લંડનઃ યુકેના મુસ્લિમો લશ્કરી દળોમાં જોડાય તેને ઉત્તેજન આપવાના અભિયાનના ભાગરુપે અગ્રણી ઈસ્લામિક વિદ્વાનો અને ઈમામોએ ઉચ્ચ મિલિટરી અધિકારીઓ સાથેની કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ પ્રકારની કોન્ફરન્સ પ્રથમ વખત યોજાઈ છે. કોઈ પણ પ્રચાર વિના સેન્ડહર્સ્ટ ખાતે આ કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો.
ધ ટાઈમ્સના અહેવાલ અનુસાર આ કોન્ફરન્સ મુસ્લિમ કોમ્યુનિટી સાથે લશ્કરી દળોના સંબંધ સુધારવા તેમજ મુસ્લિમ દેશોમાં ઓપરેશન્સ અંગે તેમની ચિંતાના નિવારણના હેતુસર યોજાઈ હતી. ત્રણ દિવસની કોન્ફરન્સમાં ૨૫ સ્કોલર્સના જૂથે ડિફેન્સ મિનિસ્ટર અર્લ હોવની મુલાકાત લેવા ઉપરાંત, સેન્ડહર્સ્ટ, RAF નોર્થોલ્ટ, આર્મી ટ્રેનિંગ સેન્ટર પિરબ્રાઈટ અને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની મુલાકાત લીધી હતી.
ડિફેન્સ સ્ટાફના વાઈસ-ચીફ જનરલ સર ગોર્ડન મેસેન્જર, અને આસિસ્ટન્ટ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ફોર ઓપરેશન્સ એર વાઈસ-માર્શલ એડવર્ડ સ્ટ્રિન્જરે ઈસ્લામિક નેતાઓને માહિતગાર કર્યા હતા અને તેમની રજૂઆતો સાંભળી હતી.

