યુકે સરકારે ગુંલાટ મારીઃ ‘ગોલ્ડન વિઝા’ સ્કીમ યથાવત

Thursday 13th December 2018 06:27 EST
 
 

લંડનઃ વિદેશી નાગરિકો દ્વારા મોટા પાયે ઈન્વેસ્ટમેન્ટ કરાય તો કાયમી નાગરિકત્વ આપતી યુકેના ટિયર-૧ ઈન્વેસ્ટમેન્ટ વિઝાની ‘ગોલ્ડન વિઝા’ સ્કીમ રદ કરવાનું હાલ પુરતું મુલતવી રખાયું છે. હોમ ઓફિસે જણાવ્યું હતું કે, ‘ટિયર-વન (ઈન્વેસ્ટર) વિઝા હાલ રદ કરાઈ રહ્યા નથી. જોકે, તેમાં સુધારા માટે અમે મક્કમ છીએ.’ સરકારે આ માટે કોઈ કારણ દર્શાવ્યાં નથી. સાત ડિસેમ્બરથી રદ થનારી આ વિઝા સ્કીમનો લાભ મોટા ભાગે સુપર-રિચ લોકો દ્વારા લેવાતો હતો, જેનો ઉપયોગ ભ્રષ્ટાચાર, સંગઠિત અપરાધ અને મની લોન્ડરિંગ માટે થતો હોવાના આક્ષેપો હતા. ભારત સહિત ઈયુ બહારના દેશોમાંથી યુકેમાં ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવા એક દાયકા અગાઉ આ વિઝાની યોજના અમલી બનાવાઈ હતી, જે રશિયા અને ચીનના ધનકુબેરોમાં વધુ લોકપ્રિય બની હતી.

અગાઉ, ઈમિગ્રેશન મિનિસ્ટર કેરોલિન નોક્સે જણાવ્યું હતું કે,‘યુકે અમારા અર્થતંત્રની મદદ તેમજ બિઝનેસીસની વૃદ્ધિ માટે તત્પર કાયદેસર અને સાચા રોકાણકારો માટે દ્વાર હંમેશાં ખુલ્લાં રાખશે. જોકે, એક બાબત સ્પષ્ટ છે કે જે લોકો નિયમોનું પાલન કરતા નથી કે તેનો દુરુપયોગ કરવા માગે છે તેને અમે સહન નહિ કરીએ.’ આ પછી, યુકેમાં વસવાટ અને રોકાણ કરવાની આશા રાખતા વિશ્વભરના શ્રેષ્ઠ ધનપતિઓને આઘાત આપતા નિર્ણયમાં બ્રિટનની હોમ ઓફિસે તેની ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશનની ટિયર-વન ગોલ્ડન વિઝા સ્કીમ સસ્પેન્ડ કરી હતી. યુકેમાં મની લોન્ડરિંગ પર ત્રાટકવાના ભાગરુપે સરકાર દ્વારા આ વિઝા સ્કીમની સમીક્ષા કરાઈ હતી. આ વિઝા હેઠળ યુકેમાં રોકાણ અને વસવાટ કરનારાઓમાં ચાઈનીઝ અને રશિયનોની સંખ્યા વધુ છે. જોકે, રશિયા અને યુકે વચ્ચે તાજેતરમાં સંબંધોમાં કડવાશ આવ્યા પછી આ સ્કીમ રદ કરવા નિર્ણય લેવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગોલ્ડન વીઝા હેઠળ કોઈપણ વ્યક્તિ ૨૦ લાખ પાઉન્ડનું રોકાણ બ્રિટનમાં કરે તો તેને ગોલ્ડન વિઝા આપવામાં આવે છે રોકણની રકમ ૫૦ લાખ પાઉન્ડ થવા પર બ્રિટનમાં સ્થાયી થવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. ગોલ્ડન વિઝા ભ્રષ્ટાચાર અથવા ચોરીથી પ્રાપ્ત કરેલી સંપત્તિને સત્તાવાર બનાવવા ઈચ્છતા જમીનદારો, સરમુખત્યારો, રાજાઓ અને ધનકુબેરો માટે યુકેમાં વસવાટ હાંસલ કરવાનો સહેલો માર્ગ હતો. જુલાઈ મહિનામાં જ ટિયર-વન ઈન્વેસ્ટર વિઝા સ્કીમના અરજદારોમાં ૪૬ ટકાનો વધારો નોંધાયો હતો, જેમાં ૪૦૦થી વધુ ધનાઢ્ય વિદેશી રોકાણકારોનો સમાવેશ થયો હતો. સપ્ટેમ્બર ૨૦૧૮માં પૂરા થયેલાં વર્ષમાં ૧૦૦૦થી વધુ અરજદારોને ટિયર-વન ઈન્વેસ્ટર વિઝા મંજૂર કરાયા હતા.

નાણાકીય અપરાધો પર ત્રાટકવાના ભાગરુપે યુકે દ્વારા ૨૦૧૯માં નવા નિયંત્રણો દાખલ કરવામાં આવનાર છે. સૂચિત સુધારાયેલા નિયમોમાં અરજદારોએ તેમના ફાઈનાન્સિયલ અને બિઝનેસ હિતોના કોમ્પ્રીહેન્સિવ ઓડિટ રજૂ કરવા સાથે ઓછામાં ઓછાં બે વર્ષ માટે બે મિલિયન પાઉન્ડના ઈન્વેસ્ટમેન્ટ ફંડ પર તેમનો અંકુશ હોવાનું દર્શાવવું પડશે. આ ઉપરાંત, અરજદારો સરકારી બોન્ડ્સમાં ઈન્વેસ્ટ કરી ન શકે અને યુકેની સક્રિય અને વેપારી કંપનીઓમાં ફરજિયાત રોકાણ કરવાનો સુધારામાં સમાવેશ થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter