લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને યુકેમાં ક્રિસમસ સુધીમાં જીવન નોર્મલ થઈ જશે તેવી આશા વ્યક્ત કરવા સાથે કોરોના લોકડાઉન નિયમો વધુ હળવા બનાવતી જાહેરાતો કરી છે. તેમણે કહ્યું હતું કે ઓગસ્ટ મહિનાના અંતે ‘વર્ક ફ્રોમ હોમ’ સલાહનો પણ અંત આવશે તેમજ ઓક્ટોબરમાં ફૂટબોલ સ્ટેડિયમ્સ અને ગિગ્સ પણ કદાચ ખોલી દેવાશે. જોકે, યુકેએ કોવિડ-૧૯ના બીજા મોજાં માટે તૈયાર રહેવું જોઈએ તેની ચેતવણી સાથે કેસીસમાં ઉછાળો આવે તો તત્કાળ લોકડાઉન લાદવા સ્થાનિક કાઉન્સિલને સત્તા પણ આપવામાં આવી છે. તેમણે પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગ પરના નિયંત્રણો પણ ઉઠાવી લીધા હતા.
ઓગસ્ટથી વર્ક ફ્રોમ હોમનો અંત
વડા પ્રધાને ડાઉનિંગ સ્ટ્રીટ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વધુ વર્કર્સ ઓગસ્ટમાં ઓફિસોમાં કામે જતા થાય તેમ તેઓ ઈચ્છે છે. તેમણે કહ્યું હતું કે વર્કર્સને ઘેર રહી કામ કરવાનું બંધ કરવા પ્રોત્સાહિત કરાશે. વધુ અને વધુ કર્મચારીઓ ઓફિસમાં રહીને કામ કરશે તેવી આશા સાથે સરકાર નવી ગાઈડલાઈન્સ જાહેર કરશે. ચીફ સાયન્ટિફિક એડવાઈઝર સર પેટ્રિક વોલેન્સે શક્ય હોય ત્યાં સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ નીતિમાં કોઈ ફેરફારની જરુર ન હોવાની ચેતવણી આપી હતી. જોકે, વડા પ્રધાને તેમની સલાહ અવગણી ‘વર્ક ફ્રોમ હોમ’ ગાઈડન્સ હળવું બનાવ્યું છે. તેમણે કહ્યું હતું કે એમ્પ્લોયર્સે તેમની કંપની કેવી રીતે ચલાવવી અને તેઓ પોતાનો વર્કફોર્સ ઓફિસમાં ઈચ્છે છે કે નહિ તે સરકારને નક્કી કરવાનું નથી. આનો નિર્ણય કંપનીઓ કરશે. કર્મચારીઓની શારીરિક હાજરીથી ટાઉન અને સિટી સેન્ટર્સને આર્થિક સહારો મળશે. જોકે, વર્કર્સે તત્કાળ ઓફિસોએ હાજર થવું કે નહિ તેનો નિર્ણય કંપનીઓ પર છોડાતા યુનિયનોએ આક્ષેપ લગાવ્યો હતો કે વડા પ્રધાન તેમની જવાબદારી બીજાના માથે ઢોળવા પ્રયાસ કર્યો છે. બિઝનેસ ગ્રૂપ્સનું કહેવું છે કે તેઓ કોઈ નિર્ણય લે તે પહેલા મિનિસ્ટર્સ દ્વારા સ્પષ્ટ માર્ગદર્શન જરુરી છે.
ક્રિસમસ સુધીમાં જીવન સામાન્ય થશે
વડા પ્રધાને દેશમાં ક્રિસમસ સુધીમાં જનજીવન સામાન્ય થઈ જશે તેવો આશાવાદ પ્રગટ કર્યો છે. આ માટે આગામી મહિનાઓમાં બાકી રહેલા લોકડાઉન નિયંત્રણોની સમીક્ષા કરાશે જેથી નવેમ્બરમાં નોંધપાત્રપણે સામાન્ય પરિસ્થિતિ તરફ જઈ શકાય. તેમણે કહ્યું હતું કે સરકાર ઓટમમાં સ્ટેડિયમ્સ ફરી ખોલવાનું લક્ષ્ય ધરાવે છે તેમજ ઓક્ટોબરમાં ઓડિયન્સ ફૂટબોલ મેચીસ અને બહારના કાર્યક્રમો માણી શકે તેમ કરાશે. જોકે, વડા પ્રધાને ભારપૂર્વક કહ્યું હતું કે આ બધા સૂચિત ફેરફારો ત્યારે જ લાગુ કરી શકાશે જ્યારે કોરોના વાઈરસના ફેલાવાનો દર ઘટતો જાય. જો સંક્રમણમાં વધારો થતો જણાશે તો કોઈ પણ તબક્કે બ્રેક લગાવવા તેઓ ખચકાશે નહિ.
લંડન સિટી હોલ ૩૦ જુલાઈથી ખુલશે
દેશભરમાં કોવિડ-૧૯ નિયંત્રણો હળવાં થઈ રહ્યાં છે ત્યારે લંડનના મેયર સાદિક ખાને આ મહિનાના અંતથી સિટી હોલ ખોલવા શરુઆત કરાશે તેમ કહ્યું છે. મેયરના ટાવર બ્રિજ સંકુલ ખાતે ૩૦ જુલાઈ ગુરુવારથી થોડો સ્ટાફ કામે આવશે. જો, પબ્લિક માટે બિલ્ડિંગ બંધ રખાશે. લોકડાઉન દરમિયાન મેયર ખાન અને સિટી હોલનો સ્ટાફ ઘેર રહી કામ કરતા હતા. લંડન એસેમ્બલી, ટ્રાન્સપોર્ટ ફોર લંડન બોર્ડ તેમજ અન્ય બેઠકો પણ માઈક્રોસોફ્ટ ટીમ્સ મારફત વર્ચ્યુઅલ યોજાતી હતી. સિટી હોલમાં ૧૦૦૦થી વધુ કર્માચારી છે પરંતુ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકાય તે માટે માત્ર ૨૦૦ જેટલા કર્મચારીથી કામકાજ શરુ કરાશે. ઓગસ્ટ મહિનાના તે સમીક્ષા પછી આગળ નિર્ણય લેવાશે.
લંડનના મેયર સાદિક ખાને ‘વર્ક ફ્રોમ હોમ’ ગાઈડન્સ હળવું બનાવાયા મુદ્દે કહ્યું હતું કે આનાથી ઘણા લંડનવાસીને સલામતી મુદ્દે અચોક્કસતા જણાશે. તેમમે કહ્યું હતું કે,‘દેશ અને અર્થતંત્ર આગળ વધે તે જરુરી છે પરંતુ, લોકો ગાઈડન્સને અનુસરે અને વાઈરસ કાબુમાં રખાય તો જ આ શક્ય બનશે. મારે લંડનવાસીઓને કહેવાનું છે કે જો સલામત જણાય તો જ વર્કપ્લેસ પર જશો. શક્ય હોય તો ચાલતા કે સાઈકલ પર જશો. ભીડના સમયે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ટાળશો.
વધુ એક રાષ્ટ્રવ્યાપી શટડાઉન કરવું ન પડે તે આશયથી વડા પ્રધાન જ્હોન્સને ૧૮ જુલાઈ શનિવારથી ઈંગ્લેન્ડની સ્થાનિક ઓથોરિટીઝને ચોક્કસ પ્રીમાઈસીસ, આઉટડોર સ્પેસીસ બંધ કરવા તેમજ ઈવેન્ટ્સ રદ કરવા વિશેષ સત્તાઓ આપી છે. મિનિસ્ટર્સ લોકોને ઘેર રહેવા તેમજ પ્રવાસ નિયંત્રણો લાદવા સહિત સ્થાનિક લોકડાઉનની નવી સત્તાનો ઉપયોગ કરી શકશે.
વડા પ્રધાને ઈંગ્લેન્ડમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ટાળવાની સલાહ પણ રદ કરી છે. કોઈ પણ વ્યક્તિ બસ, ટ્યૂબ અને ટ્રેનનો ઉપયોગ કરી શકશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ હવે આખરી ઉપાય તરીકે નહિ ગણાય.
NHS માટે £૩ બિલિયનનું વધુ ભંડોળ
શિયાળામાં કોરોના વાઈરસનું બીજું આક્રમણ થઈ શકે તેવી ચેતવણીઓ મધ્યે યુકેએ તેના માટે તૈયાર રહેવું જોઈએ તેના પર ભાર મૂકવા સાથે વડા પ્રધાને NHS માટે ૩ બિલિયન પાઉન્ડના વધુ ભંડોળની જાહેરાત કરી છે. કોવિડ-૧૯ રોગચાળાને કાબુમાં લેવામાં ટેસ્ટ એન્ડ ટ્રેસ પ્રોગ્રામની ભૂમિકા વધુ મહત્ત્વની રહેશે. તેમણે ખાતરી આપી હતી કે ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં યુકેની દૈનિક કોરોના વાઈરસ ટેસ્ટિંગ ક્ષમતા વધારીને ૫૦૦,૦૦૦ સુધી લઈ જવાશે.
૧લી ઓગસ્ટથી શું ખુલશે, શું નહિ?
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કોરોના વાઈરસ લોકડાઉનના નિયંત્રણો વધુ હળવા બનાવી વધુ ઈન્ડસ્ટ્રીઝને ફરી ખોલવાનો માર્ગ મોકળો કર્યો છે. તેમણે કહ્યું હતું કે ઘરે રહીને કામ કરવાના બદલે ઓફિસમાં કામ કરવાનું સલામત રહેશે કે કેમ તેના વિશે એમ્પ્લોયર્સે વર્કર્સ સાથે ચર્ચા કરવાની રહેશે.
શું ફરીથી ખુલશેઃ •બ્યૂટિશિયન્સ • બોલિંગ એલીઝ • કેસિનોઝ • લાઈવ ઓડિયન્સ સાથે ઈનડોર પરફોર્મન્સ • લેઈઝર સેન્ટર્સ • સ્કેટિંગ રિન્ક્સ • સ્પોર્ટ્સ સ્ટેડિયમો માટે ટ્રાયલ શરુ • ૩૦ મહેમાન સાથે વેડિંગ રિસેપ્શન્સ • શેફિલ્ડમાં ૩૧ જુલાઈની વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપ અને ૧લી ઓગસ્ટથી ગ્લોરિયસ ગૂડવૂડ હોર્સ રેસિંગ ફેસ્ટિવલ શરુ કરવાની ટ્રાયલનો સમાવેશ
હજુ શું બંધ રહેશેઃ • નાઈટ ક્લબ્સ • સોફ્ટ પ્લે એરિયાઝ હાલ પૂરતા બંધ રહેશે અને તે ક્યારે ખોલાશે તેનો કોઈ સંકેત આપવામેં આવ્યો નથી.