લંડનઃ યુરોપમાં કોરોના વાઈરસથી મૃત્યુની બાબતે યુકે ૩૦,૦૦૦થી વધુ મૃત્યુ સાથે પ્રથમ ક્રમે પહોંચી ગયું છે અને વિશ્વમાં અમેરિકા પછી તેનો બીજો ક્રમ છે. ઈટાલીમાં વાઈરસ માટે પોઝિટિવ જાહેર અને મોતનો શિકાર બનેલાનો છેલ્લો મૃત્યુઆંક ૨૯,૯૫૮ હતો. યુકેના આ મૃત્યુઆંક ૩૦,૬૧૫માં હોસ્પિટલ્સ, કેર હોમ્સ અને કોમ્યુનિટીમાં અન્યત્ર થયેલા મોતનો સમાવેશ કરાયો છે, જેની જાહેરાત હાઉસિંગ સેક્રેટરી રોબર્ટ જેનરિકે કરી છે. વિશ્વભરમાં ૩.૯ મિલિયનથી વધુ લોકો કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત થયા છે અને કુલ મૃત્યુઆંક ૨૭૦,૦૦૦થી પણ વધુ છે.
કોરોના વાઈરસથી મૃત્યુની બાબતે વિશ્વમાં બીજો ક્રમ થવાં છતાં, પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના મેડિકલ ડાયરેક્ટર પ્રોફેસર યુવોન ડોયલે જણાવ્યું હતું કે અન્ય દેશોના આંકડા સાથે યુકેની સરખામણી કરવી ઘણી વહેલી ગણાશે. હજુ સરખામણી માટે એકાદ વર્ષ લાગશે. તેમમે એમ પણ કહ્યું હતું કે કોવિડ-૧૯ના મોત અને હોસ્પિટલમાં રોગગ્રસ્ત પેશન્ટ્સની સંખ્યા ધીરે ધીરે ઓછી થઈ રહી છે. હાઉસિંગ સેક્રેટરી જેનરિકે પણ ભારપૂર્વક કહ્યું હતું કે આંતરાષ્ટ્રીય સરખામણી કરવાનું વહેલું છે. વર્તમાનમાં ચોકસાઈ સાથે ગણતરી મુશ્કેલ છે.
બીજી તરફ, સમગ્ર યુકેમાં કોવિડ-૧૯ને સાંકળતા કુલ મૃત્યુની સંખ્યા આનાથી વધુ એટલે કે ૩૨,૮૯૮ હોવાનું કહેવાય છે જેમાં, ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨ મે સુધી રજિસ્ટર્ડ થયેલાં ૨૯,૭૧૦ મોતનો સમાવેશ થાય છે. NHS ઈંગ્લેન્ડના હંગામી આંકડા મુજબ ૩ અને ૫ મેના ગાળામાં કોવિડ-૧૯ માટે પોઝિટિવ ગણાવાયેલા ૪૫૦ હોસ્પિટલ પેશન્ટ્સ તેમજ કુલ રજિસ્ટર્ડ મૃત્યુને સાથે ગણતા યુકે માટે કુલ મૃત્યુઆંક ૩૩,૦૦૦ને પાર જતો રહ્યો છે.