યુકેમાં આજીવન કેદના કેદીઓની સંખ્યા યુરોપીય દેશોમાં સૌથી વધુ

Tuesday 11th December 2018 04:11 EST
 
 

લંડનઃ યુકેમાં આજીવન કેદ ધરાવતા કેદીઓની સંખ્યા યુરોપના અન્ય કોઈ દેશની સરખામણીમાં વધુ હોવાનું પ્રિઝન રીફોર્મ ટ્રસ્ટનાં નવા અહેવાલમાં જણાવાયું છે. સમગ્ર યુકેમાં લાઈફ સેન્ટન્સીસ ધરાવતા ૮,૫૫૪ કેદીઓ છે., જે ફ્રાન્સ, જર્મની અને ઈટાલીની સંયુક્ત સંખ્યા કરતાં પણ વધુ છે. રશિયા અને તુર્કીની જેલોમાં રખાયેલાં આજીવન કેદની સજાના કેદીઓ કરતાં પણ બ્રિટિશ આજીવન કેદીઓ વધુ છે. આજીવન કેદની સજાના કેદીઓ ઉપરાંત, અન્ય ૨,૫૯૮ કેદી પણ વિવિધ ગુનાઓ માટે અચોક્કસ મુદતની સજા ધરાવે છે.

યુકેમાં પ્રતિ ૧૦૦,૦૦૦ લોકોની વસ્તીમાં ૧૩ વ્યક્તિ આજીવન કેદની સજા ધરાવે છે, જે પ્રમાણમાં યુરોપમાં સૌથી વધુ છે. આ પ્રમાણ ફ્રાન્સમાં પ્રતિ ૧૦૦,૦૦૦ લોકોમાં માત્ર ૦.૭ આજીવન કેદી સાથે સૌથી નીચું છે, જ્યારે રશિયામાં આ પ્રમાણ ૧.૨નું છે. યુકેમાં કુલ કેદીઓની સંખ્યામાં આજીવન કેદીઓ ૧૦ ટકાથી પણ વધુ છે, જે યુએસમાં ૯.૫ ટકા છે. પ્રિઝન રિફોર્મ ટ્રસ્ટના વાર્ષિક રિપોર્ટના ભાગરુપે યુનિવર્સિટી ઓફ નોટિંગહામના ક્રિમિનોલોજિસ્ટ્સ પ્રોફેસર ડિર્ક વાન ઓઝીલ સ્મિટ અને ડો. કેથેરાઈન એપલટન દ્વારા આ વિશ્લેષણ કરાયું છે.

જેલ સુધારણા કેમ્પેઈનરોએ સજા આપવાની નીતિ વિશે નવેસરથી વિચારવાની હાકલ કરી છે. તેઓ કહે છે કે આવી લાંબી સજા આપવાથી ગુનામાં કોઈ ઘટાડો થયો નથી. અગાઉ, ૨૦૦૩માં હત્યા માટે સરેરાશ લઘુતમ સજા ૧૨.૫ વર્ષની હતી, જે ૨૦૧૬માં વધીને ૨૧.૩ વર્ષની થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter