મેથ્સ, કેમિસ્ટ્રી, ફીઝિક્સ અને ભાષાના શિક્ષકો માટે ૩૫,૦૦૦ પાઉન્ડનું પેકેજ

Wednesday 09th October 2019 03:07 EDT
 
 

લંડનઃ યુકેમાં શિક્ષકો અને ખાસ કરીને મેથ્સ. કેમિસ્ટ્રી, ફીઝિક્સ અને ભાષાઓનાં શિક્ષકો માટે આનંદના સમાચાર છે. સરકારે સારી પ્રતિભાઓને આકર્ષવા તેમની કારકીર્દિના આરંભમાં ટ્રેનિંગ અને પ્રારંભિક કારકીર્દિ દરમિયાન તબક્કાવાર ૩૫,૦૦૦ પાઉન્ડનું પેકેજ આપવાની જાહેરાત કરી છે, જે તેમની શરૂઆતનાં સૂચિત ૩૦,૦૦૦ પાઉન્ડનાં ઓછામાં ઓછાં વેતન ઉપરાંતનું હશે. મિનિસ્ટર્સ દ્વારા તેજસ્વી ગ્રેજ્યુએટ્સને શિક્ષણક્ષેત્રે આકર્ષવા ૨૫૦ મિલિયન પાઉન્ડથી વધુનું ભંડોળ ફાળવવા જાહેરાત કરેલી છે.

શિક્ષણ વ્યવસાયને ગ્રેજ્યુએટ્સ જોબ માર્કેટને સૌથી વધુ સ્પર્ધાત્મક બનાવવા રોકડ પ્રોત્સાહનની જાહેરાત કરવામાં આવી છે. હાલ કન્સલ્ટન્સી, કાયદા અને એકાઉન્ટન્સી ક્ષેત્રોમાં વધુ પગારની નોકરીઓ મળે છે તેને દૂર કરવા અને ભરતીનું પ્રમાણ ધીમું છે તેવા શિક્ષણક્ષેત્રમાં સ્નાતકવર્ગને આકર્ષવામાં આ પગલું મદદરૂપ બની રહે તેવી આશા છે. નવા શિક્ષકોને વર્ગખંડમાં રાખવા તેમજ સરકારી શાળાઓમાં શિક્ષકોને જાળવી રાખવામાં પણ વિસ્તૃત ભંડોળની વ્યવસ્થા કરાઈ છે. એજ્યુકેશન સેક્રેટરી ગેવિન વિલિયમસને જણાવ્યું હતું કે તેઓ શ્રેષ્ઠ અને પ્રતિભાશાળી યુવાનો ક્ષિત્રણક્ષેત્રમાં આવે તેમજ શાળાઓ સૌથી મોટા એમ્પ્લોયર્સ સાથે સ્પર્ધા કરે તેમ ઈચ્છે છે.

શિક્ષણવિભાગે ગયા વર્ષે લોઅર મેથ્સ બર્સરીની જાહેરાત કરી હતી. હવે યોજનાને વધુ પેમેન્ટ સાથે કેમિસ્ટ્રી, ફીઝિક્સ અને આધુનિક વિદેશી ભાષાઓનાં લાગુ કરવામાં આવી છે. આગામી સપ્ટેમ્બર મહિનાથી આ ચાર વિષયોમાં જેમની પાસે ૨.૨ અથવા તેથી ઊંચી ડીગ્રી હશે તેવા ટ્રેઈની શિક્ષકોને તાલીમ દરમિયાન ૨૬,૦૦૦ પાઉન્ડ મળશે. વધારાના ૬,૦૦૦ પાઉન્ડ તેમની કારકીર્દિના પ્રથમ ચાર વર્ષ દરમિયાન ચુકવાશે. આ ઉપરાંત, દેશના જે વિસ્તારોમાં શિક્ષકોની સૌથી વધુ જરૂર હોય ત્યાં કામ કરતા શિક્ષકો માટે આ રકમ વધારીને ૯,૦૦૦ પાઉન્ડ કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter