લંડનઃ નીઓ નાઝી ગ્રૂપનો ટીનએજ લીડર યુકેમાં ત્રાસવાદી કૃત્ય આચરનારો સૌથી નાની વયનો વ્યક્તિ બન્યો છે. ઓલ્ડ બેઈલી કોર્ટના જજ માર્ક ડેનિસ QCએ ૮ ફેબ્રુઆરી સોમવારે તરુણને કસ્ટડીમાં નહિ સોંપીને બે વર્ષના રિહેબિલેટેશન ઓર્ડર જારી કર્યો હતો. જજે કહ્યું હતું કે કસ્ટોડિયલ સજા આપવાથી તેની પુનર્વસનની કામગીરી નકામી બની જશે. તેમમે તરુણના પસ્તાવાની પણ નોંધ લેવા સાથે કહ્યું હતું કે તે અન્યોના પ્રભાવ હેઠળ આવી જાય તેવો છે.
કાયદા અનુસાર નામ જાહેર ન કરી શકાય તેવા કોર્નવોલના આ તરુણે ૧૩ વર્ષની વયથી અપરાધની દુનિયામાં સફર શરુ કરી હતી. તેને પહેલી ફેબ્રુઆરી સોમવારે વીડિયોલિન્કથી ઓલ્ડ બેઈલી કોર્ટમાં હાજર કરાયો હતો. તેણે ત્રાસવાદ સંબંધિત સાહિત્ય મેળવવા સહિતના ૧૩ ગુના કબૂલ કર્યા હતા.
કોર્ટ સમક્ષ જણાવાયું હતું કે હાલ ૧૬ વર્ષની વયે તે પ્રતિબંધિત નીઓ નાઝી ત્રાસવાદી સંગઠન Feuerkrieg Division (FKD)ની બ્રિટિશ શાખાનો વડો છે. તેણે ૧૩ વર્ષની વયે બોમ્બ બનાવવાનું મેન્યુઅલ ડાઉનલોડ કરવા ઉપરાંત, ત્રાસવાદી સાહિત્ય એકત્ર કરવા માંડ્યું હતું. આ જ ઉંમરે તે નીઓ નાઝી ફાસિસ્ટ ફોર્જ ગ્રૂપમાં જોડાયો હતો અને ૧૪મા વર્ષે ઓનલાઈન ચેટરુમ્સમાં કટ્ટર જમણેરી વિચારધારા ફેલાવામાં સામેલ થયો હતો.
આરોપી તરુણે FKD GB ની સ્થાપના કરી હતી અને ઓનલાઈન પ્લેટફોર્મ પર રગ્બીના ૧૭ વર્ષીય પોલ ડૂનલેવી સહિત પાંચ બ્રિટિશ સભ્યોની ભરતી કરી હતી. પોલને ગયા વર્ષે ત્રાસવાદી કૃત્યોની તૈયારી કરવા બદલ એક વર્ષની જેલની સજા કરાઈ હતી.
તેણે ઓક્ટોબર ૨૦૧૮થી જુલાઈ ૨૦૧૯ના ગાળામાં યહુદીઓને ગેસથી ગુંગળાવી દેવા, સજાતીય પુરુષોને ફાંસીએ લટકાવી જાહેરમાં પ્રદર્શન કરવા સહિતના વિચારો આગળ ધર્યા હતા. તે કોઈ શસ્ત્ર બનાવી રહ્યો હોવાની માહિતી મળતા પોલીસે આ છોકરો રહેતો હતો ત્યાં તેની દાદીના ઘેર દરોડો પાડ્યો હતો. અહી કોઈ શસ્ત્ર મળ્યું નહિ પરંતુ, શસ્ત્રો બનાવવા વિશે સંખ્યાબંધ મેન્યુઅલ્સ, નાઝી ફ્લેગ અને નાઝી સ્લોગન્સ મળી આવ્યા હતા.

