યુકેમાં બ્રિટિશ એશિયન સમાજ સૌથી વધુ રૂઢિચુસ્ત અને આશાવાદી સમૂહ

બ્રિટિશ એશિયનોમાં ૫૧ ટકા રાજાશાહીની અને ૨૬ ટકા પ્રજાસત્તાકની તરફેણમાંઃ બ્રિટિશ એશિયનોમાં ૪૬ ટકા માટે ધર્મ અતિ મહત્ત્વનો

Thursday 16th August 2018 03:35 EDT
 
 

લંડનઃ સમગ્ર બ્રિટિશ વસ્તીમાં બ્રિટશ એશિયનો સામાજિક દૃષ્ટિએ સૌથી વધુ રૂઢિચુસ્ત અને આશાવાદી હોવાનું એશિયન નેટવર્ક માટેના ComRes સર્વેમાં બહાર આવ્યું છે. બીબીસીના બિગ બ્રિટિશ એશિયન સમર કાર્યક્રમના ભાગરુપે કરાયેલા સર્વેમાં ૨૦૨૬ બ્રિટિશ એશિયનોએ ભાગ લીધો હતો. આટલી જ સંખ્યામાં યુકેના નાગરિકોએ પણ પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. સર્વેમાં ૪૩ ટકા બ્રિટિશ એશિયનોએ સજાતીય સંબંધને સ્વીકાર્ય ગણાવ્યો હતો, જ્યારે ૫૪ ટકા લોકોએ પોતાની એશિયન ઓળખને સમાજમાં બંધબેસતી બનાવી હતી. બ્રિટિશ એશિયનોમાં ૧,૧૯૭ મતદાર યુકેમાં જન્મેલા હતા અને તેમના મૂળ દેશો મુખ્યત્વે ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ અને શ્રીલંકા હતા.

સર્વે અનુસાર, સમગ્ર યુકેમાંથી માત્ર પાંચ ટકા મતદાર તેમના સગાં લગ્ન અગાઉ સેક્સ માણ્યું હોય તેના પ્રત્યે સૂગ ધરાવતા હતા, જ્યારે બ્રિટિશ એશિયનોમાં ૩૪ ટકાએ વિરોધી સૂર દર્શાવ્યો હતો. આ જ પ્રમાણે ૧૫ ટકા યુકે નાગરિકોએ સજાતીય સંબંધોને અસ્વીકાર્ય ગણાવ્યા હતા, જેની સરખામણીએ બ્રિટિશ એશિયનોમાં આ પ્રમાણ ૩૬ ટકાનું જોવાં મળ્યું હતું. વયની અસર પણ અભિગમો પર થતી હોવાનું સર્વેમાં બહાર આવ્યું હતું. સમગ્ર યુકેના નાગરિકોના સર્વેમાં વૃદ્ધ લોકોની સરખામણીએ યુવા વર્ગ સજાતીય સંબંધોને ટેકો આપતો હતો. બીજી તરફ, બ્રિટિશ એશિયન સર્વેમાં તમામ વયજૂથમાં વલણ લગભગ સરખું રહ્યું હતું.

ધર્મના મુદ્દે સામાન્ય જનતાના ૧૮-૩૪ વયજૂથના અડધાથી વધુ લોકોએ તેમના માટે ધર્મનું જરાપણ મહત્ત્વ ન હોવાનું કહ્યું હતુ, જ્યારે માત્ર આઠ ટકા યુવા બ્રિટિશ એશિયનોએ આમ જણાવ્યું હતું. બ્રિટિશ એશિયનોમાં ૪૬ ટકા માટે ધર્મ અતિ મહત્ત્વનો હતો, જ્યારે સામાન્ય નાગરિકોમાં આ પ્રમાણ ૧૨ ટકા જ હતું.

એશિયન કલ્ચર-સંસ્કૃતિ વિશેના પ્રશ્ને ૩૩ ટકા બ્રિટિશ એશિયનોએ ‘આધુનિકતા તરફની ગતિ’ અને ૨૫ ટકાએ ‘પ્રગતિશીલ’ હોવાનું જણાવ્યું હતું. આની સરખામણીએ યુકેની સામાન્ય જનતાનો મત અનુક્રમે ૯ ટકા અને ૮ ટકા હતો. ૭૯ બ્રિટિશ એશિયનોએ તેમની કેટલીક સાંસ્કૃતિક પરંપરાઓ નષ્ટપ્રાયઃ થતી હોવાનું જણાવ્યું હતું.

સમાજમાં અનુકૂલન સાધવા વર્તણૂંકમાં પરિવર્તન લાવવાના પ્રશ્ને ૧૨ ટકાએ તેમની એશિયન ઓળખને વારંવાર ‘ઢીલી’ રાખતા હોવાનું કહ્યું હતું, જ્યારે ૨૩ ટકાએ ‘કદીક’ અને ૧૮ ટકાએ ‘કદી નહિ’માં ઉત્તર આપ્યો હતો. ચિરાગ અસનાનીએ સર્વેના કેટલાક ભાગ સાથે સહમતિ દર્શાવતા કહ્યું હતું કે તેણે બ્રિટિશ સંસ્કૃતિ સાથે સમન્વય સાધવા પોતાનું નામ બદલીને ક્રેગ રાખ્યું હતું કારણકે સ્કૂલમાં ચિરાગનો ઉચ્ચાર અન્યો ક્રેગ કરતા હતા. જોકે, પાછળથી મેં ચિરાગ તરીકેની જ ઓળખ પસંદ કરી હતી.

મોટા ભાગની યુકેની જનતાની સરખામણીએ બ્રિટિશ એશિયનો તેમના ભવિષ્ય વિશે આશાવાદી છે. ૭૨ ટકા બ્રિટિશ એશિયનોએ જણાવ્યું હતું કે બ્રિટન એવું સ્થળ છે, જ્યાં તમારી ઈચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષા પૂર્ણ કરી શકાય છે. આ બધામાં પણ ૭૫ ટકાથી વધુ બ્રિટિશ ભારતીયો તેમનું ભાવિ ઉજ્જવળ હોવાનું માને છે. જોકે, સામ્ય વસ્તીના ૬૪ ટકા જ આવો મત ધરાવે છે.

આ સર્વેથી સ્પષ્ટ થાય છે કે બે સંસ્કૃતિ વચ્ચે સેતુના નિર્માણમાં જટિલતા અને વિરોધાભાસ રહેલા છે. બીજા વિશ્વયુદ્ધ પછી યુકેમાં આવેલી પેઢીનો મુખ્ય ઈરાદો અહીં સ્થાયી થવાનો ન હતો. વર્ણભેદની સમસ્યા અને ઓછી સંખ્યા હોવાને કારણે વિશિષ્ટ ઓળખ જાળવી રાખવા મોટા ભાગના લોકો સમાજ અને પરંપરાને ચૂસ્તપણે વળગી રહ્યા હતા. આ પછી, તેઓ અહીં સ્થાયી થયા ત્યારે કેટલાક મૂલ્યો તેમની બ્રિટનમાં જન્મેલી પેઢીને પણ આપ્યાં છે. આથી જ, સજાતીય સંબંધ અને લગ્ન અગાઉ સેક્સના વિષયોમાં યુવા પેઢી પણ રૂઢિચુસ્ત વલણ ધરાવે છે.

બ્રિટિશ એશિયનો અને યુકેની સામાન્ય જનતાનો શું મત?

• બ્રિટિશ એશિયનોમાં ૫૧ ટકા રાજાશાહીની અને ૨૬ ટકા પ્રજાસત્તાકની તરફેણમાં, બાકીના લોકો અનિર્ણાયક હતા

• સામાન્ય વસ્તીમાં ૬૫ ટકાએ રાજાશાહીની અને ૨૧ ટકાએ પ્રજાસત્તાકની તરફેણ કરી હતી

• બ્રિટિશ એશિયનોમાં ૫૯ ટકા પોલીસનો વિશ્વાસ કરે છે.

• સામાન્ય વસ્તીમાં ૬૫ ટકા પોલીસનો વિશ્વાસ કરે છે.

• બ્રિટિશ એશિયનોમાં ૪૮ ટકાના મતે ધર્મ વિભાજન અને સંઘર્ષનો સ્રોત છે.

• સામાન્ય વસ્તીમાં ૭૭ ટકાના મતે ધર્મ વિભાજન અને સંઘર્ષનો સ્રોત છે.

• બ્રિટિશ એશિયનોમાં ૪૬ ટકા માટે ધર્મ અતિ મહત્ત્વનો

• સામાન્ય નાગરિકોમાં ૧૨ ટકા માટે જ ધર્મ મહત્ત્વપૂર્ણ

• બ્રિટિશ એશિયનોમાં ૩૦ ટકા માને છે કે બ્રિટન વધુ સહિષ્ણુ સ્થળ બન્યું છે.

• યુકેની સામાન્ય વસ્તીમાં ૨૨ ટકા જ આમ માને છે.

• બ્રિટિશ એશિયનોમાં ૩૬ ટકા માટે સજાતીય સંબંધો અસ્વીકાર્ય છે.

• ૧૫ ટકા યુકે નાગરિકોએ સજાતીય સંબંધોને અસ્વીકાર્ય ગણાવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter