લંડનઃ ધ કેમ્પેઈન અગેઈન્સ્ટ એન્ટિસેમિટિઝમે ચેતવણી આપી છે કે રાજધાનીમાં યહુદીઓ સામે વધી રહેલા વિરોધ અને દુશ્મનાવટના પરિણામે લંડનવાસી યહુદી પરિવારો વિદેશમાં સ્થળાંતર કરવા વિચારી રહ્યા છે. સંસ્થાએ જણાવ્યું હતું કે કેટલાક યહુદી રહેવાસીઓએ સલામતીની ચિંતાના ભયથી લંડન છોડી દીધું છે અને હવે તેમની સંખ્યામાં વધારો થઈ શકે છે.
સંસ્થાએ કરાવેલા સર્વેમાં જણાયું હતું કે અડધોઅડધ યહુદીઓ વિદેશ સ્થળાંતર કરવા વિચારી રહ્યા છે. યહુદી સાંસદો અને પાર્લામેન્ટની બહારથી યુનિવર્સિટીઓ સુધી યહુદીઓ તરફ સામૂહિક નફરત, ધાકધમકીનું પ્રમાણ અને શેરીઓમાં હુમલાઓ વધી રહ્યા છે. ઈઝરાયેલ દ્વારા ગાઝા પર હુમલાના વિરોધના સરઘસો અને હમાસ આતંકવાદને સમર્થનના પરિણામે લંડનમાં યહુદીવિરોધની ઘટનાઓ વધી છે.
કેમ્પેઈન ગ્રૂપે જણાવ્યું હતું કે હમાસના 7 ઓક્ટોબરના ઈઝરાયેલ પરના હુમલા પછી ઈઝરાયેલી મિલિટરીએ હમાસ સંગઠનને ખતમ કરી નાખવાની કાર્યવાહી આરંભી છે. આની અસરરૂપે બ્રિટિશ સામાજિક જીવનના તમામ સ્તરોએ, શેરીઓ, કેમ્પસીસ, ઓનલાઈન, વર્કપ્લેસીસ અને અન્યત્ર યહુદીવિરોધી ઉશ્કેરણીઓ અને ઘણા સ્થળે હિંસા પણ જોવા મળે છે. દેશમાં બહુમતી જ્યુઈશ લોકો જાહેરમાં તેમની ઓળખ દર્શાવતા ડરે છે.
યહુદીવિરોધના નફરત ક્રાઈમ્સનો ડેટા મેળવતા કોમ્યુનિટી સિક્યોરિટી ટ્રસ્ટ મુજબ 2023માં યુકેમા 4103 ઘટના એન્ટિ-જ્યુઈશ હેટની હતી. મેટ પોલીસ મુજબ લંડનમાં આવા 2410 ગુના નોંધાયા હતા.

