લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સૌપ્રથમ વખત મેરેજ સર્ટિફિકેટ્સમાં વરરાજા અને નવવધુની માતાઓના નામ પણ ઉમેરવામાં આવશે. અત્યાર સુધી યુગલના પિતાના જ નામ લખાતા હતા. પરંતુ, મેરેજ એક્ટમાં સુધારા સાથે બંને પેરન્ટ્સના નામ સમાવાશે. સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં બંને પેરન્ટ્સના નામની નોંધણી કરવામાં આવે જ છે. આ ઉપરાંત, ૧૮૩૭ પછી સિસ્ટમમાં સૌથી મોટા સુધારા તરીકે લગ્નોની નોંધ અને દંપતીની સહીઓ રજિસ્ટ્રી બૂકમાં કરાતી હતી તેના બદલે નવા ઈલેક્ટ્રોનિક રજિસ્ટરમાં નોંધ પણ કરાશે. આ સુધારાઓ ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ સાથે પરામર્શ પછી કરાયા છે. દર વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રજિસ્ટર ઓફિસીસ, ચર્ચ અને ચેપલ્સ તેમજ નોંધાયેલા ધાર્મિક સ્થળોએ આશરે ૮૪,૦૦૦ લગ્નો થાય છે.


