લંડનઃ એક ચોંકાવનારા અહેવાલ મુજબ ગયા વર્ષે દર ૪૦ સેકંડે એક ઈયુ માઈગ્રન્ટ બ્રિટન આવ્યો હતો. સરકારે આ અહેવાલ દબાવવાનો પ્રયાસ કર્યો હતો. છ મહિનાની કાનૂની લડાઈ બાદ વ્હાઈટહોલના અહેવાલમાં બહાર આવ્યું હતું કે યુકે આવવા માટે ૮,૦૦,૦૦૦ ઈયુ નાગરિકોએ મુક્ત હેરફેરના નિયમોનો ઉપયોગ કર્યો હતો. હોમ એફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેન કિથ વાઝે આ સ્થિતિની આકરી ટીકા કરી હતી.
બ્રેક્ઝિટ ઝુંબેશ ચલાવતા ટોરી મિનિસ્ટરોએ જણાવ્યું હતું કે માઈગ્રન્ટ્સ પૈકી મોટાભાગના પૂર્વી યુરોપના હતા અને તેમના લીધે વેતન દરો ઘટવા સાથે જાહેર સેવાને પણ ભારે અસર થઈ હતી. નવા નેશનલ લિવિંગ વેજના પરિણામે ભવિષ્યમાં હજુ વધુ લોકો બ્રિટન આવશે.
બીબીસીના ભાવિ અંગે મોટી જાહેરાતના બહાના હેઠળ ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)નો રિપોર્ટ દબાવી દેવાના પ્રયાસ બદલ ડેવિડ કેમરન પર ટોરી સાંસદોએ જ પ્રહાર કર્યા હતા. ONSએ જણાવ્યું હતું કે ગયા વર્ષે આવેલા માઈગ્રન્ટ્સની સંખ્યાના સંબંધમાં ૮,૦૦,૦૦૦નો આંક ‘યોગ્ય’ છે, કારણ કે વર્ષ દરમિયાન કેટલાક માઈગ્રન્ટ્સ બ્રિટન છોડી પણ ગયા હશે. માહિતી જાહેર કરાવવા છ મહિનાની કાનૂની લડાઈ લડનારા જોનાધન પોર્ટેસે જણાવ્યું હતું કે ONSએ દર્શાવેલી સંખ્યા હજુ પણ ઓછી છે.


