યુકેમાં અંદાજે ૩,૦૦૦ શંકાસ્પદ જેહાદી છતાં, કડક પગલાંનો અભાવ

Wednesday 12th February 2020 03:10 EST
 

લંડનઃ યુકેમાં અંદાજે ૩,૦૦૦ શંકાસ્પદ જેહાદી ખુલ્લા ફરતા હોવાં છતાં માત્ર પાંચ કટ્ટરવાદી એન્ટિ-ટેરર દાયરામાં લેવાયાં હોવાથી લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. લંડનમાં તાજેતરમાં જેલમાંથી મુક્ત કરાયેલા સુદેશ અમ્માન અને તે પહેલા નવેમ્બરમાં ઉસ્માન ખાને કરેલા હુમલાઓના પગલે મિનિસ્ટર્સ પર ટેરરિઝમ પ્રીવેન્શન એન્ડ ઈન્વેસ્ટિગેશન મેઝર્સ (TPIMs)નો કડક અમલ કરવા ભારે દબાણ કરાઈ રહ્યું છે.

સત્તાવાર આંકડા અનુસાર અંદાજે ૩,૦૦૦ શંકાસ્પદ જેહાદી યુકેમાં ખુલ્લા ફરી રહ્યાં હોવાં છતાં, પાંચ ઉગ્રવાદીને ત્રાસવાદવિરોધી પગલાંના દાયરામાં લેવાયાં છે. ત્રાસવાદી હુમલાઓ થતાં અટકાવવા ટેરરિઝમ પ્રીવેન્શન એન્ડ ઈન્વેસ્ટિગેશન મેઝર્સ (TPIMs)નો કડક અમલ કરવા મિનિસ્ટર્સ પર દબાણ થઈ રહ્યું છે કારણકે શંકાસ્પદ ત્રાસવાદીઓની પ્રવૃત્તિઓ અને હેરફેરને નિયંત્રિત કરવા માટે સિક્યુરિટી એજન્સીઝ પાસે તે સારામાં સારું સાધન છે.

જે બ્રિટનસ્થિત ધર્મઝનૂનીઓ સામે કામ ચલાવી શકાતું નથી અથવા જે વિદેશીઓને દેશપાર કરી શકાતા નથી તેમનાથી લોકોનું રક્ષણ કરવાની ચોકસાઈ માટે પોલીસ અને MI5 પાસે તે સારું હથિયાર છે. માનવાધિકારો મુદ્દે ઉહાપોહ થયાં પછી વધુ નિયમનકારી કન્ટ્રોલ ઓર્ડર્સને ૨૦૧૧માં નાબૂદ કરાયા પછી TPIMsનો અમલ શરૂ કરાયો હતો. નવેમ્બરના અંત સુધી આવા માત્ર પાંચ પગલાં અમલી હતા, જે અગાઉ ૨૦૧૩માં નવ હતા. સત્તાને હળવી બનાવાયા પછી શંકાસ્પદોને નજર હેઠળ રાખવામાં ત્રાસવાદવિરોધી એજન્સીઓના પ્રયાસોને અસર પહોંચી છે.

જેહાદી હુમલાઓની ‘ભારે શક્યતા’ની ચેતવણીઓ પછી યુકેમાં ત્રાસવાદી ખતરાનું સ્તર હાલ ‘તીવ્ર’નો બીજો સર્વોચ્ચ ક્રમ ધરાવે છે. દસ વર્ષ સુધી ત્રાસવાદ સંબંધિત કાયદાના સ્વતંત્ર સમીક્ષક રહેલા લોર્ડ કાર્લાઈલે કન્ટ્રોલ ઓર્ડર્સને ફરી અમલી બનાવવા અથવા T-Pims હેઠળની સત્તા વધારવા જણાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter