યુકેની લિગલ સિસ્ટમમાં રંગદ્વેષી અન્યાયનો સામનો કરી રહેલી BAME કોમ્યુનિટીઝ

વંશીય લઘુમતી લોકો અને ખાસ કરીને એશિયનો દ્વારા દાયકાઓથી કરાતી રજૂઆતોને ડેવિડ લેમી રિપોર્ટનું સમર્થન

રુપાંજના દત્તા Saturday 16th September 2017 07:37 EDT
 
 

લંડનઃ યુકેમાં અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) સમુદાયોની વ્યક્તિઓ હજુ પણ જસ્ટિસ સિસ્ટમમાં દેખીતા ભેદભાવ સહિત પૂર્વગ્રહોનો સામનો કરી રહી છે તેમ લેબર પાર્ટીના સાંસદ ડેવિડ લેમીના રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તેમના રિપોર્ટ વંશીય લઘુમતી લોકો અને ખાસ કરીને એશિયનો દ્વારા દાયકાઓથી જે રજૂઆતો થઈ રહી છે તેને સમર્થન આપે છે. લેમી સમીક્ષા જાહેર થયાના પગલે સુગઠિત રેસ સ્ટ્રેટેજી અમલમાં મૂકવા મિનિસ્ટર્સને અનુરોધ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં વંશીય લઘુમતીઓ માટે આ રિપોર્ટ જરાપણ આશ્ચર્યજનક નથી તેમજ ઈંગ્લેન્ડ અને વેલ્સની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં તેમની વુરુદ્ધના પૂર્વગ્રહોનું નિરાકરણ લાવવામાં મદદ તરીકે કેટલાક BAME શકમંદો સામેના કાનૂની કેસીસ પડતા મૂકવા કે મુલતવી રાખવા પણ જણાવાયું છે.

પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનની વિનંતી અને થેરેસા મેના સમર્થન મુજબ ડેવિડ લેમી દ્વારા આ મહત્ત્વપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં અભ્યાસોને ટાંકીને જણાવાયું છે કે અલગ અલગ વંશીય જૂથો વચ્ચે બચાવનામાના નિર્ણયોમાં તીવ્ર તફાવતો રહ્યાં છે. તેમાં પોલીસ, કોર્ટ્સ, પ્રિઝન્સ અને પ્રોબેશન સર્વિસની પ્રક્રિયાઓમાંથી સમાજમાં ભેદભાવ અને ગેરફાયદાની વ્યાપક અસરોને સુલઝાવવાનો પ્રયાસ થયો છે.

ડેવિડ લેમીએ પોતાના રિપોર્ટ વિશે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘મારી સમીક્ષા સ્પષ્ટ દર્શાવે છે કે BAME વ્યક્તિઓ હજુ ન્યાયપદ્ધતિના કેટલાક ક્ષેત્રોમાં પ્રગટ ભેદભાવો સહિત પૂર્વગ્રહોનો સામનો કરે છે. આપણે અવારનવાર સમાન અને ન્યાયી સમાજના નિર્માણની વાતો કરીએ છીએ તે માત્ર વાજબીપણા, વિશ્વાસના પુનઃ નિર્માણ અને જવાબદારીની સહભાગિતા દ્વારા જ આવી શકશે. વડા પ્રધાને જણાવ્યું હતું તેમ જો તમે અશ્વેત હશો તો ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ દ્વારા શ્વેત લોકોની સરખામણીએ તમારી સાથે વધુ ખરાબ વ્યવહાર કરવામાં આવશે. હવે વાતો કરવાનું છોડી કામ કરવાનો સમય આવ્યો છે.’

લેમી રિપોર્ટની ભલામણો

આ સમીક્ષા પૂર્ણ થવામાં ૧૮ મહિના લાગ્યા હતા અને યુએસ, કેનેડા, ન્યુઝીલેન્ડ સહિતના દેશોની મુલાકાત તેમજ સમગ્ર યુકેની સંસ્થાઓ અને કોમ્યુનિટીઝને સાંભળવામાં આવી આવી હતી.

લેમી સમીક્ષામાં જર્મનીની યુથ જસ્ટિસ સિસ્ટમ અનુસાર યુવા અપરાધીઓની પરિપક્વતાનું મૂલ્યાંકન કરાવવું,

ન્યૂ ઝીલેન્ડની રંગાટાહી કોર્ટ્સની પ્રથા અનુસાર ‘લોકલ જસ્ટિસ પેનલની રચના, યુએસની સિસ્ટમ અનુસાર ક્રિમિનલ રેકોર્ડ્સને કેવી રીતે સીલ રાખી શકાય તેની તપાસ અને કેટલીક કાર્યવાહી મુલતવી રાખવા સહિત મુખ્ય ૩૦ સત્તાવાર ભલામણોનો સમાવેશ કરાયો છે. લેમીએ જજીસ, પ્રોસીક્યુટર્સ અને પ્રિઝન્સના મુદ્દે પણ ક્રાંતિકારી સૂચનો કરવા સાથે ડાયવર્સિટી અને પારદર્શિતા વધારવાના પગલાં લેવા જસ્ટિસ સિસ્ટમને અનુરોધ કર્યો છે. અભ્યાસમાં જણાયું છે કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં BAME અપ્રમાણસરતાથી કરદાતાને દર વર્ષે ઓછામાં ઓછાં ૩૦૯ મિલિયન પાઉન્ડનો બોજો સહન કરવાનો આવે છે.

BAME યુવા અપરાધીઓનું કસ્ટડીમાં પ્રમાણ

ઉદાહરણ જોઈએ તો ૨૦૦૬-૨૦૧૬ના ગાળામાં યુવા અપરાધીઓની સમગ્રતયા સંખ્યા વિક્રમી તળિયે જવા છતાં BAME યુવા અપરાધીઓનું કસ્ટડીમાં પ્રમાણ ૨૫ ટકાથી વધી ૪૧ ટકા થયું હતું. આ રીતે ૨૦૦૬-૨૦૧૪ના ગાળામાં ઈંગ્લેન્ડ અને વેલ્સની ક્રાઉન કોર્ટ્સમાં નિર્દોષતાની દલીલ કરનારા ૩૧ ટકા શ્વેત બચાવકારોની સરખામણીએ અશ્વેત બચાવકારો ૪૧ ટકા હતા. આનો અર્થ એ થાય કે તેમની સજા ઘટે તેવી શક્યતા ઓછી હતી, જેના કારણે સિસ્ટમમાં વિશ્વાસ મુદ્દે પ્રશ્નો ઉઠે છે.

એક તારણ એવું છે કે ક્રાઉન કોર્ટ્સમાં ડ્રગ્સના અપરાધો માટે કસ્ટોડિયલ સજા અપાતી પ્રતિ ૧૦૦ શ્વેત મહિલાની સામે ૨૨૭ અશ્વેત મહિલાને કસ્ટડીની સજા કરાઈ હતી. અશ્વેત પુરુષો માટે આ પ્રમાણ ૧૦૦ શ્વેત પુરુષ સામે ૧૪૧ અશ્વેતનું હતું. લેમી રીવ્યૂમાં જણાવાયું છે કે પ્રથમ વખત ગુનો આચરનારા યુવાનોમાં BAME પ્રમાણ ૨૦૦૬માં ૧૧ ટકા હતું જે એક દાયકા પછી વધીને ૧૯ ટકા થયું હતું. આ જ સમયગાળામાંફરી ગુનો આચરતા યુવા વર્ગમાં BAME પ્રમાણમાં આવો જ વધારો થયો હતો.

ન્યાયતંત્રમાં ભરોસાનો અભાવ

BAME કોમ્યુનિટીની વ્યક્તિઓ અને ન્યાયંત્ર વચ્ચે વિશ્વાસની ખાઈ હોવાની દલીલના સમર્થનમાં લેમીએ જણાવ્યું છે કે આના કારણે શ્વેત લોકોની સરખામણીએ ‘નોટ ગિલ્ટી’ રજૂઆત કરનારા અશ્વેત અને એશિયન પુરુષ અને સ્ત્રીઓની સંખ્યા ૫૦ ટકા વધુ રહે છે. રીવ્યૂમાં જણાયું હતું કે મેજિસ્ટ્રેટ્સ કોર્ટ દ્વારા ન્યાયના વાજબીપણા કરતા જ્યૂરીની સેવા મળે તેવી ક્રાઉન કોર્ટ્સમાં ટ્રાયલનો વિકલ્પ તેઓ પસંદ કરે છે. મોટા ભાગના BAME બચાવકારો એમ જ માને છે કે ગુનો કબૂલી લઈશું તો પણ ન્યાયતંત્ર ઓછો દંડાત્મક વ્યવહાર નહિ દર્શાવે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter