યુકેમાં કોરોનાઃ ભારતીયો, બાંગલાદેશી અને પાકિસ્તાનીઓ પર તોળાતું વધુ જોખમ

Thursday 14th May 2020 01:54 EDT
 
 

લંડનઃ યુકેમા અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી પ્રજાનું નોંધપાત્ર પ્રમાણ છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના વિશ્લેષણ અનુસાર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શ્વેત લોકોની સરખામણીએ કોરોના વાઈરસના સંક્રમણથી અશ્વેત લોકોના મોત થવાની આશંકા બમણી છે. આ અસમાનતા વય, લોકોના રહેવાની જગા, સંશાધનોની અછત તેમજ અગાઉની આરોગ્યલક્ષી સમસ્યાઓના આધારે જોવા મળી છે. યુકેમાં ભારતીય, પાકિસ્તાની અને બાંગલાદેશી વસ્તી પણ કોરોનાથી મૃત્યુનું વધારે જોખમ ધરાવતા સમુદાયોમાં સામેલ છે. ONS દ્વારા જનગણના એને ૧૭ એપ્રિલ સુધીના મોતના રેકોર્ડ્ઝના ઉપયોગ થકી વયજૂથ, જાતિ, અને વંશીય જૂથના આધારે મૃત્યુનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

કોવિડ-૧૯ના કારણે થયેલા મૃત્યુ સંદર્ભે ONSના વિશ્લેષણમાં ૨૦૧૧ની જનગણનામાં લોકોની રાષ્ટ્રીયતા સંબંધિત માહિતીનો પણ સમાવેશ કરાયો છે. લોકોની વય, રહેવાના સ્થળ, સંશાધનોની અછત તેમજ અગાઉની આરોગ્યલક્ષી સમસ્યાઓને ધ્યાનમાં લેતા જણાયું છે કે ગોરી પ્રજાની તુલનાએ અશ્વેત લોકોમાં કોવિડ-૧૯થી મોતનું જોખમ ૯૦ ટકા છે. ભારતીય, બાંગલાદેશી અને પાકિસ્તાનીઓ માટે આ જોખમ ૩૦ ટકાથી ૮૦ ટકા સુધી છે.

ગુરુવાર, ૭ મેએ પ્રસિદ્ધ નવા એનાલિસિસમાં જણાવાયું છે કે યુકેમાં ભારતીય અને અન્ય બિનગોરા સમૂહોમાં કોવિડ ૧૯થી મોતની સંભાવના ગોરા લોકોની સરખામણીએ થોડી વધુ છે. શ્વેતવંશી પુરુષ અને સ્ત્રીની સરખામણીએ ભારતીય અને અન્ય બિનગોરા પુરુષ કોવિડ-૧૯થી મૃત્યુ પામવાની શક્યતા ૪.૨ ગણી અને બિનગોરી સ્ત્રીના મોતની શક્યતા ૪.૩ ગણી રહે છે.

સામાજિક અને આર્થિક કારણો પણ મહત્ત્વપૂર્ણ

ONSનું વિશ્લેષણ એમ પણ કહે છે કે જોખમના કેટલાક કારણ સામાજિક અથવા આર્થિક પણ હોઈ શકે છે, જેનો સમાવેશ આ ડેટામાં કરાયો નથી. કેટલીક રાષ્ટ્રીયતાના સમુદાયોમાં સાર્વજનિક લોકો સાથે સંપર્ક વધારે રહે તેવા કામોમાં વધુ પ્રતિનિધિત્વ રહેતું હોય છે. આવા કામકાજ દરમિયાન તેમના માટે સંક્રમણનું જોખમ વધારે જ હોય. કોરોના વાઈરસનું જોખમ તેમજ લોકોના કામકાજની વચ્ચે સંબંધ શોધવાની ONSની યોજના છે. અગાઉની સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિતિઓ અને લોકેશન્સ જેવા અન્ય પરિબળો ધારણામાં લીધા વિના આ વિશ્લેષણ મુજબ કોરોના વાઈરસ સાથે સંપર્કમાં આવ્યા પછી અશ્વેતોના મોતની આશંકા ચાર ગણી સંભવ છે. જોસેફ રાઊન્ટ્રી ફાઉન્ડેશનની એક્ટિંગ ડાયરેક્ટર હેલન બર્નાર્ડ કહે છે કે અશ્વેત, એશિયાઈ અને વંશીય લઘુમતી બેકગ્રાઉન્ડના વર્કર્સ ભીડભાડવાળા ઘરોમાં રહેતા હોવાની શક્યતા વધુ છે અને તેના લીધે તેમના પરિવારોમાં કોરોના વાઈરસ ફેલાવાનું જોખમ પણ પેદા થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે યુકેમાં ઓછાં વેતન, અસુરક્ષિત નોકરીઓ અને ઝડપથી વધતા નિભાવખર્ચના કારણે આ સંકટ વધુ ઘેરું બન્યું છે.

આંકડા ગેરમાર્ગે દોરનારા છે?

નોટિંગહામ યુનિવર્સિટીના ઈન્ફેક્સિયસ ડિસીઝમાં પેન્ડેમિક સાયન્સના એમિરેટસ પ્રોફેસર કિથ નીલ કહે છે કે આ આંકડા ગેરમાર્ગે દોરનારા છે. તેમણે કહ્યું હતું કે આ સમૂહો કોરોના વાઈરસના વધુ કેસીસ હોય તેવા વિસ્તારોમાં રહે છે કે કેમ તેવા તથ્યોનો સમાવેશ કર્યા વિના જોખમનું અંતર વાસ્તવિકતાથી વધુ જણાઈ શકે છે. આ બાબતો સામેલ કર્યા પછી બિનગોરા લોકોનો મૃત્યુદર ગોરા લોકોની તુલનાએ ૧,૯ ગણો વધારે નીકળ્યો હતો. બાંગલાદેશી અને પાકિસ્તાની પુરુષો અને મહિલાઓ માટે આ જોખમ ૧.૮ ગણુ હતું જ્યારે આ સમુદાયોમાં મહિલાઓ માટે જોખમ ૧.૬ ગણુ વધારે હતું.

બીબીસીના આંકડા નિષ્ણાત રોબર્ટ કફ જણાવે છે કે આ વિશ્લેષણ જોખમોના કારણોને સારી રીતે સમજાવી શકતું નથી કારણકે તેમાં લોકોનું વર્તમાન આરોગ્ય, તેઓ ભીડવાળી જગ્યાઓમાં રહે છે, ફ્રન્ટલાઈન કામગીરીના લીધે વાયરસના સંપર્કમાં આવ્યા છે અથવા સમુદાયો વચ્ચે અંતર જેવા મુદ્દાઓ જેવી બાબતો તેમાં સામેલ કરાઈ નથી.

યુકેમાં ભારતીય મૂળની વસ્તી આશરે ૧.૫ મિલિયન જેટલી છે. ચાઈનીઝ અને ભારતવંશી લોકોમાં શિક્ષણનું પ્રમાણ સૌથી ઊંચું છે. બીજી તરફ, અશ્વેત તેમજ પાકિસ્તાની અને બાંગલાદેશી લોકોમાં બેરોજગારી સૌથી વધુ તથા વ્હાઈટ અને ભારતીય લોકોમાં સૌથી ઓછી છે. લંડનમાં અશ્વેત અને એશિયાઈ મૂળના કર્મચારીઓની વસ્તી કુલ વર્કિંગ વસ્તીના ૩૪ ટકા છે પરંતુ, તેમનો હિસ્સો ફૂડ રીટેલમાં ૫૪ ટકા, હેલ્થ અને સોશિયલ કેર સ્ટાફમાં ૪૮ ટકા અને ટ્રાન્સપોર્ટમાં કામ કરનારામાં ૪૪ ટકાનો છે.

યુનિવર્સિટી ઓફ લેસ્ટરમાં તબીબી નિષ્ણાત કમલેશ ખુંટી અનુસાર યુકેની વસ્તીમાં માત્ર ૧૪ ટકા હિસ્સો હોવાં છતાં, સ્ટેટેસ્ટિક્સમાં ભારતીયો અને અન્ય બિનગોરા લોકો વધુ જણાય છે તેના કારણોમાં મોટા ભાગના લોકો નીચલી આર્થિક-સામાજિક પશ્ચાદભૂમાંથી આવે છે, મુખ્યત્વે જનસંપર્કના વ્યવસાયોમાં કામ કરે છે, વિવિધ સાંસ્કૃતિક માન્યતા અને વર્તણૂક ધરાવે છે અથવા ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝ જેવા રોગોના ઊંચા જોખમમાં હોવાનો પણ સમાવેશ થાય છે.

NHS ઈંગ્લેન્ડના ૫ મે સુધીના રેકોર્ડ અનુસાર બ્રિટિશ ઈન્ડિયન તરીકે વર્ગીકૃત કરાયેલી ૬૧૪ વ્યક્તિના મોત કોરોનાના કારણે થયા છે, જે બિનગોરા લોકોમાં સૌથી વધુ છે. ભારતીય મૂળના મૃતકોમાં મેડિકલ સ્ટાફ પણ છે જેમાં, જિતેન્દ્ર કુમાર રાઠોડ, મિજિતસિંહ રિયાત, કૃષ્ણ અરોરા, રાજેસ કાલરિયા, પૂજા શર્મા, જયેશ પટેલ, વિવેક શર્મા, કમલેશ કુમાર માસોન, અમારન્ટે ડીઆસ, સોફી ફાગન, પમઝા પાછેરી અને અમરિક બામોતરાનો સમાવેશ થાય છે.

ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયર કેરની પ્રવક્તાએ જણાવ્યું છે કે વિભાગે રાષ્ટ્રીયતા, મેદસ્વીતા, લોકેશન અને અન્ય પરિબળોનો આધાર લઈ વાઈરસની અસર તપાસવા પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડને જણાવ્યું છે. સૌથી વધુ જોખમ ધરાવતા સમૂહો વિશે જાણવું અતિ આવશ્યક છે જેનાથી, તેમને બચાવવા અને જોખમનું પ્રમાણ ઘટાડવાના પગલાં લઈ શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter