ઉત્તર પ્રદેશની કુંભનગરી પ્રયાગરાજમાં રવિવારે મૌની અમાસના દિવસે ગંગા નદીમાં વિવિધ ઘાટ પર આસ્થાનું ઘોડાપૂર આવ્યું હોય તેમ અંદાજે પાંચ કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી હતી. જોકે, જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સંગમ ઘાટ પર સ્નાન કર્યા વિના અડધે રસ્તેથી પાછા ફરતા ભારે વિવાદ સર્જાયો હતો. પ્રયાગરાજમાં પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ 3 જાન્યુઆરીથી શરૂ થયેલા માઘ મેળામાં રવિવારે કરોડો શ્રદ્ધાળુઓએ ગંગા નદીના વિવિધ ઘાટ પર પવિત્ર ડૂબકી લગાવી હતી. ગંગા નદી કિનારે 850 હેક્ટરમાં ફેલાયેલા મેળા ક્ષેત્રમાં શ્રદ્ધાળુઓના સ્નાન માટે યોગી સરકારે 64 ઘાટ બનાવેલા છે. 44 દિવસ ચાલનારા આ મેળામાં પોષ પૂનમ, મકરસંક્રાતિ અને મૌની અમાસના દિવસે કરેલા સ્નાનને મહાસ્નાન મનાય છે.


