લંડનઃ વેસ્ટમિન્સ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટના ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા આર્બુથ્નોટે બીજી જુલાઈના ચુકાદામાં ગુજરાતના બાળકની હત્યાના કેસમાં બે આરોપી આરતી ધીર અને તેના પતિ કંવલજિત રાયજાદાના પ્રત્યાર્પણ માટે ઈનકાર કરી દેતાં ભારતના પ્રયાસોને મોટો ધક્કો વાગ્યો છે. જજે સ્પષ્ટ કર્યું હતું કે આરોપીઓએ અન્યો સાથે મળી ગુના આચર્યા હોવાનો પ્રાઈમા ફેસી કેસ છે. બ્રિટિશ નાગરિક આરતી ધીર અને કંવલ રાયજાદાએ ૧૧ વર્ષીય અનાથ બાળક ગોપાલને દત્તક લઈ તેનો ૧.૩ કરોડ રુપિયાનો વીમો મળવ્યો હતો. આ રકમ મેળવવા ગોપાલ અને તેના બનેવીની હત્યા કરાવી હોવાનો આરોપ છે.
યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઈટ્સના આર્ટિકલ ૩નો હવાલો આપતાં જજ આર્બુથ્નોટે શંકા વ્યકત કરી હતી કે ભારતમાં પોલીસ આરતી ધીર અને કવંલ રાયજાદા પર અત્યાચાર ગુજારશે, તેમને જન્મટીપની સજાની પુન: સુનાવણી પણ નહિ થાય. તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવશે. આમ છતાં, તેમણે આરતી અને કવલ વિરુદ્ધ અન્યો સાથે મળી ગુનાઓ આચરવાનો પ્રથમદર્શી કેસ હોવાનું પણ જણાવ્યું હતું. ભારત સરકારે આ કેસમાં મૃત્યુદંડ નહિ આપવા સહિતની અન્ય ખાતરીઓ આપી હતી, જે કોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદા કરતા મોડી હતી.
જજ આર્બુથ્નોટે ચુકાદામાં આરોપીઓને ચેતવણી આપી હતી કે ‘મલ્ટિપલ મર્ડર માટે આજીવન સજાની સમીક્ષા આર્ટિકલ ૩ને સુસંગત રહે તે માટે ગુજરાત સરકાર કાયદામાં ફેરફાર પણ કરી શકે છે. જો આમ થાય તો કેસ ફરી આ કોર્ટ સમક્ષ આવી શકે છે. જે વ્યક્તિએ હત્યાની ગોઠવણ કરી હતી તેને આરોપીઓના લંડન બેંક એકાઉન્ટમાંથી નાણા મોકલાયાના મજબૂત પુરાવા છે. આ સંજોગોમાં અહીં પ્રોસીક્યુકશન ચલાવાય તે પણ શક્ય છે.’
આ કેસ જૂન ૨૦૧૭નો છે. કોર્ટ સમક્ષ બહાર આવેલી વિગતો અનુસાર ગોપાલ અને તેના બનેવી હરસુખભાઇ કારદાનીનું ૧૧ ફેબ્રુઆરી, ૨૦૧૭ના રોજ અપહરણ કરાયું હતું અને તે પછી રાજકોટ પાસે તેની હત્યા કરી દેવાઈ હતી. કારદાનીએ હુમલાખોરોને રોકવા પ્રયાસો કર્યો હતો, પરંતુ તેમને પણ ચપ્પુના ઘા મારવામાં આવ્યા અને અંતે તેમનું પણ મોત થયું હતું.
ગુજરાત પોલીસની તપાસમાં દાવો કરાયો હતો કે ગોપાલની હત્યા તેને દત્તક લીધા પછી વીમાની રૂ.૧.૩ કરોડની રકમ મેળવવા કરાઈ હતી. હીથ્રો એરપોર્ટમાં કામ કરતી આરતી ધીર લંડનમાં ભણતી હતી ત્યારે રાયજાદા અને નીતિશ મુંડને મળી હતી. તેમણે અપહરણ અને હત્યાનું ષડયંત્ર ઘડયું હોવાનું ચાર્જશીટમાં જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે મહિલા જજ એમ્મા આર્બુથ્નોટે ડિસેમ્બર ૨૦૧૮માં ભારતના વોન્ટેડ લિકર કિંગ વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે લીલી ઝંડી આપી હતી.