યુકેમાં જીવનપદ્ધતિમાં ભારે બદલાવઃ ૫૦ વર્ષમાં ડાઈવોર્સ દસ ગણા વધ્યાં!

Wednesday 18th August 2021 07:30 EDT
 
 

લંડનઃ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના આંકડા મુજબ ૧૯૬૧થી ડાઈવોર્સના દરમાં ૧૦ ગણો વધારો થયો છે અને લગ્ન કરવાની સંખ્યા ઘટી રહી છે. અડધી સદીમાં બ્રિટનમાં જિંદગી ક્વી રીતે બદલાઈ છે તેના રિપોર્ટમાં જણાવાયું છે કે લોકો હવે મોડાં લગ્ન કરે છે, ઓછી ભીડ ધરાવતા ઘરમાં રહે છે અને પોતાના જ ઘરમાં રહે તેવી શક્યતા વધી છે.

ONS દ્વારા લગ્નદર, જીવવાના સંજોગો કે સ્થિતિ અને મકાનની માલિકીના દર જાણવા સેન્સસના ડેટાનો ઉપયોગ કરાયો છે. આમાં જાણવા મળ્યું છે કે લોકો હવે જીવનમાં મોડાં લગ્ન કરવાનું, ઓછી ભીડમાં રહેવાનું અને મકાન પોતાનું જ હોય તેને વધુ પસંદ કરે છે.

૧૬ અને તેથી વધુ વયના બહુમતી લોકો-૬૮ ટકાએ ૧૯૬૧માં લગ્ન કર્યા હતા. આ દર ૨૦૧૧માં ઘટીને ૪૯ ટકા થઈ ગયો હતો. જોકે, ડાઈવોર્સના કાયદા હળવા બનવા સાથે ડાઈવોર્સમાં પરિણમેલા લગ્નનું પ્રમાણ ૧૦ ગણુ વધ્યું હતું. ૧૯૬૦ના દશકામાં ડાઈવોર્સ દર માત્ર ૦.૦૨ ટકા હતો તે ૨૦૧૧માં વધીને ૯ ટકાએ પહોંચ્યો હતો. ડાઈવોર્સનો દર સ્થિરપણે વધતો રહ્યો હતો પરંતુ, ૨૦૦૩ પછી લોકો મોડાં અને ઓછી સંખ્યામાં પરણવાથી દર ઘટતો ગયો હતો. મોટી ઉંમરે લગ્નો તૂટવાની શક્યતા ઓછી રહે છે.

દેશના લગભગ તમામ વિસ્તારોમાં લગ્નના દર ઘટ્યા હતા પરંતુ, ૧૯૬૧-૨૦૧૧ના ગાળામાં છ લોકલ ઓથોરિટીઝમાં લગ્નો વધ્યાં હતાં. નોર્થવેસ્ટના ક્લીથેરો ટાઉનમાં લગ્ન કરનારા લોકોની સંખ્યામાં દર સેન્સસમાં ૮ અને બ્લેકબર્ન રૂરલ ડિસ્ટ્રિક્ટમાં ૪ પરસન્ટેજ પોઈન્ટનો વધારો થયો હતો.

ONSના સંશોધકોએ લોકો દ્વારા જિંદગી કેવી રીતે જીવાય છે અને તેમના ઘરની પરિસ્થિતિઓમાં શું પરિવર્તનો આવ્યાં છે તેના પર પણ નજર નાંખી હતી. ૧૯૬૦ના દાયકામાં મકાનની માલિકીનું પ્રમાણ ઘણું ઓછું હતું. ૧૯૬૧માં વેલ્સ અને ઈંગ્લેન્ડના ૪૨ ટકા લોકો પોતાનું ઘર ધરાવતા હતા, ૨૮ ટકા પરિવાર ખાનગી ભાડાંના મકાનોમાં રહેતા હતા અને ૨૪ ટકા લોકો લોકલ ઓથોરિટીના મકાનોમાં ભાડેથી રહેતા હતા. ૧૯૮૦ના દાયકામાં ‘રાઈટ ટુ બાય’ પોલિસી આવતા કાઉન્સિલના ભાડૂતો તેમના ભાડાંના મકાનો ખરીદવા સક્ષમ બન્યા હતા. આની સરખામણીએ, ૨૦૧૧માં હોમ ઓનરશિપનું પ્રમાણ વધીને ૬૪ ટકા થયું હતું. આમ છતાં, લંડનમાં મકાનની માલિકી સૌથી ઓછી હતી. ૧૯૬૦ના દાયકામાં ૭ ટકા ઘરની અંદર ટોઈલેટ્સ ન હતા. જોકે, નોરફોકમાં મિટફોર્ડ અને લૌન્ડિચ જેવા કેટલાંક વિસ્તારોમાં અડધાથી વધુ ઘરમાં ઈનડોર લેવેટરીઝ રખાતી ન હતી. વેલ્સ તેમજ ઈસ્ટ ઈંગ્લેન્ડના કેટલાક વિસ્તારોમાં બહુમતી ઘરમાં ગંદા પાણીના નિકાલના પ્લમ્બિંગ સાથેના ફિક્સ્ડ બાથ ન હતા.

અત્યારે લોકો ઓછી વ્યક્તિઓની હાજરીના ઘરમાં રહે છે. લગભગ દરેક લોકલ એરિયામાં એક રુમમાં એક અથવા ઓછી વ્યક્તિ રહેતી હોય તેવા ઘર-પરિવારની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે. અલગ અલગ રહેવાના કારણે પણ ડાઈવોર્સના દરમાં વધારો થયો હોવાનું મનાય છે. નવા હાઉસિંગના કારણે ઘણી પેઢીઓ સાથે રહેતી હોય તેવા ઘરની જરૂરિયાત પણ ઘટી છે. લોકોના સંતાનોની સંખ્યા પણ ઓછી રહે છે અને વૃદ્ધ લોકો પારિવારિક ઘરમાં રહેતા નથી. લંડનના ઈસ્ટ હામ, લેટોન અને સાઉથોલ જેવા બરોઝમાં ૧૯૬૧ની સરખામણીએ રુમદીઠ ૧ અને ૧.૫ વ્યક્તિ રહેતી હોય તેવા પરિવારની સંખ્યામાં ઘણો વધારો થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter