યુકેમાં ઈમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવા થેરેસા મે મક્કમ

Wednesday 10th May 2017 06:45 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મે બ્રિટનમાં વિદેશી વસાહતીઓની સંખ્યામાં હજારોનો ઘટાડો કરવાના અમલ માટે કૃતનિશ્ચયી છે. અગાઉ, કન્ઝર્વેટિવ પાર્ટીના ચૂંટણીઢંઢેરામાં વિદેશી વસાહતીઓની સંખ્યા ઘટાડીને એક લાખ સુધી લાવવાનું વચન અપાયું હતું. થેરેસા મેએ આ વચનનો અમલ કરવાની મક્કમતા સાથે જણાવ્યું હતું કે વિદેશી વસાહતીનું પ્રમાણ ઘટાડવાની બાબત મહત્ત્વની છે.

યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળ્યા પછી બ્રિટનને પોતાની સરહદો પર અંકુશ ધરાવવાની તક સાંપડશે અને યુરોપના અન્ય દેશોમાંથી આવતા ઈમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવા આવશ્યક કાયદા પણ ઘડી શકાશે. ગત વર્ષે જૂનમાં યોજાયેલા બ્રેક્ઝિટ રેફરન્ડમમાં પણ ઈમિગ્રેશન મુદ્દો મુખ્ય હતો.

જોકે, ૨૦૧૯ સુધી બ્રેક્ઝિટ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી કન્ઝર્વેટિવ સરકાર ભારત સહિત અન્ય બિનયુરોપીય દેશોમાંથી આવતા ઈમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવા કાયદા કડક બનાવે તેવી શક્યતા પણ છે. લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીએ શાસક પક્ષના વલણનો ઉગ્ર વિરોધ કરતા જણાવ્યું છે કે આના કારણે ભારત જેવા બિનયુરોપીય દેશો સાથે સંબંધો બગડશે.

માઈગ્રેશન વોચ અનુસાર બ્રિટન આવતા અને બ્રિટન છોડનારા વિદેશી વસાહતીઓ વચ્ચેનો તફાવત ૨,૭૩,૦૦૦નો છે. પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનના શાસનકાળમાં બ્રિટનમાં વિદેશી ઈમિગ્રન્ટ્સની સંખ્યા ૩,૩૦,૦૦૦ જેટલી થઈ ગઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter