યુકેના અર્થતંત્રમાં નવાં પરિવર્તન લાવનારાનું સન્માન

હાઉસ ઓફ કોમન્સમાં ચોથી જુલાઈએ સમર રિસેપ્શનમાં ફાયનાન્સ, બેન્કિંગ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ મેગેઝિનનું લોકાર્પણ કરાયું

રુપાંજના દત્તા Wednesday 17th July 2019 03:45 EDT
 
 

લંડનઃ વિશ્વના વિવિધ સ્થળોએ ચોથી જુલાઈએ અમેરિકાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ રહી હતી ત્યારે પાર્લામેન્ટના ચર્ચિલ હોલમાં વાર્ષિક ફાયનાન્સ, બેન્કિંગ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ (FBI) મેગેઝિનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે મેગેઝિન ૧૮ વર્ષથી ફાયનાન્સ, બેન્કિંગ એન્ડ ઈન્સ્યુરન્સ મેગેઝિન તરીકે ઓળખાતું રહ્યું તેના ટાઈટલમાં યુકે-ભારતના દ્વિપક્ષી વેપાર અને ઈન્વેસ્ટમેન્ટના મહત્ત્વને દર્શાવવા અને સામેલ કરવા આ વર્ષે નાનો ફેરફાર કરવામાં આવ્યો છે.

એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર દ્વારા પ્રકાશિત કરાતા વાર્ષિક FBI મેગેઝિનમાં વિવિધ ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સ અને સર્વિસીસને આવરી લેવાય છે. આ વર્ષે યુકેના સતત પરિવર્તનશીલ નાણાકીય બજારના ત્રણ મુખ્ય પાસાં- ટેકનોલોજી, સ્ટાર્ટ-અપ્સ અને ભારત અને યુકે બંનેમાં વર્તમાન રાજકીય પરિદૃશ્યના લીધે વિશેષ મહત્ત્વપૂર્ણ બનેલા યુકે-ઈન્ડિયા દ્વિપક્ષી સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.

નો-ડીલ બ્રેક્ઝિટની સંભાવનાએ પાઉન્ડનું અવમૂલ્યન થયું છે ત્યારે તાજા અહેવાલો જણાવે છે કે યુકેનું સમગ્રતયા આર્થિક દૃશ્ય સુધર્યું છે. વાસ્તવમાં, લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો અભ્યાસ દર્શાવે છે કે લંડનના ૨૦ ટકા બિઝનેસીસે ગત ત્રણ મહિનામાં ૨૦ ટકા વેચાણવૃદ્ધિ દર્શાવી છે. આ જ પ્રમાણે લંડનના એક્સપોર્ટ બિઝનેસમાં પણ ૨૧ ટકાની વૃદ્ધિ છે.

આ કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રકાશક/તંત્રી સીબી પટેલે જણાવ્યું હતું કે,‘જયારે એશિયનો આ દેશમાં આવ્યા ત્યારે મોટા ભાગનાની પાસે કશુંજ ન હતું. આજે તમે યુકેના સૌથી ધનાઢ્ય વ્યક્તિ તરફ નજર નાખશો તો તમને જણાશે કે વર્ષો જતાં ડાયસ્પોરાએ શું હાંસલ કર્યું છે. યુકેમાં વર્તમાન રાજકીય અરાજકતાના પરિણામે ફાઈનાન્સિયલ માર્કેટ સામે સર્જાયેલું જોખમ વાસ્તવિક છે. પરંતુ, આપણે તો આનાથી વધુ ખરાબ સંજોગો જોયાં છે તેથી આપણે વધુ સ્થિતિસ્થાપક છીએ. મને આપણાં કશું નવું કરનારા અને ગતિશીલ બિઝનેસીસમાં સંપૂર્ણ શ્રદ્ધા છે, જેઓ નિઃશંકપણે સંપત્તિનું સર્જન કરવાનું ચાલુ જ રાખશે.’

‘આપણે જ્યાં સુધી સ્પર્ધાત્મક રહીશું ત્યાં સુધી આપણી કોમ્યુનિટીનો વિકાસ થતો રહેશે. આગામી દિવસો પડકારજનક છે પરંતુ, આપણું યોગદાન ખરેખર યુકેને અવરોધો પાર કરવામાં મદદ મળશે. જોકે, આજે લોકો જે રીતે બિઝનેસીસ ચલાવે છે તેના અભિગમમાં ભારે પરિવર્તન આવ્યું છે. હવે સંબંધો ઝડપી ડિલિવરી અને ટેકનોલોજી પર આધારિત થયાં છે. યુકે સંખ્યાબંધ ટેક કંપનીઓ સાથે ઘણા સ્ટાર્ટઅપ્સનું ઘર બન્યું છે. આવી સફળ કથાઓમાં એક યુકેસ્થિત મહત્ત્વપૂર્ણ ‘યુનિકોર્ન’ કંપની સ્ટર્લિંગ બેન્કની છે, જે ડિજિટલ, માત્ર મોબાઈલ બેન્ક છે અને મેગેઝિનની આ આવૃત્તિ માટે અમારા મુખ્ય સ્પોન્સર છે.’

મેગેઝિનનું લોકાર્પણ સ્ટર્લિંગ બેન્કના બિઝનેસ બેન્કિંગ ડિલિવરીના વડા હેસ્સી કોલમાન અને સીબી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. પબ્લિકેશન દ્વારા આ વર્ષે કોમ્યુનિટીને અનોખી અને ઝળહળતી સેવા આપનારી અને ફાઈનાન્સિયલ સેક્ટરની કેટલીક સંસ્થા અને વ્યક્તિઓને સન્માનિત કરવાનો નિર્ણય પણ લેવાયો હતો.

ધ બેસ્ટ ગ્લોબલ મની ટ્રાન્સફર કંપની ઓફ ધ યરનો એવોર્ડ ઈનોવેટિવ મની ટ્રાન્સફર અને પેમેન્ટ સર્વિસીસમાં સફળ નામના મેળનાર મનીગ્રામ ઈન્ટરનેશનલ ઈન્ક.ને એનાયત કરવામાં ઈવ્યો હતો. સંસ્થાએ એવોર્ડ સ્વીકારતા ‘એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર’ને જણાવ્યું હતું કે,‘ મનીગ્રામ મની ટ્રાન્સફર અને પેમેન્ટ સર્વિસીસ માટે ગ્લોબલ પ્રોવાઈડર છે તેમજ મિત્રો અને પરિવારો માટે નાણાકીય સંપર્ક તરીકે વિશ્વભરમાં માન્યતા ધરાવે છે. ઓનલાઈન હોય કે મોબાઈલ ઉપકરણ, કીઓસ્ક હોય કે સ્થાનિક સ્ટોર, અમે ગ્રાહકોને અનુકૂળ હોય તે રીતે સંપર્ક કરાવી આપીએ છીએ. યુકેના સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક જીવનમાં સાઉથ એશિયન કોમ્યુનિટી મહત્ત્વપૂર્ણ અને જોડાયેલું તત્વ છે. હાઉસ ઓફ કોમન્સમાં ફાયનાન્સ, બેન્કિંગ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ મેગેઝિન ૨૦૧૯ના વાર્ષિક લોન્ચિંગ સમયે આ એવોર્ડ મેળવતાં મનીગ્રામ ગૌરવ અનુભવે છે તેમજ યુકેની સાઉથ એશિયન કોમ્યુનિટી અને તેમની સેવા કરતા મીડિયાનું મૂલ્ય પારખે છે.’

એકાઉન્ટન્સી ફર્મ ઓફ ધ યરનો એવોર્ડ જ્હોન ક્યુમિંગ્સ રોસ લિમિટેડને એનાયત કરાયો હતો, જે બી.બી. પટેલ અને તેમની ટીમ દ્વારા લેવાયો હતો. જ્હોન ક્યુમિંગ્સ રોસ લિમિટેડ સુસ્થાપિત એકાઉન્ટન્સી પ્રેક્ટિસ છે, જે છેક ૧૯૭૮થી એશિયન કોમ્યુનિટીની સેવા કરી રહેલ છે.

ધ બેસ્ટ ગ્લોબલ ટ્રેડ સર્વિસીસ બેન્ક ઓફ ધ યરનો એવોર્ડ યુરો એક્ઝિમ બેન્ક લિમિટેડને એનાયત કર્યો હતો. એવોર્ડ હાંસલ કર્યા પછી તેમણે ‘એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે,‘ ફાયનાન્સ, બેન્કિંગ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ (FBI) મેગેઝિન દ્વારા ‘બેસ્ટ ગ્લોબલ ટ્રેડ સર્વિસીસ બેન્ક ૨૦૧૯’ તરીકે નોમિનેટ કરાયા પછી પ્રતિષ્ઠિત એવોર્ડના યોગ્ય વિજેતા તરીકે પસંદ કરાયાથી યુરો એક્ઝિમ બેન્ક (EEB) ખૂબ આનંદ અનુભવે છે. ઓછાં ખર્ચાળ ટ્રેડ ઈન્સ્ટ્રુમેન્ટ્સ તેમજ ઈનોવેટિવ બ્લોકચેઈન-એનેબલ્ડ ઝડપી સિસ્ટમ્સ સાથે EEB સમગ્ર ઉપખંડ અને તેથી પણ આગળ મજબૂત સંબંધો થકી કોર્પોરેટ તેમજ SME ખરીદારો અને વેચાણકારોને સપોર્ટ કરવા સાથે એશિયન કોમ્યુનિટીની સેવા કરવા તત્પર છે. FBI એવોર્ડ ખરેખર વૈશ્વિક વ્યાપારને આગળ વધારવામાં અમારા યોગદાન અને ભૂમિકાની કદર કરે છે.’

પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ સ્પેશિયાલિસ્ટ ઓફ ધ યરના વિજેતા સો એન્ડ રીપ પ્રોપર્ટીઝ લિમિટેડ રહ્યા હતા. આ કંપની પોતાના ક્લાયન્ટ્સ માટે સેન્ટ્રલ લંડનમાં પ્રોપર્ટીના સોર્સિંગ, નવસજાવટ, વિકાસ, ભાડે આપવા તથા વેચાણના ક્ષેત્રમાં શ્રેષ્ઠ ટ્રેક રેકોર્ડ ધરાવે છે. સો એન્ડ રીપ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર સુરેશ વાગજિઆનીએ કહ્યું હતું કે,‘ હાઉસ ઓફ કોમન્સમાં ‘એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર’ના વાર્ષિક ફાયનાન્સ, બેન્કિંગ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ ઈવેન્ટમાં પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ સ્પેશિયાલિસ્ટ ઓફ ધ યર એવોર્ડ સ્વીકારવાનો મને ઘણો આનંદ થયો છે. આ સાચું સન્માન છે અને હું ખરેખર ધન્યતા અનુભવું છું. આ વર્ષે હાજર ન રહી શકવાનો મને ભારે ખેદ છે. મને શબ્દો મળતા નથી. આ એવોર્ડ માટે હું ‘એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર’નો આભાર માનું છું.’

ધ લીડિંગ કોમર્શિયલ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ કંપની ઓફ ધ યર એવોર્ડ પ્રાઈડવ્યૂ ગ્રૂપને એનાયત કરાયો હતો, જે ૧૯૮૫થી કોમર્શિયલ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ સર્વિસીસમાં અગ્રેસર છે. તેમણે ‘એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે,‘હાઉસ ઓફ કોમન્સમાં ૨૦૧૯ની ચોથી જુલાઈએ ‘એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર’ દ્વારા લીડિંગ કોમર્શિયલ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ કંપની એવોર્ડ મેળવતા અમે ગૌરવ અને ધન્યતા અનુભવીએ છીએ. બ્રિટિશ એશિયન કોમ્યુનિટીને પ્રોપર્ટી ઈન્વેસ્ટિમેન્ટ સીડી પર ચડવામાં મદદ કરવા માટે ૩૫ વર્ષ અગાઉ પ્રાઈડવ્યૂ ગ્રૂપની શરૂઆત કરાઈ હતી. એક પેઢી પછી તેમાંના ઘણા રોકાણકારોને બિઝનેસ વિશ્વમાં નવાં શિખરો સર કરતા જોઈને અમને ગૌરવ થાય છે. આજે અમારા ક્લાયન્ટ પ્રોફાઈલ વ્યાપકપણે વૈશ્વિક થયો હોવાં છતાં, અમે સારાં અને નરસાં સમયમાં ટેકો આપવા બદલ અમારા સૌથી જૂના રોકાણકારો અને સ્થાપકો પ્રતિ આભાર વ્યક્ત કરવા માગીએ છીએ.’

આ ઈવેન્ટમાં મોભાદાર પ્રોફેશનલ્સ તેમજ બિઝનેસમેન સમૂહની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી. મહેમાનોએ ભોજનનો રસાસ્વાદ માણ્યો હતો તેમજ નાસ્તા અને ડ્રિન્ક્સની સાથોસાથ એકબીજા સાથે વાર્તાલાપની તક પણ ઝડપી લીધી હતી.

—————

વિજેતાઓની યાદી

બેસ્ટ ગ્લોબલ ટ્રેડ સર્વિસીસ બેન્ક

યુરો એક્ઝિમ બેન્ક લિમિટેડ

બેસ્ટ ગ્લોબલ મની ટ્રાન્સફર કંપની

મનીગ્રામ ઈન્ટરનેશનલ ઈન્ક.

 

એકાઉન્ટન્સી ફર્મ ઓફ ધ યર

જ્હોન ક્યુમિંગ્સ રોસ લિમિટેડ

 

લીડિંગ કોમર્શિયલ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ કંપની

પ્રાઈડવ્યૂ ગ્રૂપ

પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ સ્પેશિયાલિસ્ટ ઓફ ધ યર

સો એન્ડ રીપ પ્રોપર્ટીઝ લિમિટેડ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter