લંડનઃ યુકેમાં ૨૬ શહેરોમાં બાળકોનાં લોકપ્રિય નામોમાં ઓલિવર અને ઓલિવીઆ નામ મોખરે છે, જ્યારે લંડનમાં છોકરા માટે મુહમ્મદ અને છોકરી માટે એમિલીઆ નામની પસંદગી વધુ છે. મુહમ્મદ નામ સમગ્ર યુકેમાં બીજા ક્રમે આવે છે. છોકરાના નામ માટે લોકો જર્મન અને હિબ્રુ ભાષામાંથી આવતા નામને, જ્યારે છોકરીના નામ માટે હિબ્રુ ભાષાના નામને પ્રાથમિકતા આપે છે.
દેશના શહેરોમાં લોકપ્રિય નામો વિશે કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે છોકરીઓ માટે સૌથી લોકપ્રિય નામોમાંથી ૪૦ ટકા નામ હિબ્રુ ભાષાના છે, જ્યારે છોકરાઓ માટે ૪૦ ટકા નામ જર્મન ભાષામાંથી પસંદ કરાય છે. એમિલી, સોફી, જેક અને ઓલિવર નામ ૨૦૧૭માં પણ લોકપ્રિય છે. સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતા લંડનમાં છોકરા માટે અરેબિક નામ મુહમ્મદ સૌથી લોકપ્રિય છે.
યુકેમાં છોકરા માટે પ્રથમ ૧૦ લોકપ્રિય નામમાં ઓલિવર, મુહમ્મદ, નોઆહ, હેરી, જેક, ચાર્લી, જેકોબ, જ્યોર્જ, એથાન અને હેન્રી છે, જ્યારે છોકરીઓ માટે સૌથી લોકપ્રિય ૧૦ નામમાં ઓલિવીઆ, લિલી, સોફીઆ, એમિલી, એમેલીઆ, આવા, ઈસ્લા, ઈઝાબેલા, ઈસાબેલ અને સોફીનો સમાવેશ થાય છે. યુકેના ૨૬ શહેરમાં છોકરી માટે એમેલીઆ સૌથી લોકપ્રિય નામ છે, જ્યારે ૧૨ શહેરોમાં છોકરાનાં નામમાં જેક અને ઓલિવરની પસંદગી વધુ રહી હતી. વેલ્સના શહેરોમાં ૫૦ ટકાથી વધુ, જ્યારે ઈંગ્લેન્ડના શહેરોમાં ૩૭ ટકા લોકપ્રિય નામ હિબ્રુ ભાષા સાથે સંકળાયેલાં છે.


