યુકેમાં દાઉદની પ્રોપર્ટી જપ્ત થઈ શકે

Wednesday 17th May 2017 06:53 EDT
 
 

લંડનઃ ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધી દાઉદ ઈબ્રાહિમનો નિવાસ પાકિસ્તાનમાં છે પરંતુ, તેનો કાળો ધંધો વિશ્વભરમાં ફેલાયેલો છે. આના કારણે અલગ અલગ દેશોમાં તેની કરોડો રૂપિયાની સંપત્તિ પણ છે. ભારત સરકારે લંડન સહિતના સ્થળોએ દાઉદની અલગ અલગ કુલ ૧૫ સંપત્તિ હોવાના પૂરાવા બ્રિટિશ સરકારને આપ્યા છે. દાઉદ મોસ્ટ વોન્ટેડ હોવાથી તેની સંપત્તિ જપ્ત કરવાની માગણી ભારતે કરતા બધી જ સંપત્તિ જપ્ત કરી લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

અગાઉ દુબઈમાં દાઉદની કરોડો રૂપિયાની સંપત્તિ દુબઈમાં જપ્ત થયાના અહેવાલો આવ્યા હતા.

ભારતીય ગૃહ મંત્રાલયે જરૂરી માહિતી આપવાનું શરૂ કર્યું છે. જેના આધારે બ્રિટિશ સરકાર પગલાં ભરશે. ડાર્ટફોર્ડ, કેન્ટ, સસેક્સ, વોરવિક્સની હોટેલ અને લંડનમાં આલિશાન બંગલો સહિત કુલ ૧૫ પ્રોપર્ટી દાઉદના નામે કે તેના મળતિયાઓના નામે બોલે છે. કહેવાય છે કે દાઉદના નામે એક ફાઈવ સ્ટાર હોટેલ ઉપરાંત, ઘણા પોશ વિસ્તારમાં અત્યાધુનિક બંગલાની માલિકી ધરાવે છે.

પાક.માં છૂપાયેલા દાઉદના ઘેરવા ભારતે વિવિધ વ્યૂહરચના તૈયાર કરી હોવાનો દાવો પણ થઈ રહ્યો છે. અત્યારે સંપત્તિ જપ્ત કરી દાઉદને મુશ્કેલીમાં મુકવાના આયોજન પછી દાઉદ પર રાજદ્વારી ભીંસ કસવામાં આવશે. બ્રિટનમાં લંડનના વિવિધ પોશ વિસ્તારોમાં દુકાનો, મકાન અને જમીનો ઉપરાંત, એસેક્સ, સિંગવેલ, ડાર્ટફર્ડ હોટેલ- ડાર્ટફર્ડ, આઈફર્ડ, રાયસ્લીપ, હેનોલ્ટ ખાતે પણ દાઉદની પ્રોપર્ટી હોવાનું કહેવાય છે.




to the free, weekly Gujarat Samachar email newsletter