન પોલીસના પૂર્વ વડા ક્રેસિડા ડિક દ્વારા આ રિવ્યૂ હાથ ધરાયો હતો. સમીક્ષાના આલેખક, બેરોનેસ કેસીએ 360 પાનના રિપોર્ટની પ્રસ્તાવનામાં જણાવ્યું હતું કે તારણો અઘરા અને નિરર્થક છે તેમજ કેટલાક માટે તેનો સ્વીકાર મુશ્કેલ હોઈ શકે છે. સમગ્ર મેટ પોલીસમાં ગંભીર ખામીઓ, નિષ્ફળતાઓ જોવા મળી હતી જેમાં આમૂલ પરિવર્તનની આવશ્યકતા છે. પોલીસમાં વ્યાપકપણે ધાકધમકી, ભેદભાવ,નબળી નેતાગીરી તેમજ અશ્વેત લોકોની સાથે તદ્દન ખરાબ વર્તણૂકની ભરમાર જોવા મળી છે. બળાત્કારના પીડિતો, મહિલાઓ અને બાળકો સામેના અપરાધોને ગંભીરતાથી લેવાતાં નથી અને તેમનાં રક્ષણની વાતનો તો છેદ જ ઉડાવી દેવાયો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
રિપોર્ટ અનુસાર પોલીસ ફોર્સ તેની કામગીરી અને પગલાં માટે પોતાને જવાબદાર ઠેરવવામાં નિષ્ફળ રહેલ છે. પોલીસ દળને મજબૂત નેતૃત્વ, મહિલા સુરક્ષા સેવા અને બાળકો માટેની નવી વ્યૂહરચના, સુધારા સાથેની અન્ય ભલામણોની જરૂર છે. એટલા સુધારા કરાવા જોઈએ જેથી લોકો રાત્રે આરામની નિદ્રા મેળવી શકે. મેટ પોલીસ ભૂલી શકે તેવો આ કોઈ એક વધુ રિપોર્ટ નથી. તેમણે લંડનવાસીઓ માટે સારી કામગીરી બજાવવી જ રહી.
પોલીસની વિશ્વસનીયતાને ભારે નુકસાનઃ રિશિ સુનાક
વડા પ્રધાન રિશિ સુનાકે જણાવ્યું હતું કે પોલીસ દળની વિશ્વસનીયતાને ભારે નુકસાન પહોંચ્યું છે અને તેનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિત કરવાની જરૂર છે. જ્યારે લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે આ મેટ પોલીસ સેવાના ઇતિહાસમાં સૌથી અંધકારમય દિવસોમાંનો એક છે. બ્રિટનના સૌથી વરિષ્ઠ પોલીસ અધિકારી, મેટ કમિશનર માર્ક રાઉલીએ દિલગીરી વ્યક્ત કરવા સાથે જણાવ્યું હતું કે ‘અમે લંડનવાસીઓને નિરાશ કર્યા છે અને અમે અમારી પોતાની ફ્રન્ટલાઈનને નીચે ઉતારી પાડી છે અને આ અહેવાલ તે બાબતને સ્પષ્ટપણે જણાવે છે. જોકે, અમે ફોર્સના પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સમાં વધારો કર્યો છે જેના થકી અયોગ્ય. અધિકારીઓની ઝડપી હકાલપટ્ટી કરીએ છીએ પરંતુ, આ કામ સંપૂર્ણ થયું નથી. આમ છતાં, અમે પ્રગતિ કરી રહ્યા છીએ.’


