લંડનઃ બીબીસી દ્વારા કરાયેલી તપાસમાં ગત પાંચ વર્ષના ગાળામાં યુકેમાં ભારતીયો સહિત એશિયનો પાસેથી ૧૪૧.૩ મિલિયનની કિંમતના સોનાના ઝવેરાત-દાગીનાની ચોરી થયાનું બહાર આવ્યું છે. બ્રિટિશ એશિયન પરિવારોમાં લગ્નની ભેટ તરીકે સોનાની જ્વેલરી આપવાનો રિવાજ પેઢીઓથી ચાલતો આવ્યો છે. યુકેમાં પોલીસે આપેલા આંકડા મુજબ ગત ૨૦૧૩થી ૨૦૧૮ની વચ્ચે આશરે ૨૮,૦૦૦ ચોરીના કેસ નોંધાયા છે, જેમાં મોટાભાગના પીડિતો ભારતીય મૂળના જ હતા.
બ્રિટનસ્થિત ભારતીય મૂળના લોકોની ઊંઘ છેલ્લા કેટલાક વર્ષોથી ઉડી ગઇ છે, કારણકે ભારતીય પરિવારો ચોરોના નિશાન પર છે. આ પરિવારો સોનું ઘરમાં રાખતા હોવાથી ચોરોની પ્રથમ પસંદગી તેમના પર જ ઉતરે છે. ૨૩ વિસ્તારોના પોલીસ દળોએ આપેલી માહિતી અનુસાર ગ્રેટર લંડનમાં સૌથી વધુ ૧૧૫.૬ મિલિયનના મૂલ્યની અને તે પછી ગ્રેટર માન્ચેસ્ટરમાં ૯.૬ મિલિયનની સોનાની જ્વેલરી ચોરાઈ છે.
પશ્ચિમ લંડનના સાઉથહોલમાં સોનાના એશિયન વેપારી સંજયકુમારનું કહેવું છે કે ભારતીયો માટે સોનાની ખરીદી રોકાણ હોવાની સાથોસાથ શુભ પણ ગણાય છે. તેઓ પોતાની બચતનું રોકાણ મુખ્યત્વે સોનામાં જ કરે છે. પરિવારોમાં વડીલો દ્વારા સોનાની ખરીદી કરવાને ઉત્તેજન અપાય છે. એશિયનો આ પરંપરા અને સંસ્કૃતિનું પાલન કરતા હોવાથી ચોરો માટે હાથ અજમાવવા તેઓ પ્રથમ પસંદગી બની રહે છે.
બીબીસી દ્વારા ફ્રીડમ ઓફ ઈન્ફર્મેશન હેઠળ ૪૫ પોલીસ દળો પાસેથી માહિતી મંગાઈ હતી. જોકે, ગ્વેન્ટ, નોર્થ વેલ્સ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડ પોલીસ દળો દ્વારા આવી માહિતી અપાઈ ન હતી. ચેશાયર પોલીસે એશિયન સંબંધિત ચોરીઓ વધ્યા પછી ખાસ ટુકડીઓ તૈયાર કરી છે. ચેશાયર પોલીસ અધિકારીઓએ નોર્થ વેસ્ટ, નોર્થ વેલ્સ અને મિડલેન્ડ્સમાં કાર્યરત ગુનાખોરોનું પગેરું મેળવ્યું અને ચોરીના સંખ્યાબંધ ગુના ઉકેલવામાં સફળતા પણ મેળવી હતી. આવી ચોરીની તપાસ બાબતે સૌથી મોટો પડકાર એ છે કે સોનાનો નિકાલ સરળતાથી થઇ જાય છે. ચોરોને તુરત જ રોકડ રકમ મળી જતી હોવાથી તેમની નજર સોના પર જ રહે છે. ચેશાયર પોલીસના ક્રાઈમ વિભાગના વડા એરોન ડુગ્ગન કહે છે કે,‘ સેકન્ડહેન્ડ જ્વેલરીનો વેપાર કરનારાએ આ ઘરેણાં કે સોનું વેચનાર વ્યક્તિ કોણ છે તેના વિશે વિચારવું જોઈએ પરંતુ, આમ થતું નથી. વિચિત્રતા એ છે કે આ દેશમાં સેકન્ડહેન્ડ જ્વેલરી વેચવા કરતાં ધાતુનો ભંગાર વેચવાનું મુશ્કેલ બની રહે છે.’ સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા દર વર્ષે દિવાળી, નવરાત્રિ અને મોટા તહેવારોના સમયે બ્રિટનમાં વસતા ભારતીયોને સંભવિત ચોરી બાબતે સતર્ક રહેવા ચેતવણી આપવામાં આવે છે.
પાંચ પોલીસ દળોએ વર્ષ ૨૦૧૭-૧૮માં તેમનાં વિસ્તારોમાં સોના કે તેના આભૂષણોની સૌથી વધુ ચોરી થયાના આંકડા આપ્યા છે, જેમાં મેટ્રોપોલીટન પોલીસ-૨૧.૨ મિલિયન પાઉન્ડ (૩૩૦૦ ચોરી), કેન્ટ પોલીસ-૧.૬ મિલિયન પાઉન્ડ (૮૯ ચોરી), ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ-૧.૫ મિલિયન પાઉન્ડ (૨૩૮ ચોરી), એસેક્સ પોલીસ- ૪૯૫,૦૦૦ પાઉન્ડ (૫૨ ચોરી), થેમ્સ વેલી પોલીસ-૩૧૦,૦૦૦ પાઉન્ડ (૧૦૨ ચોરી)નો સમાવેશ થાય છે.
ગત વર્ષના ડિસેમ્બરમાં ઈંગ્લેન્ડની ઉત્તરમાં રહેતા નિવૃત્ત દંપતી શાહીદ અને શયદા સૈયદના ઘરમાં ચોરી થઈ હતી. લોખંડના સળિયાઓથી સજ્જ બુકાનીધારી ચોરોએ હુમલો કરી પતિ અને પત્નીને માર્યા હતા. શાહીન સૈયદને તો હાર્ટ એટેક આવી ગયો હતો. ચોરો ઘરમાંથી સોનાની બંગડીઓ, નેકલેસીસ, વીંટીઓ સહિતના દાગીના ચોરી ગયા હતા. આ ઘરેણાં પેઢીઓથી તેમના પરિવારમાં ઉતરી આવ્યા હતાં અને શ્રીમતી સૈયદે તેમની પૌત્રીઓને આપવા સાચવી રાખ્યાં હતાં. આ ઘરેણાં સાથે લાગણીઓ જોડાયેલી હતી. સૈયદ પરિવાર ધનવાન ન હતો કે સમૃદ્ધ વિસ્તારમાં રહેતો ન હતો છતાં તેમના ઘેર શા માટે ચોરો ત્રાટક્યા તે સમજી શક્યા નથી. વાસ્તવિકતા એ છે કે નાના મોટા દરેક એશિયન પરિવાર પાસે ઘરમાં સોનાનાં ઘરેણાં હોય જ છે તે ચોરો બરાબર સમજતા હોય છે. પોલીસ કહે છે કે ચોરીનો શિકાર બનેલા કેટલાક લોકો પાસે મોટાં પ્રમાણમાં સોનાની જ્વેલરી હતી પરંતુ, દરેક કિસ્સામાં આવું હોતું નથી.


