લંડનઃ યુકેના યુવા વર્ગે સાંસદો સમક્ષ રજૂઆત કરી છે કે યુવાનોમાં હિંસાની વધતી સમસ્યાને ડામવા માટે ટીનેજર્સને સોશિયલ મીડિયા માટે પ્રતિબંધિત કરવાનું વ્યવહારુ કે અસરકારક નહિ રહે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ટેક કંપનીઓએ તેના વપરાશકારોને હિંસક અને અયોગ્ય કન્ટેન્ટથી રક્ષણ આપવા વિશેષ પગલાં લેવાં જોઈએ. ટેક કંપનીઓને વધુ જવાબદાર બનાવવાની જરૂર છે.
યુકે યુથ પાર્લામેન્ટની યુથ સિલેક્ટ કમિટીએ સોશિયલ મીડિયા અને યુવાહિંસા વચ્ચેની કડીઓને ચકાસતા તેના રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નીચેના ટીનેજર્સ માટે સોશિયલ મીડિયા પ્રતિબંધને અમલી બનાવ્યો છે છતાં, સોશિયલ મીડિયા કંપનીઓને હિંસાત્મક અને અયોગ્ય કન્ટેન્ટ પીરસતા અટકાવવા નિયમનોને મજબૂત બનાવવા એ બહેતર ઉપાય બની રહેશે. રિપોર્ટમાં જણાવાયું હતું કે વિશ્વમાંથી ઘણું શીખવા અને સંપર્કો બનાવવા સહિત ઓનલાઈન રહેવાના પણ ઘણા લાભ છે તેમજ વય પ્રતિબંધને નકામો બનાવવાનું કાર્ય ઘણું સરળ છે.
કમિટીના સભ્યો 14-19 વયજૂથના છે અને યુકેના ટીનેજર્સ તથા નિષ્ણાતો પાસેથી લેખિત પુરાવાની ચકાસણી કરી હતી. કમિટીએ યુવા વર્ગને અસર કરતી તમામ નીતિનિર્ણયોમાં તેમને સાંકળવા અને ઓફકોમ પર યુથ એડવાઈઝરી પેનલ દાખલ કરવા સરકારને અનુરોધ કર્યો હતો. રિપોર્ટમાં 13-17 વયજૂથના 10,000 યુવા લોકો દ્વારા યુથ એન્ડાઉમેન્ટ ફંડ (YEF)ના 2024ના સરવેનો ઉલ્લેખ કરાયો હતો જે અનુસાર ગત 12 મહિનામાં 70 ટકાએ સોશિયલ મીડિયા પર કોઈ પ્રકારની હિંસાનો સામનો કર્યો હતો.