લંડનઃ વૈશ્વિક સ્પર્ધા વધી રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય લીગ ટેબલમાં યુકેની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓનો ક્રમ પણ નીચે ઉતરી રહ્યો છે. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ અનુસાર યુકેમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી હજુ પણ પ્રથમ ક્રમે છે પરંતુ વિશ્વ રેન્કમાં ચોથા ક્રમેથી નીચે સરકી પાંચમા ક્રમે પહોંચી છે. યુકેની ૭૬માંથી ૫૧ સંસ્થાના ક્રમાંક નીચે ઉતર્યા છે. વિશ્વમાં માસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીએ પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. આ પછીના ક્રમે સ્ટેનફોર્ડ, હાર્વર્ડ અને કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આવે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી ગયા વર્ષે પ્રથમ ત્રણમાં સ્થાન ગુમાવ્યા પછી આ વર્ષે છઠ્ઠા ક્રમે છે. બ્રિટિશ યુનિવર્સિટીઓની પ્રતિષ્ઠા ઘટવા માટે સંશોધન ભંડોળમાં કાપ તેમજ પાંચ વર્ષ સુધી ટ્યુશન ફી સ્થગિત રખાયાને મુખ્ય કારણ ગણાવાય છે.
QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં વિશ્વની ટોપ ૯૫૯ સંસ્થાઓને સ્ટાફ-વિદ્યાર્થીના રેશિયો, સંશોધન ગુણવત્તા તેમજ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને એકેડેમિક્સની સંખ્યા સહિતના પરિબળોના આધારે ક્રમાંક અપાયા છે. સંસ્થાની પ્રતિષ્ઠા સંબંધે ૭૫,૧૦૫ એકેડેમિક્સ અને ૪૦,૪૫૫ એમ્પ્લોયર્સના મત મેળવાયા હતા. યુકેની ૭૬ ક્રમાંકિત યુનિવર્સિટીઓમાંથી ૪૬ને એકેડેમિક પ્રતિષ્ઠાના સર્વેમાં નીચા સ્કોર મળ્યા હતા, જ્યારે ૪૫ને રીસર્ચ પરફોર્મન્સમાં નીચા સ્કોર મળ્યા હતા.
આ વર્ષે યુકેની ૭૬ યુનિવર્સિટીઓ વર્લ્ડ રેન્કિંગમાં છે પરંતુ ૫૧ યુનિવર્સિટીઓ પોતાના ક્રમ ગુમાવ્યા છે. પ્રતિષ્ઠિત રસેલ ગ્રૂપની તમામ ૨૪ યુનિવર્સિટીએ રેન્ક મેળવ્યો છે પરંતુ, ૧૬ સંસ્થાનું રેન્કિંગ નીચે સરક્યું છે. ગત વર્ષે ૧૫૭મો ક્રમ ધરાવતી યુનિવર્સિટી ઓફ લિવરપૂલ નીચે ઉતરી ૧૭૩માં ક્રમે, જ્યારે સાઉધમ્પ્ટન યુનિવર્સિટી ૮૭મા ક્રમથી સીધી ૧૦૨મા સંયુક્ત ક્રમે પહોંચીછે.
યુનિવર્સિટી કોલેજ લંડને સાતમો ક્રમ જાળવ્યો છે, જ્યારે ઈમ્પિરિયલ કોલેજ લંડન એક પગથિયું ચડી આઠમા ક્રમે પહોંચી છે. કિંગ્સ કોલેજ લંડન ૨૧મા સ્થાનેથી યુનિવર્સિટી ઓફ એડિનબરા સાથે સંયુક્ત ૨૩મા ક્રમે આવી છે. એડિનબરા અગાઉ ૧૯મા ક્રમે હતી. યુનિવર્સિટી ઓફ નોટિંગહામ ૭૫થી ૮૪ અને લીડ્ઝ યુનિવર્સિટી ૯૩મા ક્રમેથી ૧૦૧મા ક્રમે પહોંચી છે.
યુનિવર્સિટી ૨૦૧૭-૧૮ ૨૦૧૬-૧૭
કેમ્બ્રિજ ૫ ૪
ઓક્સફર્ડ ૬ ૬
યુનિ. કોલેજ લંડન ૭ ૭
ઈમ્પિ. કોલેજ લંડન ૮ ૯
કિંગ્સ કોલેજ લંડન ૨૩ ૨૧
યુનિ. ઓફ એડિનબરા ૨૩ ૧૯
યુનિ. ઓફ માન્ચેસ્ટર ૩૪ ૨૯
લંડન સ્કૂલ ઓફ ઈકોનો. ૩૫ ૩૭
યુનિ. સ્કૂલ ઓફ બ્રિસ્ટોલ ૪૪ ૪૧
યુનિ. ઓફ વોરવિક ૫૭ ૫૧


