લંડનઃ બ્રિટનના આતંકવાદીઓ પૈકી ૧૦ ટકા તો બર્મિંગહામના પાંચ કાઉન્સિલ વોર્ડના હોવાનું તેમજ ૧૯૮૮થી ૨૦૧૫ વચ્ચે શિરચ્છેદ અને છૂરાબાજીની ઘટનાઓ ૪ ટકાથી વધીને ૪૪ ટકા થઈ હોવાનું સિક્યુરિટી થીંક ટેંક ‘હેનરી જેક્સન સોસાયટી’ના ૧,૦૦૦ પાનાના અહેવાલે જણાવ્યું છે. યુકેનો આતંકવાદનો નક્શો દર્શાવે છે કે ૨૬૯ પૈકી ૨૬ આતંકી નજીકના છૂટાછવાયા પ્રદેશોમાંથી આવે છે. આ વોર્ડ્સમાં બહુમતી વસ્તી મુસ્લિમોની છે. અભ્યાસમાં ૧૯૮૮થી લઈને ૨૦૧૬ના આરંભ સુધીમાં જેટલાં મુસ્લિમોને ગુનેગાર ઠેરવાયા હોય તે તેમજ સુસાઈડ બોમ્બરોની વિગતો આવરી લેવાઈ છે.
બર્મિંગહામમાં ૨૩૪,૦૦૦ મુસ્લિમ છે અને ત્યાં કુલ ૩૯ ગુનેગાર આતંકી છે. આતંકીઓની આ સંખ્યા સમગ્ર વેસ્ટ યોર્કશાયર, ગ્રેટર માંચેસ્ટર અને લેંકેશાયરની ૬૫૦,૦૦૦ની સંયુક્ત મુસ્લિમ વસ્તીની સરખામણીએ પ્રમાણમાં વધારે છે. બર્મિંગહામના પાંચ વોર્ડ સ્પ્રીંગફિલ્ડ, સ્પાર્કબ્રુક, હોજ હિલ, વોશવુડ હિથ અને બોર્ડ્સલી ગ્રીનમાં જ ૨૬ આતંકી છે.
લંડનમાં આતંકી ગુનેગારોની સંખ્યા ૧૧૭ની હતી. જોકે, તેમાંના ૫૦ ટકા પૂર્વ વિસ્તારના ટાવર હેમલેટ્સ, ન્યુહામ અને વોલ્થમ ફોરેસ્ટના હતા.
અહેવાલ મુજબ કોઈ ગુનાઈત ઈતિહાસ ન ધરાવતા અને સત્તાવાળા જાણતા ન હોય તેવા ગુનેગારોનું પ્રમાણ વધી રહ્યું છે. M15ની જાણમાં હોય તેવા ગુનેગારોનું પ્રમાણ ૬૧ ટકાથી ઘટીને ૨૯ ટકા થયું છે.
બ્રિટિશ આતંકીઓમાં યુવાનોની ટકાવારી વધારે છે. ૨૦૧૧થી ૨૦૧૫માં થયેલા હુમલા પૈકી ૪૬ ટકા હુમલા ૨૫થી નીચેની વયના આતંકીઓએ કર્યા હતા. અગાઉ તે પ્રમાણ ૪૨ ટકા હતું. લગભગ ૮૦ ટકા આતંકી પૈકી મોટાભાગના અંજેમ ચૌધરીના હાલ પ્રતિબંધિત ગ્રૂપ અલ-મુહાજીરો દ્વારા સંચાલિત અથવા પ્રેરિત હતા.
ઈસ્લામી આતંકવાદમાં મહિલાઓ વધી
• ઈસ્લામી આતંકના ગુના ૨૦૧૫ સુધીના પાંચ વર્ષમાં ૧૨ ટકાથી વધીને બમણા એટલે કે ૨૩ ટકા થયા છે. • આ ગાળામાં યુકેમાં ઈસ્લામી આતંકવાદમાં સામેલ મહિલાઓની સંખ્યા ૪ ટકાથી ત્રણ ગણી વધીને ૧૧ ટકા થઈ છે. • ગુનાનો ખૂબ સામાન્ય પ્રકાર બોમ્બિંગની યોજના અને તેનો અમલ છે. પરંતુ, ઈસ્લામિક સ્ટેટ પદ્ધતિએ શિરચ્છેદ અને છૂરાબાજી સાથેના ષડયંત્રની સંખ્યામાં ૧૧ ગણો વધારો થયો છે. • માત્ર ૧૦ ટકા આતંકી હુમલા જ કોઈ વિસ્તૃત આતંકી નેટવર્ક સાથે ન જોડાયેલા હોય તેવા ‘લોન વુલ્વ્સ’ દ્વારા કરાયા હતા. • આ અહેવાલમાં દરેક ઈસ્લામી આતંકી હુમલાનું આયોજન અને તેને અંજામ આપવો, જિહાદીઓ માટે ભંડોળ અને આતંકી જૂથોને મદદ પૂરી પાડવા સહિત તમામ પાસાનું વિશ્લેષણ કરાયું છે.


