યુકેમાં બેરોજગારીઃ એક નોકરી પાછળ ૫૦થી વધુ ઉમેદવાર

Sunday 28th June 2020 02:10 EDT
 
 

લંડનઃ યુકેમાં બેરોજગારી વધી રહી છે અને નોકરી મેળવવા લોકો દોડાદોડી કરી રહ્યા છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના આંકડા અનુસાર યુકેના ગરીબ વિસ્તારોમાં એક ખાલી જગ્યા માટે ૫૦થી વધુ ઉમેદવાર મેદાનમાં હોય છે જ્યારે, સમૃદ્ધ વિસ્તારોમાં એક જાહેરાત પાછળ ઓછામાં ઓછી પાંચ અરજી મળે છે. યુકેમાં સૌથી ખરાબ હાલત ધરાવતા વિસ્તારોમાં લંડનમાં બ્રેન્ટ, બાર્કિંગ એન્ડ ડાગેનહામ, બ્રોક્સ્ટોવ, બોલસોવર અને ટેલ્ફર્ડનો સમાવેશ થાય છે. બીજી તરફ, ચિસેસ્ટર, લિંકન અને કેન્સિંગ્ટન એન્ડ ચેલ્સીમાં એક નોકરી પાછળ સરેરાશ પાંચ ઉમેદવાર હોય છે.

અભ્યાસ કહે છે કે યુકેમાં બ્રેન્ટ, બાર્કિંગ એન્ડ ડાગેનહામ, બ્રોક્સ્ટોવ, બોલસોવર, રહોન્ડ્ડા અને ટેલ્ફર્ડ સહિત ૧૧ લોકલ ઓથોરિટીઝમાં બેકોજગારીની મોટી સમસ્યા છે. અગાઉના ઈન્ડસ્ટ્રીઅલ અને ઈનર સિટી એરિયાઝમાં સરેરાશ ૨૦ લોકો દરેક જોબ વેકેન્સી માટે બેરોજગારી સંબંધિત બેનિફિટ્સ ક્લેઈમ કરે છે. કોરોના કટોકટી શરુ થઈ તે પહેલા વેકેન્સી દીઠ સરરાશ ચાર લોકો ક્લેઈમ કરતા હતા. ઈન્સ્ટિટ્યૂટ ફોર એમ્પ્લોયમેન્ટ સ્ટડીઝ કહે છે કે ઈંગ્લેન્ડના સમૃદ્ધ વિસ્તારોમાં એક નોકરી પાછળ સરેરાશ પાંચ બેરોજગાર સ્પર્ધામાં હોય છે. લંડનમાં કેન્સિંગ્ટન એન્ડ ચેલ્સી, ચિસેસ્ટર અને લિંકન ખાતે પ્રતિ વેકેન્સી ત્રણ કે તેથી ઓછા ઉમેદવાર હોય છે.

જોકે, ઈન્સ્ટિટ્યૂટ હાયરિંગ માર્કેટની હાલત સુધરી રહ્યાનું પણ જણાવે છે. જૂન મહિનાના બીજા સપ્તાહમાં નવી જાહેર કરાયેલી વેકેન્સીઓની સંખ્યા ૧૦૬,૦૦૦ સુધી પહોંચી છે, જે મે મહિનાના આખરી સપ્તાહની સંખ્યા કરતાં બમણી છે પરંતુ, ગત વર્ષે આ જ સપ્તાહમાં જાહેર કરાયેલી વેકેન્સીના ત્રીજા ભાગ જેટલી જ છે. એડવર્ટાઈઝ કરાયેલી તમામ વેકેન્સીના ત્રીજો હિસ્સાથી વધુ વેકેન્સી હેલ્થ, એજ્યુકેશન અને સોશિયલ વર્ક સેક્ટરોમાં છે. કોરોના કટોકટી આવી તે અગાઉ પાંચમાંથી એક વેકેન્સી જ આ ક્ષેત્રોમાં હતી.

સંશોધનનું ફંડ આપનાર જોસેફ રાઉન્ટ્રી ફાઉન્ડેશનના ઈકોનોમિક્સ હેડ ડેવ ઈન્સ કહે છે કે કોરોના મહામારીથી ગરીબીનું જોખમ સૌથી વધુ હોય તેવા રેસ્ટોરાં અને નોન-ફૂડ રીટેઈલ જેવા ક્ષેત્રોના કામદારોને સૌથી ખરાબ રીતે વેઠવાનું થયું છે. ફર્લો સ્કીમનો અંત આવશે તેમ બેરોજગારી વધવાની શક્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter