ન્યૂ યોર્કઃ માર્ક ઝૂકરબર્ગે તેમના લાંબા સમયના સહયોગી વિશાલ શાહને મેટાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Al) ટીમમાં મહત્ત્વની પ્રોડક્ટ મેનેજમેન્ટ ભૂમિકામાં નિયુક્ત કર્યા છે. એક્ઝિક્યુટિવ સ્તરે આ મોટા પાયાના ફેરફારથી બિલિયોનેર ઝૂકરબર્ગ દ્વારા Alમાં નાટ્યાત્મક વૃદ્ધિના સંકેતો અપાયા છે. એક દાયકા અગાઉ, મેટા સાથે જોડાયેલા વિશાલ શાહે ઈન્સ્ટાગ્રામમાં પ્રોડક્ટ હેડ તરીકે સેવા આપી હતી અને મેટાવર્સની રચનાના કંપનીના પ્રયાસોને વેગ આપવા 2021માં મેટા સાથે જોડાયા હતા.
મેટાની Al વીડિયો સર્વિસ વાઈબ્સ (Vibes) પ્રોડક્ટના નિરાશાજનક લોન્ચિંગ તરત જ આ ફેરફાર આવ્યો છે. પ્રતિસ્પર્ધી OpenAlની સોરા (Sora)એપ છવાઈ ગઈ હતી. વિશાલ શાહની નિયુક્તિ જાહેર કરતા મેમોમાં મેટાના Al પ્રોડક્ટના વડા નેટ ફ્રીડમેને સ્ટ્રેટેજીના બદલાવની રૂપરેખા આપી સ્પષ્ટ કર્યું હતું કે કંપની હવે માત્ર Al ટીમ બની રહી શકે નહિ, તેણે Al કંપની બનવાની જરૂર છે.
1.9 ટ્રિલિયન ડોલરની મહાકાય કંપની મેટાએ થોડા મહિના પહેલા મોટા પાયે ભરતીઓ કર્યા પછી ગત સપ્તાહે જ તેના Al ડિવિઝનમાંથી 600 કર્મચારીની છટણી કરી હતી. માર્ક ઝૂકરબર્ગ માનવીઓ કરતાં વધુ સ્માર્ટ હોવાં ઉપરાંત, ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને અન્ય એપ્સ પર વપરાશકર્તાઓ માટે પર્સોનાલાઈઝ્ડ બની શકે તેવા મોડેલ્સ વિકસાવવામાં OpenAl અને Googleને પછાડવામાં ઝડપ દર્શાવવા માગે છે. સોરાને બહાર પાડવામાં આવે તે પહેલા જ વાઈબ્સનું લોન્ચિંગ કરવા ફ્રીડમેન દ્વારા ભારે ઉતાવળ કરવામાં આવી હતી. વાઈબ્સને વિકસાવવા તેમણે મેટા Al એપમાં ઈમેજ જનરેશન ટેકનોલોજી ઉમેરવા સ્ટાર્ટ-અપ મિડજર્ની સાથે મલ્ટિ બિલિયન ડોલરનો સોદો પણ કર્યો હતો. વાઈબ્સના વપરાશકારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો, પરંતુ થોડા દિવસ પછી લોન્ચ કરાયેલી સોરા (Sora)એપના રોમાંચના લીધે વાઈબ્સની પીછેહઠ થઈ હતી.


