યુકે-ઈન્ડો મેડિકલ સાહસમાં નોંધપાત્ર પ્રગતિ

સ્મિતા સરકાર Monday 22nd May 2017 08:20 EDT
 
 

લંડનઃ ભારતમાં તમામને પોષાય, ભરોસાપાત્ર અને સૌને અનુકુળ આવે તેવી જવાબદાર હેલ્થકેર ઝડપથી ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુ સાથે શરૂ થયેલું અભિયાન ઈન્ડો- યુકે ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ (IUIH)ના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ CEO ડો. અજય રાજન ગુપ્તાના નેતૃત્વ હેઠળ આકાર લઈ રહ્યું છે. NHSના કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન ડો. ગુપ્તા ભારતની વિશાળ વસતીને ઉચ્ચ ગુણવત્તાની સાથે પરંતુ, ઓછાં ખર્ચની તબીબી સહાયના સ્વપ્નને પૂરું કરવા માટે બન્ને સરકારોની સહાયથી યુકે અને ભારતસ્થિત પ્રમોટરોની ટીમનું નેતૃત્વ સંભાળી રહ્યા છે.

ડો. ગુપ્તા અને તેમની ટીમે પ્રાથમિક કાર્ય શરૂ કરી શકાય તે માટે જમીનના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. રિસર્ચ, શિક્ષણ અને હેલ્થકેર પૂરી પાડવામાં યુકેની શ્રેષ્ઠ સંસ્થાઓ સાથે સહયોગ કરીને ભારતમાં હેલ્થકેર પૂરી પાડવામાં આવશે. પ્રથમ પ્રોજેક્ટ ચંડીગઢમાં સ્થપાયો હતો.

ડો. ગુપ્તાએ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે,‘ અમે આંધ્રપ્રદેશના અમરાવતીમાં ૧૫૦ એકર જમીન લીધી છે અને અમે ત્યાં કિંગ્સ કોલેજ હોસ્પિટલ, લંડન ઉભી કરી રહ્યા છીએ. હૈદરાબાદમાં અમે શેફિલ્ડ NHS ટ્રસ્ટ ઉભું કરવા જમીન મેળવી છે. મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ સાથે મુલાકાત પછી નાગપુરમાં IUIH બનાવવા માટે ૧૫૦ એકર જમીન લીધી હતી. મધ્યપ્રદેશના ભોપાલ અને કર્ણાટકમાં બેંગ્લોર અને મૈસુરમાં પણ જમીન લીધી છે.’

IUIHનો અંતિમ ઉદ્દેશ ૪૦૦ મિલિયન ભારતીયોને પોષાય તેવી તબીબી સહાય પૂરી પાડવાના પ્રયાસમાં ૧૧,૦૦૦ બેડ, ૨૫,૦૦૦ નર્સીસ અને ૫,૦૦૦ ડોક્ટરોની સુવિધા ઉભી કરવાનો છે. ડો. ગુપ્તાએ ઉમેર્યું હતું કે,‘ હું ભારતમાં NHSમોડલનું પુનરાવર્તન કરવા ઈચ્છું છું. વિશ્વની શ્રેષ્ઠ હેલ્થકેર સિસ્ટમ્સમાં તેનું સ્થાન છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં વિશ્વની શ્રેષ્ઠ હેલ્થકેર વિકસાવવાનો મારો આઈડિયા છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter