લંડનઃ વર્ષ ૨૦૧૮થી યુકેમાં સિવિલ પાર્ટનરશિપ સહિત લગ્ન સંબંધિત મેરેજ સર્ટિફિકેટ્સ પર માતાના નામનો સમાવેશ કરવાના સુધારા પર હોમ ઓફિસ દ્વારા સહી-સિક્કા કરી દેવાયા છે. અત્યાર સુધી મેરેજ સર્ટિફિકેટ્સના સત્તાવાર દસ્તાવેજો પર વર અને વધૂના પિતાના નામ અને નોકરી-ધંધાની માહિતી નોંધાતી હતી. તમામ રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓના અભિયાનોનાં પગલે લેવાયેલાં પગલાને સેક્સ્યુઅલ ઈક્વલિટીના વિજય તરીકે નિહાળવામાં આવે છે.
અત્યાર સુધી એવી દલીલ કરવામાં આવતી હતી કે બ્રિટનમાં ૮૪,૦૦૦ મેરેજ રજિસ્ટર્સમાં માત્ર પિતાઓના નામ-ધંધાની જગ્યા રખાતી હોવાથી તેને બદલવાનું ભારે મોંઘું નીવડશે. તેને બદલવાનો ખર્ચ ૧૩ મિલિયન પાઉન્ડ થશે તેમ કહેવાય છે. જોકે, માતાઓ વિશેની વિગતો ડિજિટલ રજિસ્ટરમાં રાખવામાં આવશે, જેથી ખર્ચનો મુદ્દો નીકળી જશે. દંપતીઓને લગ્નની નોંધણી વેળાએ જ મેરેજ સર્ટિફિકેટ્સ મળી જશે પરંતુ, તે ટ્રેડિશનલ પ્રકારમાં હશે કે ડિજિટલ વિગતો સાથે નવા પેપર પ્રકારમાં અપાશે તે હજુ અસ્પષ્ટ છે. ભવિષ્યના તમામ સર્ટિફિકેટ્સ પર ‘માતા’ અને ‘પિતા’ શબ્દના બદલે ‘પેરન્ટ’ શબ્દનો ઉપયોગ કરવાનું પણ અભિયાન ચાલી રહ્યું છે.
ક્વીન વિક્ટોરિયાના શાસનકાળમાં જન્મ, મૃત્યુ અને લગ્નની નોંધણીની સત્તાવાર રાષ્ટ્રીય સિસ્ટમનો આરંભ કરાયો ત્યારે ૧૮૩૭માં સર્ટિફિકેટ્સ માટેના નિયમો નિર્ધારિત કરાયા હતા.


