યુકેની ૬૦ યુનિવર્સિટીઓનાં કર્મચારીઓ હડતાળ પર જશે

Wednesday 13th November 2019 03:56 EST
 
 

લંડનઃ યુકેની ૬૦ યુનિવર્સિટીનો સ્ટાફ વેતન અને પેન્શનના વિવાદમાં ૨૫ નવેમ્બરથી આઠ દિવસ માટે હડતાલ પર જવાનો છે. ધ યુનિવર્સિટી એન્ડ કોલેજ યુનિયનના સભ્યોએ પેન્શન તેમજ વેતન અને કામકાજની પરિસ્થિતિના બે અલગ મુદ્દે હડતાલની કાર્યવાહીને સમર્થન આપ્યું છે. ચોથી ડિસેમ્બરે સ્ટ્રાઈકના અંત પછી પણ કર્મચારીઓ કામે ચડશે ત્યારે પણ કરાર મુજબની કામગીરી, હડતાલના કારણે ગુમાવાયેલા લેક્ચર્સના નવા સમયપત્રક તેમજ ગેરહાજર સાથી કર્મચારીઓ સામે બદલીમાં કામ આપવા સહિતનો ઈનકાર કરશે.

કર્મચારીઓની હડતાળની અસર યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ સહિતની શિક્ષણસંસ્થાઓને થશે. યુનિયનના જનરલ સેક્રેટરી જો ગ્રાડીએ ણાવ્યું હતું કે પેન્શનના વધતા ખર્ચ તેમજ વેતન અને સારી કામકાજ સ્થિતિના ઈનકાર મુદ્દે એમ્પ્લોયર્સ ગંભીર વાતચીત શરૂ નહિ કરે તો યુનિવર્સિટીઓમાં કર્મચારી હડતાળનો પ્રથમ તબક્કો મહિનાના અંતે જોવાં મળશે.

યુનિવર્સિટી એન્ડ કોલેજ યુનિયનના ૭૯ ટકા સભ્યોએ પેન્શન્સમાં ફેરફાર મુદ્દે તેમજ ૭૪ ટકા સભ્યોએ વેતન, સમાનતા, કામકાજની પરિસ્થિતિ અને કાર્યબોજના મુદ્દે કરાયેલાં મતદાનમાં હડતાળ કાર્યવાહીને સમર્થન આપ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter