મોરારિ બાપુના બે પુસ્તક અને ડોક્યુમેન્ટરી ફિલ્મનું લોકાર્પણ

12 જ્યોતિર્લિંગ રામ કથા યાત્રા પર આધારિત ફિલ્મનું તલગાજરડામાં પ્રિમિયર યોજાયું

Wednesday 07th August 2024 05:37 EDT
 
 

તલગાજરડાઃ પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને કથાકાર મોરારિ બાપુએ ધ્યાનાર્કર્ષક ડોક્યુમેન્ટરી ફિલ્મ અને 12 જ્યોતિર્લિંગ રામ કથા યાત્રા પર આધારિત બે સુંદર પુસ્તકોનું વિમોચન કર્યું હતું. ‘મોરારિ બાપુની ટ્રેન દ્વારા 12 જ્યોતિર્લિંગ રામ કથા યાત્રા’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ અંગત અનુભવો અને આધ્યાત્મિક ઊંડાણથી ભરપૂર રજૂઆત છે. બે પુસ્તકોના નામ ‘જર્ની વિથ ઈનવિઝિબલ પાવર’ અને ‘સેક્રેડ સ્ટોરીઝ ફ્રોમ ધ 12 જ્યોતિર્લિંગ’ છે. મોરારિ બાપુએ પુસ્તકો અને ડોક્યુમેન્ટરી ફિલ્મના વિમોચન નિમિત્તે ખુશી વ્યક્ત કરી હતી.

ગુજરાતના ભાવનગર જિલ્લાસ્થિત મહુવા ખાતે આવેલા મોરારિ બાપુના વતનના ગામ તલગાજરડામાં ચિત્રકૂટધામ ખાતે ડોક્યુમેન્ટરીનું પ્રીમીઅર યોજાયું હતું. એક કલાકની ફિલ્મમાં મોરારિ બાપુ અને તેમના 1008 અનુયાયીઓ દ્વારા જુલાઈ-ઓગસ્ટ 2023માં આરંભ કરાયેલી ભક્તિપૂર્વકની તીર્થયાત્રાને કંડારી લેવાઈ છે. તેમણે દરેક જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન કર્યા હતા અને રામ કથાના આધ્યાત્મિક ઉપદેશોમાં દરેક સંબંધિત સ્થળો વિશે લોકકથાઓ, વાર્તા અને દંતકથાઓને આવરી લેવાઈ હતી.

અનેક મહિનાઓ સુધી તૈયાર કરવામાં આવેલી ડોક્યુમેન્ટરીનું ફિલ્માંકન એક સમર્પિત ટીમ દ્વારા થયું છે. જેના દ્વારા મોરારિ બાપુ અને તેમના અનુયાયીઓના મંતવ્યો સહિત આ યાત્રાના મુખ્ય આકર્ષણોને સુંદર રીતે પ્રવાહિત કરવામાં આવ્યા છે. આ યાત્રામાં 18 દિવસમાં 12,000 કિલોમીટરનું અંતર આવરી લેવાયું હતું. હિમાચ્છાદિત હિમાલયની ઊંચાઈથી માંડી હરીભરી ખીણો અને વિશાળ સમુદ્રતટો તેમજ ભગવાન શિવને સમર્પિત પવિત્ર યાત્રાસ્થળોની મુલાકાતોનો આ ફિલ્માંકિત તીર્થયાત્રામાં સમાવેશ કરાયો છે.

રામાયણની કથા કરવા તેમજ ‘સત્ય, પ્રેમ અને કરૂણા’ના સંદેશ માટે સુપ્રસિદ્ધ કથાકાર મોરારિ બાપુ 65 કરતાં વધુ વર્ષથી વિશ્વભરમાં આધ્યાત્મિક ઉપદેશો આપી રહ્યા છે.

પ્રથમ પુસ્તક ‘અદૃશ્ય શક્તિ સાથે યાત્રા’ છે જે 12 જ્યોતિર્લિંગોને આવરી લેતી ઐતિહાસિક યાત્રાનું પ્રવાસ વર્ણન છે. તેમાં આ મહાયાત્રાનું કાવ્યાત્મક સૌંદર્ય, પ્રત્યેક યાત્રાસ્થળનો મહિમા, ઐતિહાસિક મહત્ત્વ , સ્થાપત્ય અને મંદિરો સાથે સંકળાયેલા મહામાનવોને વિશિષ્ટપણે આવરી લેવાયાં છે. આ પુસ્તકમાં તીર્થયાત્રા દરમિયાન મોરારિ બાપુની અત્યાર સુધી અપ્રગટ રહેલી દિનચર્યા પણ સમાવી લેવાઈ છે જે ક્ષણો વિશે અત્યાર સુધી જાણકારી મળી નથી.

બીજું પુસ્તક ‘12 જ્યોતિર્લિંગોની પવિત્ર કથાઓ’ છે જેમાં અનુયાયીઓને તેમણે વાસ્તવમાં યાત્રાપ્રવાસ કર્યો હોય કે ન કર્યો હોય, તેમના અનુભવોમાં સહુને સહભાગી બનાવવા આમંત્રિત કરે છે. આ વર્ણનો હિન્દી અને ઈંગ્લિશ એમ બે ભાષામાં સ્વીકારાયાં છે જે ભાવિક ભક્તોના હૃદયોમાં ઝીલાયેલી લાગણીઓ અને અંગત પ્રતિભાવો વ્યક્ત કરે છે જેમાં તેમની આધ્યાત્મિક યાત્રાઓમાં કોઈ કાપકૂપ વિનાની ઝાંખી દર્શાવાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter