લંડનઃ વિશ્વમાં વિવિધ પ્રકારના ધાર્મિક સંપ્રદાયો છે જેમના હાથે હજારો લોકો અને બાળકોએ જાતીય સતામણી, મિત્રો અને પરિવારથી દૂર રહેવાનું તેમજ આધુનિક ગુલામી સહન કરી છે. યુકેમાં પણ શોષણ કરતા આવા 2000 જૂથો કે કલ્ટ ખુલ્લેઆમ કાર્યરત છે કારણકે આ જૂથો ધાર્મિક સંપ્રદાયો છે કે ક્રિમિનલ સંપ્રદાયો છે તેની કાનૂની ઓળખ કરવી મુશ્કેલ છે. નિષ્ણાતો આ સંપ્રદાયોને ગુપ્ત મહામારી તરીકે ઓળખાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરના સંપ્રદાયોની સભ્યસંખ્યા લાખોમાં થવા જાય છે.
ફેમિલી સર્વાઈલ ટ્રસ્ટ (FST) ચેરિટી દ્વારા અલગ અલગ 36 સાંપ્રદાયિક જૂથોના શિકાર બનેલા 105 લોકોનો સર્વે કરાયો હતો. સર્વેમાં જણાયું હતું કે હજારો લોકો જાતીય શોષણ, પરિવાર અને મિત્રોથી ફરજિયાત એકાંતવાસ, નાણાકીય શોષણ તેમજ આધુનિક ગુલામીના શિકાર બન્યા છે. ચેરિટીએ ઘરેલું સંબંધોમાં શોષણને અપરાધ ગણાવતા કાયદાને સુધારવા સરકારને વિનંતી કરી છે.
સર્વેમાં 17 ટકા પ્રતિભાવકોએ તેમના ગ્રૂપમાં બળાત્કાર કરાયાની ફરિયાદ કરી હતી જ્યારે 37 ટકાએ એનિચ્છિત શારીરિક સંપર્કનો અનુભવ થયાનું જણાવ્યું હતું. લગભગ 62 ટકાએ જણાવ્યું હતું કે તેમને નજીવું અથવા વેતન આપ્યા વિના કલાકો સુધી કામ કરાવાતું હતું જ્યારે 47 ટકાએ તેમના ગ્રૂપ્સમાં રોજગાર કાયદાઓનો ભંગ કરાતો હોવાનું કહ્યું હતું.
FST દ્વારા મત લેવાયેલા 105 લોકોમાંથી અડધોઅડધ ભારે અંકુશ ધરાવતા જૂથમાં જ જન્મ્યા હતા કે ત્યાં ઉછર્યા હતા જ્યારે બાકીના લોકોની પુખ્તાવસ્થામાં ભરતી કરાઈ હતી. ધર્મ અને રાજકારણથી માંડી અંગત વિકાસ અને કલ્યાણ પર આધારિત 36 સંપ્રદાયોના 91 ટકાએ તેઓ ધાર્મિક કે આધ્યાત્મિક સંપ્રદાયોનો હિસ્સો, 14 ટકા વ્યક્તિગત વિકાસ સંપ્રદાયનો જ્યારે 11 ટકાએ રાજકીય જૂથોનો હિસ્સો હોવાનું જણાવ્યું હતું.


