લંડનઃ યુકેના ૯૦ લાખથી વધુ યુવાન અને વૃદ્ધજનોને લગતી એકલતા સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે વડા પ્રધાન થેરેસા મેએ બુધવાર, ૧૭ જાન્યુઆરીએ ટ્રેસી ક્રાઉચને ‘મિનિસ્ટર ફોર લોનલીનેસ’ની નિયુક્ત કર્યાં હતાં. આધુનિક યુગમાં અભિશાપ સમાન એકલવાયું જીવન જીવતાં લોકો દિવસો કે સપ્તાહો સુધી સમાજથી દૂર રહેતા હોય છે. આ પગલું દિવંગત લેબર સાંસદ જો કોક્સે જૂન ૨૦૧૬માં શરૂ કરેલા લોનલીનેસ સંબંધિત પ્રોજેક્ટનો એક ભાગ છે. જો કોક્સ કમિશને સરકારને આ મુદ્દે મિનિસ્ટરની નિયુક્તિ કરવા ભલામણ કરી હતી.
હાલમાં સ્પોર્ટ્સ અને સિવિલ સોસાયટીના મિનિસ્ટર તરીકે કાર્યરત ટ્રેસી ક્રાઉચને આ નવો લોનલીનેસ પોર્ટફોલિયો સોંપાયો છે, જેઓ લોનલીનેસ અંગેની સરકારી નીતિઓને કોઓર્ડિનેટ કરશે. વડા પ્રધાન થેરેસા મેએ કહ્યું હતું, ‘અસંખ્ય લોકો માટે એકલતા આજે દુ:ખદ વાસ્તવિકતા બની ગઈ છે. હું આપણા સમાજ માટે આ પડકાર ઉઠાવવા માગું છું અને વૃદ્ધો કે એકલવાયું જીવન જીવતા અન્ય લોકો માટે એકલતા દૂર કરવા માટેના પ્રયાસો હાથ ધરવા માગું છું.’
તબીબી નિષ્ણાતોએ ચેતવણી આપી જ છે કે સામાજિક એકલતા રોગચાળાની જેમ વધી રહી છે અને તેના શારીરિક, માનસિક અને લાગણીકીય પરિણામો આવી શકે છે. એકલતાના પરિણામે હૃદયરોગો, ડાયાબિટીસ અને કેન્સર સહિતના રોગોનું જોખમ વધી જાય છે. સ્ટાફમાં એકલતા સતાવતી હોય તેવા કર્મચારીઓના લીધે એમ્પ્લોયર્સને વાર્ષિક અંદાજે ૨.૫ બિલિયન પાઉન્ડનું નુકસાન સહન કરવું પડે છે. સરકારી સંશોધન અનુસાર દેશના ૨૦૦,૦૦૦ વૃદ્ધ લોકો મહિના સુધી મિત્ર અથવા સગાંસંબંધી સાથે વાતચીત કરી શકતા નથી.


